Dhrangadhra News: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામમાં પાવર ગ્રીડ લાઇનના કામને લઈને ખેડૂતોનો વિરોધ (Dhrangadhra Farmers Protest ) વધુ ઉગ્ર બન્યો છે. ખેડૂતો અને સ્થાનિક ધારાસભ્ય વચ્ચે યોજાયેલી બેઠક દરમિયાન ભારે હોબાળો મચતા પોલીસને પણ ઘટનાસ્થળે પહોંચવું પડ્યું હતું.
ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા એક મહિનાથી તેઓ પાવર ગ્રીડ લાઇનના કામ સામે વિરોધ (Dhrangadhra Farmers Protest ) કરી રહ્યા છે, છતાં તેમની રજૂઆતો પર કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. ખેડૂતોના જણાવ્યા મુજબ, વીજ પોલ અને ટ્રાન્સમિશન લાઇનના કામથી તેમની ખેતીની જમીનને નુકસાન થઈ રહ્યું છે અને તેના બદલામાં યોગ્ય વળતર પણ આપવામાં આવતું નથી.
બેઠક દરમિયાન ખેડૂત આગેવાનો દ્વારા ધારાસભ્ય પ્રકાશ વરમોરાને સવાલોના ઘેરામાં લીધા હતા. ખેડૂતોનું કહેવું હતું કે જ્યારે તેઓ લાંબા સમયથી આંદોલન ચલાવી રહ્યા હતા ત્યારે કોઈ જનપ્રતિનિધિ તેમની વચ્ચે આવ્યો નહોતો. જેના કારણે બેઠકમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો.
ખેડૂત આગેવાન શક્તિસિંહ ઝાલાએ આક્ષેપ કર્યો કે ખેડૂતોની મંજૂરી વિના ખેતરોમાં પ્રવેશ અને તાળા તોડવાની ઘટનાઓ સામે કોઈ પગલાં લેવાયા નથી. તેમણે દાવો કર્યો કે ખેડૂતોના વધતા આક્રોશને જોતા માત્ર સ્થિતિ નિયંત્રણમાં લેવા માટે બેઠક યોજાઈ હતી.
Dhrangadhra Farmers Protest: 30 જૂને રસ્તા રોકો આંદોલનની ચીમકી
બીજી તરફ ખેડૂત આગેવાન મેહુલસિંહ ઝાલાએ જાહેરાત કરી કે જો આગામી દિવસોમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો 30 જૂને ‘રસ્તા રોકો આંદોલન’ (Dhrangadhra Farmers Protest ) કરવામાં આવશે અને ત્યારબાદ ખેડૂતો ભૂખ હડતાલ પર પણ ઉતરશે.
ખેડૂતોે સરકાર સમક્ષ ત્રણ મુખ્ય માંગણીઓ મૂકી છે. જેમાં વીજ થાંભલા દીઠ વાર્ષિક ભાડું, બે કરોડ રૂપિયાનું વળતર અથવા બજાર કિંમતના ચાર ગણા વળતરની માંગનો સમાવેશ થાય છે. ખેડૂતોનું કહેવું છે કે જમીનમાંથી વીજલાઇન પસાર થતાં જમીનની કિંમત અને ઉપયોગિતા બંને પર અસર થાય છે.
ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ ખેડૂતોના પ્રશ્નોને વાજબી ગણાવતાં જણાવ્યું કે વીજલાઇન પસાર થતાં જમીનની કિંમત પર અસર થતી હોવાની ખેડૂતોની ચિંતા યોગ્ય છે. તેમણે ખેડૂતોના પ્રતિનિધિમંડળને મુખ્યમંત્રી અને કૃષિમંત્રી સમક્ષ રજૂઆત કરાવવાની ખાતરી આપી છે. રાજ્ય સરકાર આ મુદ્દે નવી નીતિ ઘડી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
હાલ ખેડૂતોની નજર સરકાર અને પાવર ગ્રીડ કંપનીના આગામી નિર્ણય પર છે. આગામી દિવસોમાં સરકાર ખેડૂતોની માંગણીઓ સ્વીકારે છે કે પછી આંદોલન વધુ ઉગ્ર બને છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
આ પણ વાંચો:ધ્રાંગધ્રાના કોંઢ ગામે પાવરગ્રીડના કામનો વિરોધ, 200થી વધુ ખેડૂતોની અટકાયત
આ પણ વાંચો:પાવરગ્રીડના સબસ્ટેશન માટે જમીન સંપાદનમાં 219 કરોડનું કૌભાંડ
આ પણ વાંચો:ભારતની પાવર ગ્રિડ વિશ્વની સૌથી મોટી યુનિફાઇડ ઇલેક્ટ્રિસિટી ગ્રીડમાંની એક
