Sabarkantha News/ સાબરકાંઠાના વિજયનગરમાં 1 કરોડના તળાવ કામમાં વિવાદ, હલકી ગુણવત્તાના મટીરિયલના આક્ષેપ

સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ચામઠણ ગામમાં 1 કરોડ રૂપિયાના તળાવ વિકાસ કામમાં ગેરરીતિના આક્ષેપ. ગ્રામજનો દ્વારા વિરોધ, ભારે વરસાદમાં પાર તૂટવાની ભીતિ વચ્ચે તપાસની માંગ ઉઠી.

Gujarat Others Breaking News
Allegations of poor-quality construction

Sabarkantha News:  સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ચામઠણ ગામમાં ચાલી રહેલા આશરે 1 કરોડ રૂપિયાના તળાવ વિકાસ કામને લઈને વિવાદ ઊભો થયો છે. ગ્રામજનો અને સ્થાનિક સરપંચે વિકાસ કામમાં ગુણવત્તાનો અભાવ હોવાનો આક્ષેપ કરતાં સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

તળાવની કામગીરીને લઈ ગ્રામજનોના આક્ષેપ (Poor Quality Construction)

ચામઠણ (Chamthan Village)ના ગ્રામજનોના જણાવ્યા મુજબ તળાવના વિકાસ કામમાં ધોરણ મુજબની કામગીરી કરવામાં આવી રહી નથી. કામમાં હલકી ગુણવત્તાના પથ્થરો અને મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે જાહેર નાણાંમાંથી કરવામાં આવી રહેલા વિકાસ કામમાં ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ન થવું જોઈએ.

તાલુકા પંચાયત પ્રમુખે સમગ્ર કામગીરીનું કર્યું નિરીક્ષણ

મામલો ગંભીર બનતા તાલુકા પંચાયત પ્રમુખ સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરીને સ્થિતિની તપાસ કરી હતી. ત્યારબાદ સમગ્ર મામલાની જાણ ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની તેમજ ધોરણ મુજબ ગુણવત્તાસભર કામ કરાવવાની માંગ ઉઠાવી છે.

સરપંચ અને ગ્રામજનોએ નબળી કામગીરીનો વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે જો સમયસર યોગ્ય કામગીરી નહીં થાય તો આગામી દિવસોમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. હાલ ચોમાસાની સિઝન ચાલી રહી હોવાથી ભારે વરસાદ દરમિયાન તળાવની પાર તૂટી જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ જો તળાવની પારને નુકસાન પહોંચશે તો ચામઠણ ગામ ઉપરાંત આસપાસના પાંચથી વધુ ગામો પણ અસરગ્રસ્ત બની શકે છે. જેના કારણે જાનમાલને નુકસાન થવાની સાથે ખેતી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે.

ઉપયોગમાં લેવાયેલા મટીરિયલની ગુણવત્તાની ચકાસણી કરવા માગ

ગ્રામજનોએ માંગ કરી છે કે સમગ્ર વિકાસ કામની તકનિકી તપાસ કરવામાં આવે, ઉપયોગમાં લેવાયેલા મટીરિયલની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે અને જો કોઈપણ પ્રકારની બેદરકારી અથવા ગેરરીતિ સામે આવે તો જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સાથે જ તળાવનું કામ ધોરણો મુજબ પૂર્ણ કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને.


આ પણ વાંચો: અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો: આરોપીને પકડવા દરમિયાન ગોળીબાર, JCP શરદ સિંઘલ ઇજાગ્રસ્ત

આ પણ વાંચો: નવસારીમાં જીંગા તળાવો પર તંત્રનો સકંજો, હાઈકોર્ટે સ્ટે આપવાનો કર્યો ઈનકાર

આ પણ વાંચો: ઇસનપુરના આંબા તળાવ પર AMCનો બુલડોઝર, 160થી વધુ દબાણો દૂર કરાશે