Iran Attack: મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) નજીક વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે. ઓમાનના દરિયાકાંઠા નજીક વ્યાપારી જહાજ પર થયેલા હુમલામાં ભારતના એક મરીન એન્જિનિયરનું મોત (Indian Sailor Death) થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ ભારતીય નાવિકોની સુરક્ષાને લઈને ચિંતા વધી છે અને ભારત સરકારે પણ આ મામલે ગંભીર વલણ અપનાવ્યું છે.
પરિવારને મોકલેલો છેલ્લો મેસેજ બન્યો યાદગાર
મૃતકની ઓળખ મહારાષ્ટ્રના પુણેના રહેવાસી હેરંબ કરમરકર (Heramb Karmarkar) તરીકે થઈ છે, જે સાયપ્રસના ધ્વજ હેઠળ સંચાલિત વ્યાપારી જહાજ GFX Galaxy પર મરીન એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા. હુમલા પહેલા તેમણે પરિવારને મેસેજ કરીને જણાવ્યું હતું કે તેમનું જહાજ હોર્મુઝ સ્ટ્રેટ સુરક્ષિત રીતે પાર કરી ચૂક્યું છે અને ચિંતા કરવાની જરૂર નથી. જોકે થોડા જ સમય બાદ થયેલા હુમલામાં તેમનું મૃત્યુ થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
હુમલા બાદ બચાવ કામગીરી તેજ
ઘટના બાદ જહાજમાં સવાર તમામ નાવિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે બચાવ કામગીરી શરૂ કરવામાં (Indian Sailor Death))આવી હતી. મળતી માહિતી મુજબ 10 ભારતીય નાવિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક ભારતીય નાવિક હજુ પણ ગુમ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સ્થાનિક સત્તાવાળાઓ અને બચાવ દળો તેની શોધખોળમાં લાગેલા છે.
ભારતીય દૂતાવાસ સતત સંપર્કમાં
ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસ સમગ્ર ઘટનાક્રમ પર સતત નજર રાખી રહ્યું છે. દૂતાવાસે જહાજ સંચાલક કંપની તેમજ સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્ક જાળવી રાખ્યો છે અને અસરગ્રસ્ત ભારતીય નાવિકો તથા તેમના પરિવારજનોને જરૂરી સહાય પૂરી પાડવા માટે કામગીરી હાથ ધરી છે.
ભારતે નોંધાવ્યો આકરો વિરોધ
ભારત સરકારે વ્યાપારી જહાજો પર થતા હુમલાઓને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. નવી દિલ્હીમાં ઈરાનના ડેપ્યુટી એમ્બેસેડરને સમન્સ પાઠવીને આ ઘટનાને લઈને સત્તાવાર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ભારતે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગોની સુરક્ષા જળવાઈ રહે અને નિર્દોષ નાવિકોના જીવ જોખમમાં ન મુકાય તે માટે જરૂરી પગલાં લેવા પર ભાર મૂક્યો છે.
વધતી જતી ચિંતા
તાજેતરના દિવસોમાં હોર્મુઝ સ્ટ્રેટ અને આસપાસના દરિયાઈ વિસ્તારમાં વેપારી જહાજો પર હુમલાની ઘટનાઓમાં વધારો થયો છે. વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ વેપાર માર્ગોમાંના એક એવા આ વિસ્તારમાં વધતી અસ્થિરતા વૈશ્વિક વેપાર તેમજ ભારતીય નાવિકોની સુરક્ષા માટે ચિંતાનો વિષય બની રહી છે. આ ઘટનાએ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સમુદ્રી માર્ગોની સુરક્ષાને લઈને અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.
આ પણ વાંચો: ઈરાન-અમેરિકા તણાવની શેરબજાર પર ગંભીર અસર,રોકાણકારોના કરોડો સ્વાહા
આ પણ વાંચો: ઈરાન બાદ યમનની ધમકી: બાબ અલ-મંડેબ જળમાર્ગ બંધ કરવાની ચેતવણી, ક્રૂડ ઓઈલ 200 ડોલર સુધી પહોંચવાનો દાવો
આ પણ વાંચો: ઈરાની મિસાઇલ હુમલાથી UAEના ટેન્કરોને નુકસાન, ભારતીય ક્રૂ મેમ્બરનું મોત
