Surendranagar News/ ધ્રાંગધ્રાના કોંઢ ગામે પાવરગ્રીડના કામનો વિરોધ, 200થી વધુ ખેડૂતોની અટકાયત

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના કોંઢ ગામે ખેતરોમાં પાવરગ્રીડના વીજપોલ નાખવા સામે ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો છે. પોલીસે 200થી વધુ ખેડૂતોની અટકાયત કરીને પોલીસ બંદોબસ્ત વચ્ચે કામ શરૂ કરાવ્યું.

Gujarat Top Stories Others
Dhrangadhra Kondh Farmers Protest

Dhrangadhra Kondh Farmers Protest: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પંથકમાં પાવરગ્રીડ કંપની દ્વારા ખેતરોમાં વીજપોલ (Electric Pole) નાખવાની કામગીરી શરૂ થતાં જ સ્થાનિક ખેડૂતો અને વહીવટી તંત્ર વચ્ચે મોટો ગજગ્રાહ સર્જાયો છે. કોંઢ સહિત આસપાસના ગામોના ખેતરોમાં કંપનીની કામગીરી રોકવા અને વિરોધ પ્રદર્શન કરવા માટે એકઠા થયેલા 200થી વધુ ખેડૂતોની પોલીસે અટકાયત (Detain) કરી લેતા પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોએ પોલીસ અને કંપનીની આ સંયુક્ત કાર્યવાહીને ‘રાજાશાહી’ ગણાવી સખત આ શબ્દોમાં વખોડી કાઢી છે.

Dhrangadhra Kondh Farmers Protest

Dhrangadhra : 10 માંગણીઓ સંતોષાયા વિના જ કંપની ખેતરોમાં પ્રવેશી

સ્થાનિક ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે તેમની ન્યાયિક માંગણીઓ સંતોષાયા વિના જ પાવરગ્રીડ કંપની દ્વારા જોહુકમીથી ખેતરોમાં બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અગાઉ જ્યારે કંપનીના કર્મચારીઓ આ વિસ્તારમાં લાઇન નાખવા માટે સર્વે કરવા આવ્યા હતા, ત્યારે સ્થાનિક કિસાન આગેવાનો દ્વારા તંત્ર સમક્ષ વળતર અને જમીન સુરક્ષા સહિતની 10 મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી હતી.

તે સમયે ખેડૂતોએ સ્પષ્ટ અલ્ટિમેટમ આપ્યું હતું કે આ માંગણીઓ સત્તાવાર રીતે સ્વીકારાયા બાદ જ જમીન પર કામ શરૂ કરવા દેવામાં આવશે. એ સમયે સ્થાનિક ડીવાયએસપી (DySP) અને પોલીસ કાફલાની મધ્યસ્થતા તેમજ સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો અને ખેડૂતોએ માત્ર સર્વે માટેની મંજૂરી આપી હતી.

Dhrangadhra Kondh Farmers Protest

Dhrangadhra : ખાનગી કંપની માટે પોલીસ પ્રોટેક્શન

ખેડૂતોએ જણાવ્યું કે, સોમવારે સવારે કોઈપણ આગોતરી જાણ કર્યા વિના પાવરગ્રીડ કંપનીના અધિકારીઓ અને મજૂરોનો મોટો કાફલો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અચાનક કોંઢ ગામના ખેતરોમાં પ્રવેશી ગયો હતો. ખાનગી કંપની દ્વારા પોલીસના જોરે કામગીરી શરૂ કરાતા જ આસપાસના સેંકડો ખેડૂતો પોતાના પાક અને જમીનને બચાવવા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ શરૂ કર્યો હતો.

માહોલ વધુ ન બગડે તે માટે પોલીસે તાત્કાલિક એક્શન લઈને વિરોધ કરી રહેલા ૨૦૦થી વધુ ખેડૂતોની સ્થળ પરથી જ અટકાયત કરી લીધી હતી અને તેમને પોલીસ સ્ટેશન ખસેડ્યા હતા. ખેડૂતોને ડિટેઇન કર્યા બાદ પોલીસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જ વીજપોલ નાખવાની કામગીરી આગળ ધપાવી છે.

Dhrangadhra : આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી

પોલીસની આ કાર્યવાહીથી ધ્રાંગધ્રા પંથકના ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે તંત્ર દ્વારા લોકશાહીના નિયમોનું ઉલ્લંઘન કરીને ખેડૂતોના અવાજને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કિસાનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની 10 માંગણીઓ પર વહેલી તકે સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ વિરોધ પ્રદર્શનને વધુ ઉગ્ર બનાવીને આખા જિલ્લામાં આંદોલન છેડવામાં આવશે.


આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં ડમ્પર-કાર વચ્ચે અકસ્માત, 4 મહિલાના મોત:એક પુરુષ ગંભીર

આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં ભયાનક રોડ અકસ્માત, લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકની અડફેટે 7ના મોત, 4 ગંભીર રીતે ઘાયલ

આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં ડમ્પર-કાર વચ્ચે અકસ્માત, 4 મહિલાના મોત:એક પુરુષ ગંભીર