Ahmedabad News/ હરેન પંડ્યા હત્યા કેસ: દોષિત અસગર અલીની સજા માફી અરજી પર ગુજરાત હાઇકોર્ટનો રાજ્ય સરકારને 6 મહિનામાં નિર્ણય લેવાનો આદેશ

Haren Pandya Murder Caseમાં આજીવન કેદ ભોગવી રહેલા દોષિત મોહમ્મદ અસગર અલીની સજા માફીની અરજી પર ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને છ મહિનાની અંદર નિર્ણય લેવા આદેશ આપ્યો છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Haren Pandya Murder Caseમાં અસગર અલીને રાહત? હાઇકોર્ટનો સરકારને મહત્વનો નિર્દેશ

Ahmedabad News: ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા કેસ (Haren Pandya Murder Case)માં દોષિત ઠરાવવામાં આવેલા મોહમ્મદ અસગર અલીની સજા માફીની અરજીને લઈને ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને અરજદારની રજૂઆત પર કાયદા મુજબ વિચાર કરીને છ મહિનાની અંદર યોગ્ય નિર્ણય લેવા નિર્દેશ કર્યો છે.

Haren Pandya Murder Case: સજા માફીની અરજી પર સરકારને 6 મહિનાનો સમય

મોહમ્મદ અસગર અલી હાલ આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. તેણે રજૂઆત કરી હતી કે જેલમાં 14 વર્ષથી વધુ સમય પસાર કર્યો છે અને જેલમાં તેનું વર્તન પણ સંતોષકારક રહ્યું છે. આ કારણોસર તેણે વહેલી મુક્તિ માટે સજા માફીનો લાભ આપવા સરકાર સમક્ષ અરજી કરી હતી. જોકે લાંબા સમય સુધી કોઈ નિર્ણય ન લેવાતા તેણે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

હરેન પંડ્યાની હત્યા (Haren Pandya Murder Case) બાદ થયેલી તપાસમાં કેસ CBIને સોંપવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન અન્ય અનેક આરોપીઓ સામે પણ IPC અને POTA હેઠળ ગુના નોંધાયા હતા. આ કેસ સાથે VHP કાર્યકર જગદીશ તિવારી પર થયેલા હુમલાનો કેસ પણ જોડાયો હતો અને બંને ઘટનાઓને એક જ ષડયંત્રનો ભાગ ગણાવી કાર્યવાહી કરવામાં આવી હતી.

વર્ષ 2007માં CBI કોર્ટે અસગર અલી સહિત અનેક આરોપીઓને દોષિત ઠેરવી સજા ફટકારી હતી. ત્યારબાદ વર્ષ 2011માં ગુજરાત હાઇકોર્ટે હત્યા કેસમાં આરોપીઓને રાહત આપી હતી, પરંતુ વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટનો નિર્ણય રદ કરીને તમામ 12 આરોપીઓને ફરી દોષિત ઠેરવ્યા હતા અને આજીવન કેદની સજા ભોગવવા આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો.

રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે અસગર અલીની સજા માફીની અરજી હાલમાં વિચારાધીન છે અને એડવાઇઝરી કમિટીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સંબંધિત સત્તાધિકારી સમક્ષ અંતિમ નિર્ણય માટે રજૂ કરવામાં આવશે.

આ દરમિયાન હાઇકોર્ટે વર્ષ 2001માં કચ્છ સરહદેથી વિસ્ફોટક સામગ્રી સાથે ઝડપાયેલા અને આજીવન કેદની સજા ભોગવી રહેલા લશ્કર-એ-તૈયબાના ઓપરેટિવ શાહનવાઝ ભટ્ટીની સજા માફીની અરજી પર પણ રાજ્ય સરકારને છ મહિનાની અંદર નિર્ણય લેવા સૂચના આપી છે.

હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સજા માફી સંબંધિત અરજીઓ પર કાયદાકીય જોગવાઈઓ અનુસાર સમયસર નિર્ણય લેવો જરૂરી છે અને વિલંબ ટાળવો જોઈએ.


આ પણ વાંચો:Haren Pandya Murder Caseનાં આરોપીનું પણ હૈદરાબાદ પોલીસે જ કર્યું હતું એન્કાઉન્ટર, જાણો સમગ્ર ઘટના

આ પણ વાંચો:Haren Pandya Murder Case/ 10 દોષિતોની સજા યથાવત, એસસીએ પુનર્વિચાર અરજી ફગાવી

આ પણ વાંચો:હરેન પંડ્યાની જેમ જયંતિ ભાનુશાલીની થઈ હત્યા: અલ્પેશ કથીરિયાના આરોપ