Ahemdabad News: અમદાવાદ શહેરમાં ખાખી વર્દીના નામે લોકોને ડરાવી-ધમકાવીને તોડ કરતી એક રીઢા ગુનેગારોની ટોળકીનો નારોલ પોલીસે પર્દાફાશ કર્યો છે. કંપનીના કર્મચારીને ‘તમે મજૂરોને સમયસર પગાર કેમ નથી આપતા’ તેમ કહી, પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ. 10,500 પડાવી લેનાર બે નકલી પોલીસ (Fake police)ને અસલી પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ઝડપાયેલા આરોપીઓ વ્યવસાયે રીક્ષા ચાલક છે અને એકલ-દોકલ લોકોને નિશાન બનાવતા હતા.
આરોપી નકલી પોલીસ (Fake police)બનીને લોકોને લૂંટતા
આરોપીઓ જેલમાં સજા ભોગવીને આવેલા શખ્સો છે. ત્યારે જેલમાં પોલીસની બોલવાની શૈલી અને બોડી લેેન્ગેવેજ નજીકથી જોઈ જાણી હતી. પોલીસ કર્મચારી કેવી રીતે વાત કરે છે અને ગુનેગારને કેવી રીતે સીધા કરે છે તે બધુ જાણીને આ બંન્ને આરોપી જેલ બહાર નિકળી પોલીસની ઓળખ આપીને પોતે પોલીસ છે તેવો રોફ જમવતા અને લોકોને લૂંટતા હતા. પરંતુ આરોપી અસલી પોલીસ જેવા તો ના બની શક્યા અને આવી ગયા ફરી જેલના સળીયા પાછળ.
શું હતો સમગ્ર મામલો?
નારોલ પોલીસ (Narol Police) સ્ટેશનના PI જે. બી. અગ્રાવતના જણાવ્યા અનુસાર, નારોલ વિસ્તારમાં આવેલી ચીરીપાલ કંપનીના કર્મચારી (Chiripal Employee)પોતાનું બાઈક લઈને કોઝી હોટલ ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન રીક્ષા લઈને આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમનો રસ્તો રોક્યો હતો.બંને શખ્સોએ પોતાની ઓળખ ‘પોલીસ’ તરીકે આપીને પહેલા કર્મચારીનું ઓળખપત્ર ચેક કર્યું હતું. ત્યારબાદ, “તમે ફેક્ટરીના મજૂરોને સમયસર નાણાં કેમ ચૂકવતા નથી?” તેમ કહી ધમકાવવાનું શરૂ કર્યું હતું. કેસ કરવાની ધમકી આપીને આરોપીઓએ શરૂઆતમાં રૂ. 45,000ની માંગણી કરી હતી, પરંતુ અંતે ભયભીત થયેલા કર્મચારી પાસેથી રૂ. 10,500 રોકડા પડાવીને બંને ફરાર થઈ ગયા હતા.
ઘટનાનો ભોગ બનનારે નોંધાવી પોલીસ ફરિયાદ
આ ઘટનામાં ભોગ બનનાર કર્મચારીએ તાત્કાલિક નારોલ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગુનો નોંધી ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ ફંફોસ્યા હતા. હ્યુમન ઇન્ટેલિજન્સ અને અને ટેકનિકલ સર્વેલન્સથી મદદથી આરોપીઓની ધરપકડ કરી છે.બંને આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે, જેથી પૂછપરછ દરમિયાન અન્ય કેટલા લોકોને આ રીતે શિકાર બનાવ્યા છે તેનો પર્દાફાશ થઈ શકે.
બંને આરોપીની જેલમાં થઈ મિત્રતા, જેલ બહાર આવી ઘડ્યો લોકોને લૂંટવાનો પ્લાન
ગૂનાના રસ્તે વળેલા આ બંન્ને આરોપીએ જેલમાંથી છૂટ્યા બાદ સુધરવાનો રસ્તો નહીં, પણ લોકોને લૂંટવાનો અપનાવ્યો હતો. આરોપી અયુબ અને રવિ અગાઉ અલગ-અલગ ગુનામાં જેલમાં હતા, જ્યાં તેમની મુલાકાત થઈ હતી અને મિત્રતા જામી હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ બંને રીક્ષા લઈને એવા વિસ્તારોમાં નીકળતા લોકોની અવરજવર ઓછી હોય ત્યાં કોઈ વ્યક્તિ સામે નકલી પોલીસ બની રૌફ જમાવીને લોકોને ખંખેરતા હતા. પકડાયેલા બંને આરોપીઓ સામાન્ય ગુનેગાર નથી પરંતુ રીઢા અપરાધી છે. એક આરોપી અયુબ શાહ નકલી પોલીસ બની લૂંટના 5 ગુના, હત્યાનો 1 ગુનો અને છેતરપિંડીનો 1 ગુનો (કુલ 7 ગુના) કરેલ છે જ્યારે આરોપી રવિ રાજપૂત ઘરફોડ ચોરી અને સામાન્ય ચોરી સહિતના 5 ગુનામાં સંડોવાયેલો છે. હાલમાં નારોલ પોલીસે આરોપીઓ પાસેથી લૂંટની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
