World News : યુરોપમાં ચાલી રહેલી ભીષણ ગરમી (Extreme Heat)હવે ગંભીર માનવીય સંકટમાં ફેરવાઈ રહી છે. ફ્રાન્સમાં હીટવેવ (Heatwave)ના કારણે અત્યાર સુધીમાં 1,000થી વધુ લોકોના મોત નોંધાયા હોવાનું આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે. નિષ્ણાતોના મતે મૃત્યુઆંક હજુ વધવાની શક્યતા છે, કારણ કે રહેણાંક સંભાળ કેન્દ્રો અને ઘરોમાં થયેલા તમામ મૃત્યુના આંકડા હજુ એકત્રિત થઈ રહ્યા છે.
ફ્રાન્સની જાહેર આરોગ્ય સંસ્થા Sante Publiqueના જણાવ્યા અનુસાર, સૌથી વધુ અસર 65 વર્ષથી વધુ ઉંમરના લોકો પર જોવા મળી છે. જોકે, અતિશય ગરમીના કારણે તમામ વયજૂથના લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી છે. હોસ્પિટલોમાં હીટસ્ટ્રોક અને ડિહાઇડ્રેશનના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.
આ હીટવેવે (Heatwave)માત્ર માનવજીવનને જ નહીં પરંતુ દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ અસર પહોંચાડી છે. વધતા તાપમાનના કારણે વીજ ઉત્પાદન અને પાવર ગ્રીડ પર ભારે દબાણ આવ્યું છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ અને અન્ય જાહેર સુવિધાઓને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, 20 જૂનથી શરૂ થયેલો આ હીટવેવ (Heatwave)છેલ્લા ઘણા વર્ષોમાં યુરોપનો સૌથી ગંભીર ગરમીનો પ્રકોપ માનવામાં આવી રહ્યો છે. તેઓનું કહેવું છે કે વૈશ્વિક આબોહવા પરિવર્તનના કારણે યુરોપમાં ગરમીની તીવ્રતા અને તેની અસર સતત વધી રહી છે.
જો કે હવે ફ્રાન્સના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો છે, તેમ છતાં દેશના ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં હજી પણ હીટવેવ (Heatwave)ની ચેતવણી યથાવત રાખવામાં આવી છે. ફ્રાન્સના આરોગ્ય પ્રધાન સ્ટેફની રિસ્ટાએ જણાવ્યું છે કે હવામાન સામાન્ય બન્યા બાદ પણ આગામી કેટલાક દિવસો સુધી ગરમીની આરોગ્ય પર અસર જોવા મળી શકે છે. તેથી લોકો ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને બીમાર વ્યક્તિઓની વિશેષ કાળજી રાખે તે જરૂરી છે.
નિષ્ણાતોનું માનવું છે કે આ હીટવેવ ભવિષ્યમાં વધુ ગંભીર આબોહવા સંકટની ચેતવણી સમાન છે અને આવા જોખમો સામે લાંબા ગાળાના આયોજનની તાતી જરૂરિયાત છે.
