New Delhi News : દેશમાં સાયબર ગુનાઓ સતત વધી રહ્યા છે અને હવે તેનો ભોગ દેશના ભૂતપૂર્વ વડાપ્રધાનના પરિવારના સભ્ય પણ બન્યા છે. પૂર્વ વડાપ્રધાન આઈ.કે. ગુજરાલ (IK Gujral)ના પુત્ર અને પૂર્વ રાજ્યસભા સાંસદ નરેશ ગુજરાલ (Naresh Gujral) સાથે સંકળાયેલો ₹7.8 કરોડની સાયબર છેતરપિંડી (Cyber Fraud)નો ગંભીર મામલો સામે આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સાયબર ઠગોએ મેસેજિંગ એપ પર નરેશ ગુજરાલ ((Naresh Gujral))ના નામ અને ફોટોનો ઉપયોગ કરીને નકલી એકાઉન્ટ બનાવ્યું હતું. ત્યારબાદ તેમણે ગુજરાલની કંપનીના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO)નો સંપર્ક કરી પોતાને નરેશ ગુજરાલ તરીકે ઓળખાવ્યા હતા.
ઠગોએ તાત્કાલિક વ્યવસાયિક જરૂરિયાત દર્શાવી અનેક બેંક ખાતાઓમાં RTGS મારફતે રકમ ટ્રાન્સફર કરવાની સૂચનાઓ આપી હતી. સૂચનાઓને સાચી માની CFOએ 12 જૂનથી 16 જૂન દરમિયાન ચાર અલગ-અલગ ટ્રાન્ઝેક્શનમાં કુલ ₹7.8 કરોડ ટ્રાન્સફર કરી દીધા હતા.
આ સમગ્ર કૌભાંડનો ખુલાસો ત્યારે થયો જ્યારે 16 જૂને નરેશ ગુજરાલની પુત્રીએ આર્થિક વ્યવહારો અંગે શંકા વ્યક્ત કરી અને પિતાને તેની પુષ્ટિ કરવા જણાવ્યું. નરેશ ગુજરાલે કોઈપણ પ્રકારની સૂચના આપવાનો ઇનકાર કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ દિલ્હી પોલીસમાં ઈ-એફઆઈઆર નોંધવામાં આવી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અધિકારીઓએ ઝડપી કાર્યવાહી કરીને છેતરપિંડી સાથે જોડાયેલા અનેક બેંક ખાતાઓ ફ્રીઝ કર્યા હતા. અત્યાર સુધીમાં આશરે ₹4 કરોડની રકમ સુરક્ષિત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ હવે નાણાંના પ્રવાહની તપાસ કરી રહી છે અને આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓની ઓળખ તેમજ તેમની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી રહી છે.
સાયબર નિષ્ણાતોનું કહેવું છે કે કોઈપણ નાણાકીય ટ્રાન્ઝેક્શન કરતા પહેલા ફોન અથવા અન્ય વિશ્વસનીય માધ્યમથી પુષ્ટિ કરવી જરૂરી છે, જેથી આવી પ્રકારની છેતરપિંડીથી બચી શકાય.
