New Delhi News/ કુડનકુલમ પરમાણુ પ્લાન્ટનો ડેટા હેક થયો? ડાર્ક વેબ પર ગુપ્ત દસ્તાવેજો લીક થયાનો દાવો

કુડનકુલમ પરમાણુ પાવર પ્લાન્ટ (Kudankulam Nuclear Plant)ભારતના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ્સમાંનો એક છે

Top Stories India
ભારતના સૌથી મોટા કુડનકુલમ પરમાણુ પાવર પ્લાન્ટ (Kudankulam Nuclear Plant)સાથે જોડાયેલા કથિત ગુપ્ત દસ્તાવેજો ડાર્ક વેબ (Dark Web)પર અપલોડ કરવામાં આવ્યા હોવાનો દાવો સામે આવ્યો છે

New Delhi News : ભારતના સૌથી મોટા કુડનકુલમ પરમાણુ પાવર પ્લાન્ટ (Kudankulam Nuclear Plant)સાથે જોડાયેલા કથિત ગુપ્ત દસ્તાવેજો ડાર્ક વેબ (Dark Web)પર અપલોડ કરવામાં આવ્યા હોવાનો દાવો સામે આવ્યો છે. એક રિપોર્ટ મુજબ, ‘વર્લ્ડ લીક્સ’ (World Leaks) નામના રેન્સમવેર ગ્રુપે હજારો દસ્તાવેજો જાહેર કર્યા હોવાનો દાવો કર્યો છે. જોકે, આ દસ્તાવેજો સાચા છે કે નહીં તેની કોઈ સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.

રિપોર્ટ અનુસાર, ડાર્ક વેબ પર મુકાયેલી ફાઇલોમાં પ્લાન્ટના વિવિધ વિભાગોના બ્લુપ્રિન્ટ્સ, સપ્લાયર્સની વિગતો, મીટિંગ મિનિટ્સ, ટેક્નિકલ દસ્તાવેજો અને વીમા સંબંધિત માહિતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો શું દાવો?

રેન્સમવેર ગ્રુપે દાવો કર્યો છે કે આ ડેટા રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Reliance Infrastructure)સાથે સંબંધિત છે. કંપનીએ સ્વીકાર્યું છે કે તેના ડેટાનો એક ભાગ થર્ડ-પાર્ટી ડેટા સેન્ટર સર્વિસ પ્રોવાઇડર યોટ્ટાના સર્વર પર સુરક્ષા ભંગનો ભોગ બન્યો હતો. જોકે, કંપનીએ કયા પ્રકારનો ડેટા અસરગ્રસ્ત થયો હતો તેની વિગતો જાહેર કરી નથી.

કંપનીનું કહેવું છે કે ઘટના અંગે સંબંધિત સરકારી એજન્સીઓને સમયસર જાણ કરવામાં આવી હતી અને મામલાની તપાસ ચાલુ છે.

કઈ માહિતી લીક થયાનો દાવો?

રિપોર્ટ મુજબ, કુલ અંદાજે 8.58 લાખ ફાઇલોમાંથી લગભગ 19 હજાર ફાઇલોને અત્યંત સંવેદનશીલ ગણાવવામાં આવી રહી છે. તેમાં નીચે મુજબની માહિતી હોવાનો દાવો છે:

  • યુનિટ-3 અને યુનિટ-4ના વેન્ટિલેશન અને કૂલિંગ સિસ્ટમના બ્લુપ્રિન્ટ્સ
  • કોમન કંટ્રોલ રૂમનો ફ્લોર લેઆઉટ
  • સપ્લાયર્સની યાદી
  • સાધનોના ફોટોગ્રાફ્સ સાથેના નિરીક્ષણ અહેવાલ
  • વીમા સંબંધિત દસ્તાવેજો

આ દસ્તાવેજોમાં એવો પણ ઉલ્લેખ હોવાનું કહેવામાં આવે છે કે આતંકવાદી હુમલાની સ્થિતિમાં યુનિટ-3 અને યુનિટ-4 માટે અંદાજે 112 મિલિયન ડોલરના વીમા કવરેજની જોગવાઈ છે.

સુરક્ષા નિષ્ણાતોએ વ્યક્ત કરી ચિંતા

ન્યુક્લિયર થ્રેટ ઇનિશિયેટિવ (NTI)ના સિનિયર ડિરેક્ટર નિકોલસ રોથના જણાવ્યા અનુસાર, જો આવા દસ્તાવેજો ખરેખર સાયબર હુમલાખોરોના હાથમાં પહોંચ્યા હોય તો તે પરમાણુ પ્લાન્ટની સપોર્ટ સિસ્ટમ, સપ્લાય ચેઇન અને સુરક્ષા વ્યવસ્થા અંગે મહત્વની માહિતી જાહેર કરી શકે છે, જે સુરક્ષા માટે ગંભીર જોખમ બની શકે છે.

યોટ્ટાએ શું કહ્યું?

યોટ્ટાના જણાવ્યા મુજબ, 29 મેના રોજ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સર્વર પર શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળી હતી, જેને તાત્કાલિક રોકી દેવામાં આવી હતી અને સંભવિત રેન્સમવેર હુમલાને નિષ્ફળ બનાવાયો હતો.

ત્યારબાદ જૂનના અંતમાં રિલાયન્સ તરફથી માહિતી મળી હતી કે કેટલાક સાયબર હુમલાખોરોએ ડેટા ચોરીનો દાવો કર્યો છે. યોટ્ટાએ સ્પષ્ટ કર્યું છે કે તે આ દાવાની સ્વતંત્ર પુષ્ટિ કરી શક્યું નથી, પરંતુ ટેક્નિકલ તપાસ પૂર્ણ કરીને સંબંધિત અહેવાલ કંપનીને સોંપી દીધો છે અને તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યું છે.

કુડનકુલમ પ્રોજેક્ટ કેમ મહત્વનો છે?

કુડનકુલમ પરમાણુ પાવર પ્લાન્ટ ((Kudankulam Nuclear Plant))ભારતના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ્સમાંનો એક છે. અહીં નિર્માણાધીન યુનિટ-3 અને યુનિટ-4 વર્ષ 2027 સુધી કાર્યરત થવાની અપેક્ષા છે. બંને યુનિટ મળીને આશરે 2,000 મેગાવોટ વીજ ઉત્પાદન કરશે અને દેશની પરમાણુ ઊર્જા ક્ષમતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.


આ પણ વાંચો : યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલો, યુક્રેનના એનેહ્રોદર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો, પાવર પ્લાન્ટ પર હુમલો બંધ કરે રશિયા: યૂક્રેન, જાપોરિજ્જિયા પરમાણુ પાવર પ્લાન્ટ

આ પણ વાંચો : દેશમાં પરમાણુ ક્ષેત્રમાં મહત્વનું પ્રદાન કરતી ગુજરાતની MSME વિવિધ હાય-ફેબ પ્રાઇવેટ  લિમિટેડ

આ પણ વાંચો : યુક્રેનના ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટમાં પાવર ગ્રીડને ભારે નુકસાન,આ જોખમ થઇ શકે છે!