Surat News: તાજેતરમાં શહેરમાં આવેલા ભારે પૂર (Surat Flood) બાદ સુરત મહાનગરપાલિકા (SMC) હવે કાયમી ઉકેલ તરફ આગળ વધી છે. શહેરમાં દર ચોમાસે સર્જાતી પૂર જેવી પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે મનપાએ અલથાણ ખાડીને બાયોડાઈવર્સિટી પાર્કથી મીંઢોળા સુધી પહોળી કરવાની મહત્વાકાંક્ષી યોજના તૈયાર કરી છે. આ પ્રોજેક્ટ માટે આગામી બે-ત્રણ દિવસમાં SMC અને DILR (જિલ્લા નિરીક્ષક જમીન દફતર)ની સંયુક્ત ટીમ જમીન માપણી અને સર્વેની કામગીરી શરૂ કરશે.
ઉપરવાસના વરસાદથી વધે છે પૂરનું જોખમ
અધિકારીઓના જણાવ્યા મુજબ કામરેજ, કડોદરા, પલસાણા અને બારડોલી જેવા ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડે ત્યારે વિશાળ પ્રમાણમાં પાણી સુરત તરફ વહી આવે છે. પરિણામે શહેરની મુખ્ય ખાડીઓમાં પાણીનું સ્તર ઝડપથી વધી જાય છે અને નિકાલ માટે પૂરતી જગ્યા ન હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે.
Surat Flood: ખાડીની ક્ષમતા માત્ર 25 ટકા સુધી ઘટી
મનપાના અભ્યાસમાં સામે આવ્યું છે કે વર્ષોથી યોગ્ય જાળવણી અને પહોળીકરણ ન થતાં અલથાણ ખાડીની જળ વહન ક્ષમતા મૂળ ક્ષમતાના આશરે 25 ટકા જેટલી જ રહી ગઈ છે. અગાઉ સિંચાઈ વિભાગની હદ અને અન્ય વહીવટી કારણોસર જરૂરી કામગીરી સમયસર થઈ શકી નહોતી, જેના કારણે વરસાદી પાણીના નિકાલમાં ગંભીર અવરોધ ઊભા થયા હતા.
SMC અને DILRની સંયુક્ત ટીમ કરશે મેદાની સર્વે
આ સમગ્ર પ્રોજેક્ટ માટે ઉધના ઝોન, અઠવા ઝોનના ટેકનિકલ અધિકારીઓ અને DILRની ટીમ સંયુક્ત રીતે સ્થળ પર સર્વે કરશે. આધુનિક માપણી પદ્ધતિથી જમીનની સ્થિતિનું મૂલ્યાંકન કરીને ખાડીને કેટલા પ્રમાણમાં પહોળી કરી શકાય તેનો રોડમેપ તૈયાર કરવામાં આવશે.મનપાનો પ્રયાસ છે કે શહેરની અંદર જે ધોરણે ખાડીઓનું વિસ્તરણ કરવામાં આવ્યું છે, તે જ મોડેલને મીંઢોળા સુધી અમલમાં મૂકવામાં આવે.
Surat Flood: શોર્ટ-ટર્મ પ્લાન પણ તૈયાર
લાંબા ગાળાના પ્રોજેક્ટ સાથે મનપા તાત્કાલિક રાહત માટે શોર્ટ-ટર્મ આયોજન પણ કરી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, હાલ કાચા અને સાંકડા ભાગોને મશીનરીની મદદથી અસ્થાયી રીતે પહોળા કરવામાં આવે તો પણ પાણી વહન કરવાની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે.આ પગલાથી પાણીનું સ્તર અંદાજે એક મીટર સુધી ઘટાડી શકાય તેવી શક્યતા છે, જેના કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસવાનું જોખમ ઘટશે.
Surat Flood:બમરોલીથી શહેરની જૂની હદ સુધી થશે કામગીરી
આ આયોજન હેઠળ બમરોલી બ્રિજ, બાયોડાઈવર્સિટી પાર્કથી શરૂ કરીને શહેરની જૂની હદ અને આરસીસી પ્રોટેક્શન વોલ સુધીના સમગ્ર ખાડી પટ્ટાને આવરી લેવામાં આવશે. હાલ આ વિસ્તારનો મોટો ભાગ કાચો અને સાંકડો હોવાથી વરસાદી પાણીના પ્રવાહમાં અવરોધ ઊભો થાય છે.મનપાને આશા છે કે ખાડીનું વિસ્તરણ પૂર્ણ થયા બાદ ચોમાસા દરમિયાન સુરત શહેરમાં પૂર (Surat Flood) અને પાણી ભરાવાની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે.
આ પણ વાંચો:સુરત પૂર વચ્ચે રાજકીય ઘમાસાણ: વાયરલ વીડિયો બાદ MLA કુમાર કાનાણીના AAP પર ગંભીર આક્ષેપ
આ પણ વાંચો:સુરત પૂર બાદ રાજ્ય સરકાર લાવશે વિશેષ રાહત પેકેજ, 3 દિવસમાં સર્વે પૂર્ણ થયા બાદ સહાયની જાહેરાત
