Visakhapatnam News : આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ સ્થિત વિઝાગ સ્ટીલ પ્લાન્ટ (Vizag Steel Plant)માં સોમવારે એક ગંભીર ઔદ્યોગિક અકસ્માત (Accident) સર્જાયો, જેમાં 8 મજૂરોએ જીવ ગુમાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ સમગ્ર પ્લાન્ટ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, પ્લાન્ટમાં લગભગ 1600 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલું પીગળેલું લોખંડ ક્રેનની મદદથી એક વિભાગમાંથી બીજા વિભાગમાં ખસેડવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન લોખંડ ભરેલી વિશાળ બકેટમાંથી ગરમ ધાતુ બહાર ફેલાઈ ગઈ અને નજીકમાં કામ કરી રહેલા કર્મચારીઓ તેની ઝપેટમાં આવી ગયા.

અકસ્માત (Accident)માં અનેક કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર ઇજાઓને કારણે 8 કર્મચારીઓના મોત થયા હોવાનું જણાવવામાં આવ્યું છે. અન્ય ઘાયલોની સારવાર ચાલી રહી છે.
આ દુર્ઘટના રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડ (RINL) સંચાલિત વિઝાગ સ્ટીલ પ્લાન્ટમાં બની હતી. ઘટનાની જાણ થતાં જ પ્લાન્ટના અધિકારીઓ, બચાવ દળ અને સ્થાનિક પ્રશાસન સ્થળ પર પહોંચ્યા હતા. સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવી રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આંધ્ર પ્રદેશ સરકાર પણ ઘટનાને લઈને સતર્ક બની છે. રાજ્યના ગૃહમંત્રી વંગાલાપુડી અનિતાએ જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનર પાસેથી ઘટનાની વિગતવાર માહિતી મેળવી હતી. સાથે જ ઘાયલોને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવા અને તપાસ ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.
હાલમાં અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે તકનીકી ખામી, સાધનોમાં બેદરકારી અથવા સુરક્ષા ધોરણોના પાલનમાં કોઈ ખામી રહી હતી કે નહીં તે દિશામાં તપાસ ચાલી રહી છે.
