ગુજરાતી/ સુરત સહિત રાજ્યના TRB જવાનોનો પગાર વધારવા મુદ્દે જિલ્લા કલેકટરને આવેદન અપાયું

સુરત સહિત સમગ્ર રાજ્યમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો ફરજ બજાવી રહ્યા છે. અને તેમના માનદ વેતનમાં વધારો કરવામાં આવે.

Gujarat Surat

@અમિત રૂપાપરા 

Surat News: સુરત શહેર ઉપરાંત સમગ્ર રાજ્યમાં માનદ સેવા તરીકે ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડના જવાનોનો પગાર વધારવામાં આવે તે મુદ્દે સુરત કોંગ્રેસના નેતા કલ્પેશ બારોટે ટ્રાફિક બ્રિગેડના જવાનોને સાથે રાખીને જિલ્લા કલેકટરને એક આવેદન આપ્યું હતું.

રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને સંબોધીને લખવામાં આવેલા આ પત્રમાં કોંગ્રેસનેતા કલ્પેશ બારોટે જણાવ્યું હતું કે, સુરત સહિત સમગ્ર રાજ્યમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો ફરજ બજાવી રહ્યા છે. અને તેમના માનદ વેતનમાં વધારો કરવામાં આવે. ટ્રાફિક બ્રિગેડના જવાનોને દૈનિક માનદવેતન 300 રૂપિયા લેખે ચુકવવામાં આવે છે પરંતુ મોંઘવારી અનુસાર આ વેતન ખૂબ જ ઓછું છે. હોમગાર્ડના જવાનોને દૈનિક ફરજ ભથ્થું 450 રૂપિયા ચૂકવવામાં આવતું હોય છે. તેની સામે ટ્રાફિક બ્રિગેડના જવાનોને 8 કલાકની ફરજ દરમિયાન 300 રૂપિયા જ ચૂકવવામાં આવે છે.

આ ઉપરાંત આ જવાનોને vip બંદોબસ્ત તેમજ ટ્રાફિક નિયમન માટે જ્યાં જરૂર હોય તે જગ્યા પર મૂકવામાં આવે છે. ટ્રાફિક બ્રિગેડના જવાનો પોલીસ જેટલી જ નોકરીની ફરજ નિભાવતા હોય છે પરંતુ વર્તમાન સમયમાં મોંઘવારી ખૂબ જ વધી રહી છે અને તેને ધ્યાનમાં લઈને ટ્રાફિક બ્રિગેડના જવાનોના માનદવેતનમાં પણ વધારો કરવામાં આવે. આ ઉપરાંત એવી પણ માગણી કરવામાં આવી છે કે સમગ્ર રાજ્યમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો ફરજ બજાવે છે તેમને દર બે વર્ષે વિના મૂલ્ય યુનિફોર્મ આપવામાં આવે.

ટ્રાફિક બ્રિગેડના જવાનોની ઓળખાણ માટે એક આઈકાર્ડ બનાવવામાં આવે. સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડના જવાનોનું પીએફ કપાવવું જોઈએ અને ટ્રાફિક બ્રિગેડનું ફરજ દરમ્યાન આકસ્મિત મૃત્યુ થાય તો મૃતકના પરિવારને ટ્રાફિક ફંડમાંથી સહાય ચૂકવવામાં આવે. ટ્રાફિક બ્રિગેડના જવાનો 365 દિવસ રોડ પર જ બજાવતા હોવાના કારણે પ્રદૂષણથી સુગર, ટીબી, તેમજ પ્રેશર સહિતની બીમારી થવાની શક્યતા હોય છે. તેથી ટ્રાફિક બ્રિગેડના જવાનોના પરિવારના સભ્યોને અને ટ્રાફિક બ્રિગેડના જવાનને મેડીક્લેમમાં સામેલ કરવામાં આવે.

આ ઉપરાંત કલ્પેશ બારોટે એવું પણ જણાવ્યું હતું કે, ટ્રાફિક બ્રિગેડના જવાનોએ તેમના વેતનમાં વધારો કરવા બાબતે અગાઉ અલગ અલગ ધારાસભ્યોને પણ રજૂઆત કરી છે. આ રજૂઆતનું કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે રાજ્યના મુખ્યમંત્રીને મળવાનો સમય માગ્યો હતો પરંતુ સમય મળી શક્યો નથી. રાજ્યના મુખ્યમંત્રી પાસે મેચ જોવાનો સમય છે પરંતુ આ ટ્રાફિક બ્રિગેડના જવાનોની રજૂઆત સાંભળવાનો સમય નથી.



આ પણ વાંચો:જામનગરમાં યુવકો ધગધગતા અંગારા ખુલ્લા પગે રમે છે રાસ, લોકોના બન્યું આકર્ષણનું કેન્દ્ર

આ પણ વાંચો:હિંમતનગરમાં પાર્ટી કલ્ચરની જગ્યાએ ભારતીય પરંપરા અનુરૂપ નવરાત્રીની ઉજવણી

આ પણ વાંચો:સસ્તા ભાવે હીરા મેળવવાની લાલચમાં સુરતનો વેપારી નેપાળમાં લૂંટાયો

આ પણ વાંચો:જુનાગઢમાં અર્વાચીન ગરબીઓની સાથે પ્રાચીન ગરબીઓએ લોકોનું આકર્ષણ જાળવી રાખ્યું