Gujarat News/ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ: 31 તાલુકામાં મેઘમહેર, કામરેજમાં 2 ઇંચ વરસાદ; અમદાવાદમાં થન્ડરસ્ટોર્મની આગાહી

ગુજરાતમાં વરસાદ (Gujarat Rain)નો બીજો રાઉન્ડ શરૂ થયો છે. કામરેજમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે આગામી સાત દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Top Stories Gujarat Others Breaking News
Gujarat Rain: કામરેજમાં 2 ઇંચ વરસાદ, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત સુધી મેઘરાજાની એન્ટ્રી

Gujarat News: ગુજરાતમાં અષાઢી બીજના પવિત્ર અવસરે મેઘરાજાએ ફરી એકવાર જોરદાર એન્ટ્રી કરી છે. રાજ્યમાં એકસાથે ચાર મહત્વપૂર્ણ વેધર સિસ્ટમ સક્રિય થતાં વરસાદ (Gujarat Rain)નો બીજો રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 118 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જ્યારે આજે વહેલી સવારથી વધુ 31 તાલુકાઓમાં વરસાદી ઝાપટાં પડ્યાં છે. સુરત જિલ્લાના કામરેજમાં સૌથી વધુ અંદાજે 2 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં ઠંડક પ્રસરી છે.

લાંબા વિરામ બાદ જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, નવસારી અને પાટણ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે. બીજી તરફ, ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, નવસારી જિલ્લામાં શરૂઆતના વરસાદ બાદ ફરી વરસાદ (Gujarat Rain) ખેંચાતા ડાંગરના પાક અંગે ખેડૂતોમાં ચિંતા યથાવત છે.

આગામી 7 દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગના અનુમાન પ્રમાણે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ અને તેજ પવનની શક્યતા રહેશે. ખાસ કરીને રથયાત્રાના દિવસે અમદાવાદમાં થન્ડરસ્ટોર્મ, વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Gujarat Rain: સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

જૂનાગઢ જિલ્લાના કેશોદ અને વંથલી સહિતના વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના ઉના, તાલાલા તેમજ જાવંત્રી, પાણીકોઠા, વડાલા જેવા ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદ પડેલા વરસાદથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે.

પાટણમાં મધરાતે વરસાદ

પાટણ જિલ્લામાં છેલ્લા બે સપ્તાહથી વરસાદ (Gujarat Rain)ની રાહ જોવાઈ રહી હતી. ગત મધરાત્રિ બાદ વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. પાટણ શહેરમાં 17 મિમી, સરસ્વતી તાલુકામાં 25 મિમી, સમીમાં 4 મિમી, હારીજમાં 2 મિમી અને ચાણસ્મામાં 1 મિમી વરસાદ નોંધાયો હતો. વરસાદથી પાકને પણ રાહત મળી છે.

રાજકોટ, ખેડા અને અરવલ્લીમાં પણ વરસાદ

રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે સિઝનનો કુલ વરસાદ આશરે 5 ઇંચ સુધી પહોંચી ગયો છે. ખેડા જિલ્લામાં તેમજ નેશનલ હાઈવે-48 પર ભારે વરસાદને કારણે વાહનચાલકોને ઓછી વિઝિબિલિટીનો સામનો કરવો પડ્યો હતો. અરવલ્લીના મોડાસા અને માલપુર વિસ્તારોમાં પણ વરસાદથી ખેડૂતોને મોટી રાહત મળી છે.

હજુ પણ સિઝનનો વરસાદ સામાન્યથી ઓછો

રાજ્યના વરસાદ (Gujarat Rain)ના આંકડા દર્શાવે છે કે ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 162.8 મિમી (6.42 ઇંચ) વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન આશરે 226.1 મિમી વરસાદ થવો જોઈએ, એટલે કે હાલ રાજ્યમાં સરેરાશ કરતાં લગભગ 28 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આગામી દિવસોમાં સારો વરસાદ થાય તેવી આશા ખેડૂતો અને વહીવટી તંત્ર બંને રાખી રહ્યા છે.


આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, દક્ષિણ ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદનો વિરામ યથાવત, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની શક્યતા; ખેડૂતોની ચિંતા વધી

આ પણ વાંચો:દક્ષિણ ગુજરાતમાં વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, 4 દિવસમાં 3 હજારથી વધુ મુસાફરોએ ટિકિટ રદ કરાવી