Junagadh News: દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની ગંભીર સમસ્યાનો સામનો કરતા સૌરાષ્ટ્રના ઘેડ પંથકમાં ફરી એકવાર વિકાસ કાર્યોને લઈને વિવાદ ઊભો થયો છે. સ્થાનિક આગેવાનો, ખેડૂતો અને વિવિધ સંગઠનોએ સરકાર દ્વારા જાહેર કરાયેલા વિકાસ પેકેજ (Ghed Region Flood Package)ના અમલીકરણ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. બીજી તરફ સિંચાઈ વિભાગે આક્ષેપોને નકારી તબક્કાવાર કામગીરી ચાલી રહી હોવાનું જણાવ્યું છે.
ચોમાસા દરમિયાન ઉપરવાસની નદીઓનું પાણી ઘેડ વિસ્તારમાંથી પસાર થતાં ખેતરો અને ગામોમાં પાણી ભરાઈ જાય છે. સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે આ જ સ્થિતિ સર્જાય છે, છતાં કાયમી ઉકેલ હજુ સુધી મળ્યો નથી.
સ્થાનિકોનો આક્ષેપ: પેકેજ જાહેર થયું, પરંતુ કામ દેખાતું નથી
આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રાજુભાઈ બોરખતરીયાએ આરોપ લગાવ્યો કે ચૂંટણી દરમિયાન ઘેડ વિસ્તારની સમસ્યાના કાયમી ઉકેલના વચનો આપવામાં આવ્યા હતા, પરંતુ ચૂંટણી બાદ તે વચનોનો અમલ જોવા મળ્યો નથી.
તેમણે દાવો કર્યો કે સરકાર દ્વારા અગાઉ ઘેડ પંથક માટે આશરે ₹1500 કરોડનું વિકાસ પેકેજ (Ghed Region Flood Package) જાહેર કરાયું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ સ્થાનિકોને જમીન પર તે મુજબની કામગીરી દેખાતી નથી. તેમના આક્ષેપ મુજબ માત્ર સફાઈ અને ઝાડી કાપવાની કામગીરીને મોટા વિકાસકાર્ય તરીકે રજૂ કરવામાં આવી રહી છે.
રાજુભાઈ બોરખતરીયાએ વધુમાં જણાવ્યું કે વિકાસકાર્યો અંગે શ્વેતપત્રની માંગ કરવામાં આવી હતી, પરંતુ તેના બદલામાં માત્ર વિસ્તારની ભૌગોલિક માહિતી આપવામાં આવી હતી. તેમણે ખર્ચ અને કામગીરીની સંપૂર્ણ વિગતો જાહેર કરવાની માંગ કરી છે.
ખેડૂતોની ચિંતા: પાક અને જમીન બંનેને નુકસાન
ભારતીય કિસાન સંઘના જિલ્લા મંત્રી વિનુભાઈ બારિયાએ જણાવ્યું કે દર વર્ષે પૂરના કારણે ખેતીને ભારે નુકસાન થાય છે. તેમણે દાવો કર્યો કે હવે નદીઓમાં ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી પણ ભળતું હોવાથી પાક બળી જાય છે અને જમીનની ઉપજ ક્ષમતા પર પણ અસર પડી રહી છે. તેમણે ચેતવણી આપી કે જો લાંબા ગાળાનો ઉકેલ નહીં આવે તો ખેડૂતો આંદોલનનો માર્ગ અપનાવી શકે છે.
Ghed Region Flood Package: સિંચાઈ વિભાગનો જવાબ: કામગીરી તબક્કાવાર ચાલી રહી છે…
જૂનાગઢ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર બી.પી. કોઠીયાએ જણાવ્યું કે સરકાર ઘેડ પંથકની સમસ્યા અંગે ગંભીર છે અને ફેઝ-1, ફેઝ-2 અને ફેઝ-3 હેઠળ તબક્કાવાર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે ફેઝ-1 માટે ₹139 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી, જેમાંથી જૂનાગઢ જિલ્લામાં ₹15 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
વિભાગના જણાવ્યા અનુસાર, માંગરોળ તાલુકામાં અંદાજે ₹8 કરોડના કામમાંથી લગભગ 98 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.કેશોદ તાલુકામાં ₹5.7 કરોડના કામ સામે આશરે 54 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. જમીન સંપાદન અને સ્થાનિક અવરોધોના કારણે કામની ગતિ પ્રભાવિત થઈ હોવાનું વિભાગનું કહેવું છે.
Ghed Region Flood Package: ફેઝ-2 માટે ₹452 કરોડની યોજના
વિભાગે વધુમાં જણાવ્યું કે ફેઝ-2 માટે સોરઠ ઘેડ વિસ્તારમાં ₹452 કરોડની વહીવટી મંજૂરી મળી ચૂકી છે. ટેક્નિકલ મંજૂરી બાદ ગ્લોબલ ટેન્ડર બહાર પાડવામાં આવશે.આ તબક્કામાં નદીઓનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ, ગેરકાયદે દબાણ દૂર કરવું, નદીના વહેણને સુવ્યવસ્થિત બનાવવો, નદી કિનારે પીચિંગ અને ગેબિયન પ્રોટેક્શન વોલ જેવા કામ હાથ ધરવાની યોજના છે.
Ghed Region Flood Package: બંને પક્ષના દાવા વચ્ચે તપાસની માંગ
હાલ એક તરફ સ્થાનિકો અને ખેડૂતો વિકાસ કાર્યોના અમલીકરણ અંગે સવાલ ઉઠાવી રહ્યા છે, જ્યારે બીજી તરફ સિંચાઈ વિભાગ કામગીરી યોજના મુજબ આગળ વધી રહી હોવાનો દાવો કરી રહ્યું છે. હવે ઘેડ પંથકમાં જાહેર થયેલા પેકેજ (Ghed Region Flood Package) અને વાસ્તવિક કામગીરી અંગેની સ્પષ્ટતા આગામી સમયમાં વધુ મહત્વની બનશે.
આ પણ વાંચો:જૂનાગઢમાં શ્રીકાર વરસાદ, રૂ. 3.5 કરોડનો રેલ્વે અંડરબ્રિજમાં ભરાયા પાણી, ઘેડ પંથક જળબંબાકાર
આ પણ વાંચો:ઘેડ પંથકની સમસ્યાઓ ઉકેલવા, નુકસાનીનું યોગ્ય વળતર આપવા કરાઈ માગ
આ પણ વાંચો:કુદરતનો કોપ : ‘ઘેડ’ પંથક ફેરવાયું ‘બેટ’માં : જૂઓ આ ખાસ ફોટા
