Ahmedabad News: અમદાવાદના વટવા વિસ્તારમાં નવજાત બાળકીના ગેરકાયદે સોદા (Baby Trafficking Case)નો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પોલીસે 20 દિવસની બાળકીને સુરક્ષિત રીતે પરત મેળવી તેના માતા-પિતાને સોંપી છે. આ કેસમાં ચાર મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર મામલે બાળ તસ્કરી સહિતના વિવિધ પાસાઓથી તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, વટવા વિસ્તારમાં રહેતા એક દંપતીએ અગાઉ રિક્ષા ખરીદવા માટે પરિચિત મહિલા પાસેથી એક લાખ રૂપિયા ઉધાર લીધા હતા. બાદમાં દંપતીને દીકરીનો જન્મ થયો હતો. થોડા દિવસો પછી પરિચિત મહિલા નવજાત બાળકીને રમાડવાના બહાને પોતાની સાથે લઈ ગઈ હતી.
પરિવારે બાળકીને પરત માંગતાં મહિલાએ બાળકી અન્ય વ્યક્તિને સોંપી દીધી હોવાની વાત કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ પછી પરિવારે વટવા પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને બાળકીને નડિયાદમાંથી સુરક્ષિત રીતે શોધી કાઢીને માતા-પિતાને પરત સોંપી હતી.
Baby Trafficking Case: અમદાવાદમાં 4 મહિલાઓ ઝડપાઈ
તપાસ દરમિયાન સામે આવ્યું કે સંતાન ન હોવાના કારણે નડિયાદની એક મહિલાએ બાળકી ગેરકાયદે (Baby Trafficking Case) રીતે મેળવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ સમગ્ર ઘટનામાં કુલ ચાર મહિલાઓની સંડોવણી સામે આવતા તેમની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસની તપાસમાં નાણાંકીય લેવડદેવડ અંગે પણ અનેક મુદ્દાઓ સામે આવ્યા છે. બાળકીના ગેરકાયદે (Baby Trafficking Case) હસ્તાંતરણ બદલ કેટલા રૂપિયા કોને મળ્યા અને સમગ્ર વ્યવહારમાં અન્ય કોઈ વ્યક્તિ અથવા સંગઠિત નેટવર્કની ભૂમિકા છે કે નહીં તે અંગે તપાસ ચાલુ છે. પોલીસે આ કેસમાં બાળ તસ્કરીના સંભવિત એંગલ સહિત તમામ પાસાઓની વિગતવાર તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક તપાસમાં એક આરોપી મહિલા આઈવીએફ સેન્ટર (IVF Center)માં કામ કરતી હોવાની માહિતી પણ સામે આવી છે. તેના કારણે પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ ઘટના કોઈ મોટા ગેરકાયદે નેટવર્ક સાથે જોડાયેલી છે કે નહીં. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિષ્કર્ષ જાહેર કરવામાં આવ્યો નથી.
પોલીસનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની સંપૂર્ણ હકીકત સ્પષ્ટ થશે. હાલ ચારેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ પૂછપરછ ચાલુ છે.
આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પાસેથી નવજાત બાળકનું રેસ્ક્યૂ, આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ
આ પણ વાંચો:અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઓમ પ્રકાશ જાટની આગેવાની હેઠળ બાળ તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો કર્યો પર્દાફાશ
આ પણ વાંચો:પાટણ તસ્કરી કેસમાં ઘટસ્ફોટ : આરોપીઓની અન્ય એક બાળકને સમી નજીક દાટી દીધું હોવાની કબૂલાત
