Siya-Ketan case: લગ્ન પહેલાં સિયા અને કેતનની કુંડળીના 36માંથી 27 ગુણ મળ્યા હોવા છતા. પરિવારના જ્યોતિષીએ આ સંબંધને શુભ અને આદર્શ ગણાવ્યો હતો. બંને પરિવારો ખુશ હતા અને સંપૂર્ણ રીતિ-રિવાજ સાથે સગાઈ પણ થઈ હતી. પરંતુ થોડા જ મહિનાઓમાં આ જ સંબંધ દેશના સૌથી ચર્ચિત હત્યા કેસોમાંનો એક બની ગયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
જાન્યુઆરીમાં કુંડળી, ફેબ્રુઆરીમાં સગાઈ
પરિવારના જણાવ્યા મુજબ, જાન્યુઆરી 2026માં કેતન અગ્રવાલ અને સિયા ગોયલની કુંડળી મેળાપ કરવામાં આવ્યો હતો. જ્યોતિષીય ગણતરી મુજબ 36માંથી 27 ગુણ મળતા હોવાથી લગ્ન માટે અનુકૂળ ગણાયા હતા. કેતનને “દેવ ગણ” અને સિયાને “મનુષ્ય ગણ” તરીકે વર્ણવવામાં આવ્યા હતા. ત્યારબાદ ફેબ્રુઆરીમાં પુણેની એક હોટલમાં બંનેની સગાઈ થઈ અને નવેમ્બર 2026માં લગ્ન કરવાની તૈયારી શરૂ થઈ ગઈ.
સગાઈ બાદ બદલાયા સંજોગો
પોલીસ તપાસ મુજબ, સગાઈ પછી શરૂઆતમાં બધું સામાન્ય હતું. પરંતુ બાદમાં સિયાના જીવનમાં તેમના જુનો બોયફ્રન્ડ ચેતન ચૌધરી ફરીથી આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસનો આરોપ છે કે આ સમયગાળા દરમિયાન જ હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. જોકે, આ આરોપો હજુ તપાસ હેઠળ છે અને અદાલતમાં સાબિત થયા નથી.
પરિવારને ક્યારે થઈ શંકા?
કેતનના પિતા વિશાલ અગ્રવાલના જણાવ્યા મુજબ, સગાઈ પછી કેતન ઘણી વખત સિયાના વર્તન અંગે ચિંતા વ્યક્ત કરતો હતો. તેને ઘણીવાર ફોન વ્યસ્ત મળતો હતો અને વાતચીત દરમિયાન સિયા વારંવાર ચેતન ચૌધરીનું નામ લેતી હતી. જોકે, પરિવારે તેને સામાન્ય બાબત માનીને લગ્નની તૈયારી ચાલુ રાખી હતી.બીજી તરફ, સિયાના ભાઈ સાહિલ ગોયલે જણાવ્યું કે સિયા અને ચેતન અગાઉથી એકબીજાને ઓળખતા હતા, પરંતુ સગાઈ પછી સિયા કહેતી હતી કે હવે તેનો ચેતન સાથે કોઈ સંપર્ક નથી.
બાલી ટ્રિપ રદ થયા બાદ વધી ચિંતા
પોલીસના જણાવ્યા અનુસાર, 6 જૂને બાલીની પ્રી-વેડિંગ ટ્રિપ રદ થયા બાદ કેતને પોતાના પિતાને જણાવ્યું હતું કે સિયા નાની-નાની બાબતોમાં ઝઘડા કરવા લાગી હતી. પરિવારને લાગ્યું કે લગ્ન પહેલાં આવા મતભેદ સામાન્ય હોય છે. તપાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે 14 જૂને બંને લોહાગઢ કિલ્લા ગયા હતા, જ્યાં કેતન ખીણમાં પડતા-પડતા બચ્યો હતો. પોલીસ આ ઘટનાની પણ તપાસ કરી રહી છે.
18 જૂને શું બન્યું?
18 જૂને લોહાગઢ કિલ્લા પરથી પડી જવાથી કેતન અગ્રવાલનું મૃત્યુ થયું હતું . પોલીસનો આરોપ છે કે સિયા ગોયલ અને ચેતન ચૌધરીએ મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું. આ કેસમાં બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જોકે, કેસ હાલમાં તપાસ અને ન્યાયિક પ્રક્રિયા હેઠળ છે, અને આરોપો હજુ અદાલતમાં સાબિત થયા નથી.
પોલિગ્રાફ ટેસ્ટની તૈયારી
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, તપાસ એજન્સી સિયા ગોયલનો પોલિગ્રાફ (લાઇ ડિટેક્ટર) ટેસ્ટ કરાવવાની તૈયારી કરી રહી છે. જોકે, કાયદા મુજબ આવો ટેસ્ટ ફક્ત કોર્ટની મંજૂરી અને સંબંધિત વ્યક્તિની સંમતિ બાદ જ થઈ શકે છે. સાથે જ, પોલિગ્રાફ ટેસ્ટનો રિપોર્ટ પોતે નિર્ણાયક પુરાવા તરીકે માન્ય ગણાતો નથી.
શું પોલીસ પાસે પૂરતા પુરાવા છે?
આ કેસમાં અત્યાર સુધી કોઈ પ્રત્યક્ષદર્શી સામે આવ્યો નથી. ઘટના સ્થળે સીસીટીવી કેમેરા પણ નહોતા. તેથી સમગ્ર તપાસ ડિજિટલ અને પરિસ્થિતિજન્ય પુરાવાઓ પર આધારિત છે. હાલ પોલીસ મોબાઇલ ફોનની ફોરેન્સિક તપાસ, કોલ ડિટેલ રેકોર્ડ (CDR), કથિત ડિલીટ થયેલા મેસેજ, લોકેશન ડેટા, ઉપલબ્ધ સીસીટીવી ફૂટેજ, ઘટના સ્થળનું પુનર્નિર્માણ અને પરિવાર સહિત અન્ય લોકોના નિવેદનોના આધારે સમગ્ર ઘટનાક્રમ જોડવાનો પ્રયાસ કરી રહી છે.
નોંધ: આ લેખમાં દર્શાવાયેલા હત્યા અને કાવતરાં સંબંધિત તમામ મુદ્દાઓ પોલીસ તપાસ અને ઉપલબ્ધ માહિતી પર આધારિત છે. આરોપીઓ સામેના આરોપો અંગે અંતિમ નિર્ણય અદાલત દ્વારા જ લેવામાં આવશે.
આ પણ વાંચો: કેતન અગ્રવાલ હત્યાકાંડમાં નવો વળાંક; બંને પરિવારની માતાઓ સામસામે, શું સિયા દોષિત છે?
આ પણ વાંચો: પુણેના કેતન અગ્રવાલ હત્યા કેસમાં નવો વળાંક: સિયાના માતા-પિતાનું ભાવુક નિવેદન
આ પણ વાંચો: લોહાગઢ કિલ્લાના CCTV ફૂટેજથી સિયાના પ્રેમીનો થયો ખુલાસો, 33°C ગરમીમાં હૂડી પહેરવી બની શંકાનું કારણ
