1600 students at Veer Narmad University in Surat/ પિતાના નિધન બાદ તેમના સ્વપ્ન સાકાર કરી બતાવ્યું સુરતના કુંજ દેસાઈએ: 79મી સિનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપમાં મેળવ્યો બીજો ક્રમ

Surat News: કહેવાય છે કે અડગ મનના માણસને હિમાલય પણ નડતો નથી. પોતાના સાહસ અને બુદ્ધિના જોરે માણસ અસાધારણ સિદ્ધીઓ સર કરતો હોય છે. ત્યારે કુંજ દેસાઈ (Kunj Desai)નામના આ યુવાનની આ કહાની પણ એવા સંઘર્ષની કહાની છે જે કહાનીથી યુવાનો પ્રેરણા લઈ શકે છે. પોતાના પિતાના અવસાન બાદ માનસિક રીતે પડી ભાગેલા યુવાને પોતાની […]

Gujrat Surat Breaking News
Surat

Surat News: કહેવાય છે કે અડગ મનના માણસને હિમાલય પણ નડતો નથી. પોતાના સાહસ અને બુદ્ધિના જોરે માણસ અસાધારણ સિદ્ધીઓ સર કરતો હોય છે. ત્યારે કુંજ દેસાઈ (Kunj Desai)નામના આ યુવાનની આ કહાની પણ એવા સંઘર્ષની કહાની છે જે કહાનીથી યુવાનો પ્રેરણા લઈ શકે છે. પોતાના પિતાના અવસાન બાદ માનસિક રીતે પડી ભાગેલા યુવાને પોતાની વેદનાને જ પોતાની તાકાત બનાવીને આગળ વધ્યો. જાણો 18 વર્ષીય યુવા સ્વિમર કુંજ હર્ષુલ દેસાઈની આ સિદ્ધી વિશે…

રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ઝળક્યો યુવા કુંજ (Kunj Desai)

કેન્સરથી પિતાના નિધનનો બાદ સુરતના કુંજે રાષ્ટ્રીય કક્ષાની સ્વિમીંગ સ્પર્ધામાં બીજો ક્રમાંક મેળવી સિલ્વર મેડલ જીતીને સમગ્ર ગુજરાતનું દેશમાં ગૌરવ વધાર્યું છે. તથા સ્વર્ગિય પિતાનું સપનું પણ સાકાર કર્યું છે. આ સિલ્વર મેડલ કુંજે પોતાના સ્વર્ગિય પિતાના ચરણોમાં અર્પણ કર્યો છે.
અમદાવાદમાં યોજાયેલી 79મી સિનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપ (National Aquatic Championship)ની 200 મીટર બ્રેસ્ટસ્ટ્રોક ઇવેન્ટમાં કુંજે અદભુત પ્રદર્શન કર્યું હતું. દેશની આ સૌથી અઘરી ગણાતી સ્પર્ધામાં 17 રાજ્યોના 200થી વધુ શ્રેષ્ઠ સ્વિમરોએ ભાગ લીધો હતો, જેમને મ્હાત આપીને કુંજે બીજા ક્રમે રહી સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે.

નસીબનો અદભુત સંયોગ: પિતાની પુણ્યતિથિ અને ‘ફાધર્સ ડે’ પર જ ઘરે પરત ફર્યો

કુંજના પિતા હર્ષુલ દેસાઈનું 21 જૂન, 2025ના રોજ કેન્સરના કારણે અવસાન થયું હતું. પિતાના અવસાનના બરાબર એક દિવસ પહેલાં જ કુંજ પ્રથમ વખત સિનિયર નેશનલ માટે ક્વોલિફાય થયો હતો, પરંતુ પિતાની ગંભીર તબિયતને કારણે તે સમયે તે રમવા જઈ શક્યો ન હતો. બરાબર એક વર્ષ બાદ, 21 જૂન, 2026ના રોજ જ્યારે કુંજ નેશનલ લેવલનો સિલ્વર મેડલ જીતીને સુરત પરત ફર્યો, ત્યારે યોગાનુયોગે ‘ફાધર્સ ડે‘ (Fathers Day)હતો. ઘરે પહોંચતા જ ભાવુક બનેલા કુંજે આંખોમાં આંસુ સાથે આ પ્રતિષ્ઠિત મેડલ પોતાના સ્વર્ગસ્થ પિતાની તસવીર સમક્ષ અર્પણ કરીને એક સાચા દીકરાની ફરજ નિભાવી હતી.

પિતાએ કુંજને (Kunj Desai) સ્વિમિંગ કરવાની પ્રેરણા આપી હતી

વેકેશનની રજાઓ નકામી ન જાય તે માટે તેના પિતાએ કુંજને 8 વર્ષની નાની ઉંમરે સ્વિમિંગ પૂલમાં ઉતાર્યો હતો. તેમનું સપનું હતું કે, દીકરો દેશભરમાં નામ રોશન કરે. પિતાની આ પ્રેરણા સુરતની સાસ્કમા (SPB) કોલેજમાં ભણતા કુંજ માટે જીવનનો મકસદ બની ગઈ. તે પોતાના પિતાના આ જ સપનાને પૂરું કરવા માટે  અનુભવી કોચ પરેશ સારંગ અને ધવલ સારંગ પાસેથી પ્રોફેશનલ ટ્રેનિંગ મેળવી રહ્યો છે.

પિતાના અવસાન બાદ કુંજ માનસિક રીતે ભાંગી પડ્યો હતો

કુંજના કોચ ધવલ સારંગે જણાવ્યું હતું કે, “પિતાના અવસાન બાદ કુંજ માનસિક રીતે ભાંગી પડ્યો હતો, પરંતુ તેણે અદભુત માનસિક મજબૂતી બતાવી. પોતાના ઈમોશન્સ પર કાબૂ મેળવી તેણે પ્રેક્ટિસ બમણી કરી દીધી હતી. અન્ય રાજ્યની સરખામણીએ આપણી પાસે એટલું અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવા છતાં, કુંજે રાષ્ટ્રીય સ્તરે સેકન્ડ રેન્ક મેળવ્યો છે તે ખૂબ જ ગર્વની અને પ્રશંસનીય બાબત છે.”

મેડલનો પહાડ: અત્યાર સુધીમાં 90થી વધુ મેડલ મેળવ્યા

દિલ્હી સ્કૂલ ગેમ્સ અને ઓડિશા SFI નેશનલમાં બ્રોન્ઝ મેડલ.
નવેમ્બર 2024ની સ્કૂલ ગેમ્સમાં સિલ્વર મેડલ.
ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025માં ગોલ્ડ મેડલ.
ખેલ મહાકુંભની રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં 20થી વધુ મેડલ (જેમાં 15 ગોલ્ડ) અને અન્ય ઓપન સ્પર્ધાઓમાં 70થી વધુ મેડલ (જેમાં 50 ગોલ્ડ).

પિતાના અંતિમ શબ્દો કુંજ માટે જીવવાનું લક્ષ્ય બન્યા: “રોકાતો નહીં, બસ દોડતો રહેજે”

પોતાની સફર વિશે વાત કરતાં કુંજે જણાવ્યું, “ગયા વર્ષે જૂનમાં પપ્પાને કેન્સરનું છેલ્લું સ્ટેજ હોવાનું નિદાન થયું અને તેઓ અમને છોડીને ચાલ્યા ગયા. તેમની મોટી આશા હતી કે હું નેશનલ રમીને મેડલ મેળવું. પપ્પાએ અંતિમ ક્ષણોમાં પણ મને રોકાવાની ના પાડી હતી અને આગળ વધવાની પ્રેરણા આપી હતી. ત્યારથી પપ્પાની એ ઈચ્છા પૂરી કરવી એ જ મારું એકમાત્ર ધ્યેય હતું. આ મેડલ મેળવવા માટે મેં સવાર-સાંજ અથાણ પરિશ્રમ કર્યો છે. આજે આ મેડલ પપ્પાની તસવીર સામે મૂકીને મને સાચો સંતોષ મળ્યો છે કે હું મારા પપ્પાનું વચન પાળી શક્યો.”


આ પણ વાંચો: જીવનમાં આવતી મુશ્કેલીઓ પાછળ શું છે ઈશ્વરનો સંકેત? વાંચો સંત અને શિષ્યની આ પ્રેરણાદાયી કથા

આ પણ વાંચો: હેપ્પી ફાધર ડે : પિતાનો હાથ તાપ વચ્ચે માથા પર છાયડા જેવો છે

આ પણ વાંચો: સુરત રેલવે સ્ટેશન પરથી ₹20 કરોડનું કોકેઇન ઝડપાયું, DRIએ ડ્રગ કેરિયરને ઝડપી પાડ્યો