World News/ ઈરાની મિસાઇલ હુમલાથી UAEના ટેન્કરોને નુકસાન, ભારતીય ક્રૂ મેમ્બરનું મોત

હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Stratum) માં UAEના ધ્વજવાળા બે તેલ ટેન્કરો પર ઈરાની મિસાઇલ હુમલો, એક ભારતીય ક્રૂ મેમ્બરનું મોત અને આઠ ઘાયલ. ઘટનાથી મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો, UAEએ હુમલાની કડક નિંદા કરી.

Top Stories World
Hormuz Stratum

Middle East tensions: હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Stratum)માં તણાવ વધુ ઘેરો બન્યો છે. સંયુક્ત આરબ અમીરાત (UAE)ના સંરક્ષણ મંત્રાલયે આજે (મંગળવારે) જણાવ્યું કે યુએઈના ધ્વજવાળા બે તેલ ટેન્કરો પર ઈરાની ક્રુઝ મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક ભારતીય ક્રૂ મેમ્બરનું મોત થયું છે, જ્યારે અન્ય આઠ ક્રૂ સભ્યો ઘાયલ થયા છે. ઘાયલોમાં ચારની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાયું છે.

સંરક્ષણ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેર કરેલા નિવેદન મુજબ, ઓમાનના જળક્ષેત્રમાં હોર્મુઝ સ્ટ્રેટની દક્ષિણી લેનમાંથી પસાર થઈ રહેલા ‘મોમ્બાસા’ અને બાહિયા’ નામના ટેન્કરોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઘાયલ થયેલા આઠ ક્રૂ સભ્યોમાં છ ભારતીય અને બે યુક્રેનિયન નાગરિકોનો સમાવેશ થાય છે. હુમલા બાદ બંને જહાજોમાં આગ લાગી હતી, જોકે બચાવ કામગીરી બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

UAE સરકારે આ હુમલાની કડક નિંદા કરતાં તેને આંતરરાષ્ટ્રીય કાયદાનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું છે. સરકારે જણાવ્યું કે આ ઘટના માત્ર દરિયાઈ સુરક્ષા માટે જ નહીં, પરંતુ સમગ્ર પ્રદેશની શાંતિ અને સ્થિરતા માટે પણ ગંભીર ખતરો છે.

સરકારે વધુમાં સ્પષ્ટ કર્યું કે દેશ પોતાની સાર્વભૌમતા, નાગરિકો અને રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે જરૂરી તમામ પગલાં ભરવાનો અધિકાર ધરાવે છે. સાથે જ સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે UAEના સશસ્ત્ર દળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને કોઈપણ સંભવિત ખતરાનો સામનો કરવા માટે તેઓ સંપૂર્ણપણે તૈયાર છે.

બીજી તરફ, ઈરાને દાવો કર્યો છે કે તેના રિવોલ્યુશનરી ગાર્ડ્સે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહેલા બે જહાજો સામે માત્ર ચેતવણીરૂપ ગોળીબાર કર્યો હતો. ઈરાનના સરકારી ટેલિવિઝનના અહેવાલ મુજબ, વ્યૂહાત્મક જળમાર્ગમાં ગેરકાયદેસર પ્રવેશ કરવાનો પ્રયાસ થતાં જહાજોને ચેતવણી આપવામાં આવી હતી અને ત્યારબાદ તેમને અટકાવવામાં આવ્યા હતા.

આ ઘટનાએ મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે આંતરરાષ્ટ્રીય સમુદાયની ચિંતા વધુ વધારી છે અને હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા અંગે નવા સવાલો ઊભા કર્યા છે.


આ પણ વાંચો : ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: ‘મને મારવાની કોશિશ કરશો તો ઈરાન તબાહ કરી દઈશું’

આ પણ વાંચો : ટ્રમ્પની લડાઈ કેવી રીતે સંપૂર્ણપણે પરમાણુથી હોર્મુઝ તરફ વળી: 28 ફેબ્રુઆરીથી અત્યાર સુધીની વિગત

આ પણ વાંચો : અમેરિકાએ ઈરાન પર કર્યા હવાઈ હુમલા, ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર હુમલાની પુષ્ટિ કરી