Gandhinagar News/ હવે ગાંધીનગરના ધક્કા નહીં! પોલીસ અધિકારીઓ રોજ 2 કલાક પ્રજાની ફરિયાદો સાંભળશે

DGP GS Malik Order Gujarat Police: રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકે મહત્વપૂર્ણ હુકમ જારી કરીને તમામ CP, SP અને PI માટે દરરોજ ફરજિયાત 2 કલાક પ્રજાના પ્રશ્નો સાંભળી 15 દિવસમાં નિકાલ કરવા આદેશ આપ્યો છે.

Gandhinagar Top Stories Gujarat
DGP GS Malik Order Gujarat Police

DGP GS Malik Order Gujarat Police: ગુજરાતના નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોનો સ્થાનિક કક્ષાએ જ સત્વરે અને સમયસર નિકાલ થાય તે માટે રાજ્યના પોલીસ વડા (DGP) જી.એસ. મલિક દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રજાલક્ષી કચેરી હુકમ જારી કરવામાં આવ્યો છે. આ નવા આદેશનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસની કામગીરીને વધુ પારદર્શક અને લોકાભિમુખ બનાવવાનો છે. હવે સામાન્ય અરજદારોને પોતાના નાના-મોટા પ્રશ્નો કે ન્યાય મેળવવા માટે છેક ગાંધીનગર, ડીજીપી કચેરી કે સચિવાલય સુધી લાંબા નહીં થવું પડે, કારણ કે સ્થાનિક સ્તરે જ ઉચ્ચ અફસરોએ પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે હાજર રહેવું પડશે.

Police કમિશનર અને એસપી માટે સવારનો સમય

આ કચેરી હુકમ અન્વયે હવેથી રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓથી લઈને પોલીસ સ્ટેશનના થાણા અમલદારો (PI) માટે સ્થાનિક સ્તરે જ પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે દરરોજ ફરજિયાત બે કલાક ફાળવવાનો કડક આદેશ કરાયો છે:

ઉચ્ચ પોલીસ અધિકારીઓ (CP, Range IG, SP): તમામ પોલીસ કમિશનરો, સંયુક્ત, અધિક, નાયબ કે મદદનીશ પોલીસ કમિશનરો, રેન્જ વડાઓ  તેમજ પોલીસ અધિક્ષકો (SP) એ દરરોજ સવારે 12:00 થી 14:00 કલાક (12 થી 2 વાગ્યા સુધી) દરમિયાન ફરજિયાત પોતાની કચેરીમાં હાજર રહી મુલાકાતીઓને સાંભળવાના રહેશે. જો મુખ્ય અધિકારી હાજર ન હોય, તો કચેરીના સિનિયર અધિકારી અથવા રીડરે અરજી મેળવી તાત્કાલિક કાર્યવાહી કરવાની રહેશે.

પોલીસ ઇન્સ્પેક્ટર્સ (PI) અને થાણા અમલદારો: સામાન્ય રીતે પીઆઈ સવારના સમયે કોર્ટની મુદત, તપાસ કે સોગંદનામાની કામગીરીમાં વ્યસ્ત રહેતા હોવાથી તેમના માટે અલગ સમય નક્કી કરાયો છે. તમામ થાણા અમલદારોએ દરરોજ સાંજે 4:00 થી 6:00 વાગ્યા સુધી પોતાના પોલીસ સ્ટેશનમાં અચૂક હાજર રહીને સ્થાનિક નાગરિકોની રજૂઆતો શાંતિપૂર્વક સાંભળી, લેખિત અરજી પર તાત્કાલિક એક્શન લેવાના રહેશે.

અરજીના નિકાલ માટે 15 દિવસની કડક ડેડલાઈન

ડીજીપી જી.એસ. મલિકે આ નવીન વ્યવસ્થામાં અરજીઓના નિકાલ માટે બહુ જ કડક સમયમર્યાદા (Deadline) નક્કી કરી દીધી છે, જે મુજબ સામાન્ય અરજીઓનો નિકાલ વધુમાં વધુ 15 દિવસમાં જ કરવાનો રહેશે, જ્યારે આર્થિક ગુનાઓ, વૈવાહિક કે પારિવારિક વિવાદો, તબીબી બેદરકારીના કેસ તેમજ ભ્રષ્ટાચારને લગતા આક્ષેપો ધરાવતી જટિલ ગુનાઓની અરજીઓનો નિકાલ વધુમાં વધુ 6 અઠવાડિયામાં અચૂક પૂરો કરવાનો રહેશે.

વહીવટી પારદર્શિતા માટે રજૂઆત કરવા આવતા દરેક અરજદારોની વિગતો રાખવા માટે દરેક કચેરીમાં ખાસ રજિસ્ટર રાખવાની પણ સૂચના અપાઈ છે. અરજીની પ્રાથમિક તપાસ દરમિયાન જો કોઈ પણ સંજ્ઞેય (Cognizable) ગુનો બન્યો હોવાનું માલૂમ પડે, તો તે અંગે કોઈ પણ પ્રકારની ઢીલ રાખ્યા વગર તાત્કાલિક અસરથી FIR નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાના આદેશ અપાયા છે.


આ પણ વાંચો:ભ્રષ્ટ બાબુનો ખેલ ખતમ! ગાંધીનગર મનપાના આસિ. કમિશનર 1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

આ પણ વાંચો:ગાંધીનગરમાં ગુડાના સુપરવાઈઝર અને ક્લાર્ક 70 હજારની લાંચ લેતા ઝડપાયા

આ પણ વાંચો:ગાંધીનગરમાં લાંચ લેતા 2 કર્મચારીઓ રંગેહાથ ACB એ ઝડપ્યા