Ahmedabad News: અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોશિયલ મીડિયા મારફતે થયેલી મિત્રતા બાદ યુવતીને બ્લેકમેઇલ (Online Blackmail Case) કરવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. યુવતીની માતાની ફરિયાદના આધારે પોલીસે મધ્યપ્રદેશના ગ્વાલિયરના રહેવાસી 26 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. પોલીસ હાલ સમગ્ર ઘટનાની વિવિધ પાસાઓથી તપાસ કરી રહી છે.
Online Blackmail Case: હિન્દુ નામથી ઓળખ આપી યુવતીનો વિશ્વાસ જીત્યાનો આરોપ
પોલીસ ફરિયાદ મુજબ, અમદાવાદ ગ્રામ્યના એક ગામની રહેવાસી અને વલ્લભ વિદ્યાનગરમાં અભ્યાસ કરતી યુવતી થોડા મહિના પહેલાં મેસેજિંગ એપ્લિકેશન અને ઓનલાઈન ગેમિંગ (Online Blackmail Case) દરમિયાન એક યુવકના સંપર્કમાં આવી હતી. શરૂઆતમાં યુવકે પોતાનું નામ “સોનુ” હોવાનું જણાવી મિત્રતા કેળવી હતી. ત્યારબાદ બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે થઈ અને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે વાતચીત શરૂ થઈ હતી.
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે મિત્રતાનો વિશ્વાસ જીત્યા બાદ આરોપીએ યુવતી પર ન્યૂડ વીડિયો કોલ કરવા માટે દબાણ કર્યું હતું. યુવતીએ ઇનકાર કરતાં આરોપીએ આત્મહત્યાની ધમકી આપી અને તેને માનસિક દબાણમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીનો આરોપ છે કે બાદમાં તેને વીડિયો કોલ કરવા માટે મજબૂર કરવામાં આવી હતી.
આગળ જઈને યુવતીને આરોપીના એક પરિચિત મારફતે જાણવા મળ્યું કે જે વ્યક્તિ પોતાને “સોનુ” તરીકે ઓળખાવતો હતો તેનું સાચું નામ બિટ્ટુ ખાન છે અને તે મધ્યપ્રદેશના ગ્વાલિયરનો રહેવાસી છે. ફરિયાદ મુજબ, તે પરિણીત છે અને એક સંતાનનો પિતા પણ છે. આ વાત સામે આવતાં બંને વચ્ચે વિવાદ થયો હતો.
યુવતીનો વધુ આક્ષેપ છે કે તેણે વીડિયો કોલ કરવા અને અન્ય માંગણીઓનો ઇનકાર કર્યા બાદ આરોપીએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ યુવતીએ પરિવારને કરતાં માતાએ કણભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
Online Blackmail Case:ઓનલાઈન મિત્રતા બાદ બ્લેકમેઇલ કેસમાં MPના યુવકની ધરપકડ
ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય તપાસના આધારે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીનો મોબાઇલ ફોન ફોરેન્સિક તપાસ (FSL) માટે મોકલી આપ્યો છે. તપાસ એ દિશામાં પણ ચાલી રહી છે કે આ પ્રકારની ઘટનામાં અન્ય કોઈ યુવતી પણ ભોગ બની છે કે નહીં.
પોલીસે સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને ડિજિટલ પુરાવા, મોબાઇલ ડેટા તેમજ અન્ય તથ્યોના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:આંગણવાડીની બહેનોને ન્યૂડ વીડિયો કોલથી હેરાનગતિને લઈને ભરૂચ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી
આ પણ વાંચો:પાટડીનો યુવાન ન્યૂડ વીડિયો કોલ સ્કેમનો ભોગ બન્યો, 44 હજાર રૂપિયા ગુમાવ્યા
આ પણ વાંચો:અક્ષય કુમારની 13 વર્ષની દીકરી પાસે ન્યૂડ ફોટો માંગનાર આરોપી ઝડપાયો
