gujarat weather news/ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, દક્ષિણ ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી

ગુજરાત (Gujarat) માં આજથી વરસાદનું જોર ધીમે-ધીમે ઘટશે. જોકે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ભરૂચ સહિતના વિસ્તારોમાં આજે પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જાણો કયા જિલ્લામાં કેવું રહેશે હવામાન.

Gujarat Top Stories
GUJARAT

Gujarat Weather News: છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં પડેલા અનરાધાર વરસાદ બાદ હવે રાજ્યના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની નવી આગાહી મુજબ આજથી રાજ્યમાં વરસાદની તીવ્રતા ધીમે-ધીમે ઘટવાની શક્યતા છે. જોકે, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં રાજ્ય પર એકસાથે પાંચ જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય છે. તેમાં વેલમાર્ક લો પ્રેશર, સિઝનલ ટ્રફ અને ઓફશોર ટ્રફ સહિતની સિસ્ટમોનો સમાવેશ થાય છે. આ કારણે સમગ્ર રાજ્યમાં વરસાદી વાતાવરણ યથાવત રહેશે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોની સરખામણીએ વરસાદનું જોર ઓછું રહેવાની શક્યતા છે.

દક્ષિણ ગુજરાતમાં આજે પણ મેઘરાજા મહેરબાન રહે તેવી આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત ભરૂચ, સુરત, ડાંગ, તાપી અને છોટાઉદેપુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાઈ શકે છે. ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની તીવ્રતા ઘટવાના સંકેતો મળ્યા છે. જોકે ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની શક્યતા છે.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ સામાન્ય વરસાદી માહોલ યથાવત રહેશે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલ સહિતના વિસ્તારોમાં હળવા પવન સાથે સામાન્ય વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે લોકોને આગામી દિવસોમાં સ્થાનિક આગાહીઓ પર નજર રાખવા અને ભારે વરસાદની સ્થિતિમાં જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરી છે.


આ પણ વાંચો : ઉત્તર ભારતથી ગુજરાત સુધી ભારે વરસાદનો કહેર, અનેક રાજ્યોમાં વરસાદી આફત, રસ્તા-રેલવે સેવા પર અસર

આ પણ વાંચો : સુરતમાં વરસાદી તબાહી: 24 કલાકમાં 10ના મોત, ત્રણ દિવસમાં મૃત્યુઆંક 19 પર પહોંચ્યો

આ પણ વાંચો : ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ