Gujarat Weather Update: ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં ચોમાસું સક્રિય બન્યું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થવાની શક્યતા વ્યક્ત કરી છે. સાથે જ દેશના 19 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ 90 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 24 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. વલસાડ જિલ્લાના ઉમરગામમાં સૌથી વધુ 3.4 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગમાં 2.7 ઇંચ અને રાજકોટ જિલ્લાના ગોંડલમાં 2.1 ઇંચ વરસાદ વરસ્યો હતો.
આ ઉપરાંત વલસાડના કપરાડા અને રાજકોટના કોટડા-સાંગાણીમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યના અન્ય અનેક તાલુકાઓમાં અડધાથી પોણો ઇંચ સુધી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
