Ahmedabad News/ અમદાવાદમાં ફાયર બ્રિગેડની સેવાઓ મોંઘી: AMCએ 15 વર્ષ બાદ ચાર્જમાં દોઢથી ત્રણ ગણો વધારો મંજૂર કર્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફાયર બ્રિગેડ (AMC Fire Brigade Charges)ની સેવાઓના ચાર્જમાં 15 વર્ષ બાદ મોટો વધારો કર્યો. GIDC અને ખાનગી ઔદ્યોગિક એકમો માટે હવે લઘુતમ ચાર્જ ₹1600 લાગુ પડશે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
AMC Fire Brigade Charges:હવે ફાયર સર્વિસ પણ મોંઘી, અમદાવાદમાં નવા દર લાગુ

Ahmedabad News: અમદાવાદ શહેરમાં હવે ફાયર એન્ડ ઈમરજન્સી સેવાઓનો ઉપયોગ કરવો વધુ ખર્ચાળ બનશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ફાયર બ્રિગેડ (AMC Fire Brigade Charges)ની વિવિધ સેવાઓ માટે વસૂલવામાં આવતા ચાર્જમાં દોઢથી ત્રણ ગણો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરવધારાને સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે.

AMC Fire Brigade Charges:ફાયર બ્રિગેડના ચાર્જ વધ્યા!

માહિતી મુજબ, AMC સંચાલિત ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ (AMC Fire Brigade Charges)ના ચાર્જમાં છેલ્લે વર્ષ 2011 દરમિયાન સુધારો કરવામાં આવ્યો હતો. છેલ્લા લગભગ 15 વર્ષથી દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. પરંતુ ઇંધણ, જાળવણી અને સંચાલન ખર્ચમાં સતત વધારો થતાં હવે નવા દરો અમલમાં લાવવામાં આવ્યા છે.

મ્યુનિસિપલ તંત્રના જણાવ્યા અનુસાર, અમદાવાદ શહેરની હદમાં આગ, અકસ્માત અથવા અન્ય ઇમરજન્સી પરિસ્થિતિમાં નાગરિકોને આપવામાં આવતી સેવાઓ માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. જોકે શહેરની બહારના વિસ્તારો, GIDC, ખાનગી ઔદ્યોગિક એકમો અને અન્ય સંસ્થાઓ માટે ફાયર બ્રિગેડની સેવા લેતી વખતે નવા દરો લાગુ પડશે.

અગાઉ આવા કિસ્સાઓમાં રૂ.300થી રૂ.1000 સુધીનો ચાર્જ લેવામાં આવતો હતો. હવે તેને વધારીને 8 કલાકની સમયમર્યાદા માટે લઘુતમ રૂ.1600 નક્કી કરવામાં આવ્યો છે. જો કામગીરી વધુ સમય સુધી ચાલશે તો વધારાના કલાકો મુજબ અલગથી ચાર્જ વસૂલવામાં આવશે.

આ ઉપરાંત, કામગીરી દરમિયાન જોડાયેલા કર્મચારીઓને ચૂકવવામાં આવતા ભથ્થાનો ખર્ચ પણ સંબંધિત અરજદારે અલગથી ચૂકવવાનો રહેશે. AMCનું માનવું છે કે વધતા ઓપરેશનલ ખર્ચને ધ્યાનમાં રાખીને આ સુધારા જરૂરી બન્યા હતા.

સ્થાયી સમિતિ દ્વારા મંજૂર કરાયેલા નવા દરો લાગુ થતાં ખાસ કરીને ઔદ્યોગિક એકમો, ખાનગી સંસ્થાઓ અને શહેર બહારની સેવાઓનો ઉપયોગ કરનારાઓ પર તેની સીધી અસર જોવા મળશે.


આ પણ વાંચો:અમદાવાદના સેટેલાઈટમાં રત્નાકર-3 બિલ્ડિંગમાં આગ, ફાયર બ્રિગેડની તાત્કાલિક કામગીરીથી આગ કાબૂમાં

આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ગેલેરી ધરાશાયી, ફાયર બ્રિગેડની તાત્કાલિક કામગીરી શરૂ

આ પણ વાંચો:અમદાવાદમાં ગોડાઉનમાં ભીષણ આગ, જોધપુર BRTS પાસે દોડ્યું ફાયરબ્રિગેડ