Monsoon Update India: દેશભરમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય બનતાં ઉત્તર, પશ્ચિમ, મધ્ય અને પૂર્વોત્તર ભારતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી કેટલાક દિવસો સુધી અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કર્યું છે.
દિલ્હી અને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં મોડી રાત્રિથી જ વરસાદ શરૂ થયો હતો, જ્યારે મહારાષ્ટ્રમાં વરસાદે જનજીવન પર મોટી અસર કરી છે. સતત વરસાદને કારણે અનેક નદીઓમાં પાણીનું સ્તર વધ્યું છે અને અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
IMD મુજબ ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત દિલ્હી, હરિયાણા, બિહાર, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને કેરળમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ, વીજળીના કડાકા અને 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ ચેતવણી આપી છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ અસર
મહારાષ્ટ્રમાં સતત વરસાદને કારણે નાસિકમાં ગોદાવરી નદી ઉફાન પર છે. મુંબઈમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે લોકલ ટ્રેન સેવાઓ પણ અસરગ્રસ્ત બની છે. પાલઘરના વસઈ-વિરાર વિસ્તારમાં જળભરાવને કારણે ગુજરાત તરફ જતી લાંબા અંતરની કેટલીક ટ્રેનોના સંચાલન પર પણ અસર જોવા મળી છે.
રાજ્યમાં 1 જૂનથી શરૂ થયેલા ચોમાસા દરમિયાન અત્યાર સુધીમાં 62 લોકોના મોત થયા છે, જ્યારે લગભગ 200 પશુઓના પણ મોત નોંધાયા છે. પાલઘરના એક ગામમાં સ્થાનિક લોકોએ ગર્ભવતી મહિલાને હોસ્પિટલ પહોંચાડવા માટે ઘરના દરવાજાનો સ્ટ્રેચર તરીકે ઉપયોગ કર્યો હોવાની માનવતાભરી ઘટના પણ સામે આવી છે.
ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને દક્ષિણ કર્ણાટકમાં છેલ્લા 24 કલાક દરમિયાન 21 સેન્ટીમીટરથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે મરાઠવાડા, સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, બિહાર, મેઘાલય અને ત્રિપુરામાં 12થી 20 સેન્ટીમીટર સુધીનો ખૂબ ભારે વરસાદ નોંધાયો છે.
પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને ઉત્તર આંતરિક કર્ણાટક સહિતના વિસ્તારોમાં 7થી 11 સેન્ટીમીટર સુધી વરસાદ નોંધાયો છે.
વરસાદથી રાહત પણ મુશ્કેલીઓ પણ
એક તરફ વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ બીજી તરફ શહેરોમાં પાણી ભરાવા, રસ્તાઓ તૂટી જવા, ટ્રાફિક જામ અને અકસ્માતોની ઘટનાઓમાં વધારો થયો છે. અનેક સ્થળોએ પાણી ભરાયેલા રસ્તાઓમાં ખાડા દેખાતા ન હોવાને કારણે લોકો અકસ્માતનો ભોગ બન્યા હોવાનું પણ સામે આવ્યું છે. સતત વરસાદને કારણે સામાન્ય જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે.
