Monsoon Weather Update: ગુજરાતમાં ચોમાસાની ગતિ હાલ ધીમી પડી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે, જ્યારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદની સંભાવના ઓછી છે.
ગુજરાત (Gujarat) માં સામાન્ય કરતાં 13 ટકા ઓછો વરસાદ
ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 6.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જે સામાન્ય વર્ષોની સરખામણીએ અંદાજે 13 ટકા ઓછો છે. વરસાદની અછતને કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે અને ખેતી માટે જરૂરી વરસાદની તેઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે.
બીજી તરફ દેશના લગભગ 70 ટકા વિસ્તારમાં પણ વરસાદે વિરામ લીધો છે. ગુજરાત ઉપરાંત અનેક રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી ભારે કે વ્યાપક વરસાદની કોઈ ખાસ શક્યતા વ્યક્ત કરવામાં આવી નથી. જેના કારણે ઉત્તર ભારતમાં ફરીથી ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા છે અને તાપમાનમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.

ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોમાં જોકે અલગ જ સ્થિતિ જોવા મળી રહી છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ અનેક સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ બની છે, જેના કારણે અનેક માર્ગો બંધ થઈ ગયા છે અને જનજીવન પ્રભાવિત બન્યું છે.
જમ્મુ-કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટનાથી ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ભારે પાણીના પ્રવાહમાં છ હોટલો ડૂબી ગઈ હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જણાવાયું છે. સ્થાનિક પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
હવામાન વિભાગે લોકોને સત્તાવાર આગાહીઓ પર નજર રાખવા અને જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરી છે. ખાસ કરીને પર્વતીય વિસ્તારોમાં મુસાફરી કરતા પ્રવાસીઓને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ પ્રવાસ કરવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો: ઉત્તર ભારતથી ગુજરાત સુધી ભારે વરસાદનો કહેર, અનેક રાજ્યોમાં વરસાદી આફત, રસ્તા-રેલવે સેવા પર અસર
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં મધરાતે 2 કલાકમાં ભૂકંપના 4 આંચકા, લોકોમાં ભયનો માહોલ
