ખેલ જગતમાં ક્યારેક મેદાન પરની લડાઈ ખેલાડીઓના અંગત જીવન સુધી પહોંચી જતી હોય છે. તાજેતરમાં ફિફા વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલમાં આર્જેન્ટિના સામે ઇંગ્લેન્ડની ૨-૧થી હાર થઈ હતી. મેચ દરમિયાન ઇંગ્લેન્ડના સ્ટાર ફૂટબોલર જૂડ બેલિંગમની આર્જેન્ટિનાના સુપ્રસિદ્ધ કેપ્ટન લિયોનેલ મેસી (Messi ) સાથે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી. આ મેદાની જંગ બાદ સોશિયલ મીડિયા પર જૂડ બેલિંગમની ગર્લફ્રેન્ડ એશ્લિન કાસ્ટ્રોને લોકોના ભારે રોષનો સામનો કરવો પડ્યો છે. ટ્રોલીંગ અને અપમાનજનક ટિપ્પણીઓથી કંટાળીને આખરે એશ્લિને કેમેરા સામે આવીને રડતા-રડતા પોતાનું દુઃખ વ્યક્ત કરવું પડ્યું છે.
ભૂતકાળને લઈને નિશાન બનાવાતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ભાંગી પડી
એશ્લિન કાસ્ટ્રો જ્યારે બેલિંગમ સાથે રિલેશનશિપમાં આવી, ત્યારથી જ તે લોકોની નજરમાં ચડી ગઈ હતી. લોકો તેની પર્સનલ લાઈફ અને ભૂતકાળને લઈને ખૂબ જ અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યા હતા. આ માનસિક હેરાનગતિથી કંટાળીને એશ્લિને 2025માં એક ટિકટોક વીડિયો શેર કરીને પોતાની વેદના ઠાલવી હતી. વીડિયોમાં અત્યંત ભાવુક થતાં તેણે જણાવ્યું હતું કે, “મને સમજાતું નથી કે હું ક્યાંથી શરૂઆત કરું. મારી અંગત જિંદગી વિશે સોશિયલ મીડિયા પર જાહેરમાં વાત કરવી મારા માટે ખૂબ જ અઘરી છે. લોકોએ મને માનસિક રીતે તોડવા માટે, પરેશાન કરવા માટે અને મારું અપમાન કરવા માટે કોઈ કસર બાકી નથી રાખી.”
અફવાઓ ફેલાવનારા લોકોને આપ્યો જડબાતોડ જવાબ
પોતાના અંગત જીવન વિશે ઊડી રહેલી અફવાઓનો અંત લાવવા એશ્લિને વીડિયોમાં સ્પષ્ટતા કરી હતી કે, “જે લોકો મારો ભૂતકાળ નથી જાણતા, તેઓ મારી ડેટિંગ હિસ્ટ્રી વિશે મનઘડંત વાતો બનાવી રહ્યા છે. મારી જિંદગીમાં અત્યાર સુધી માત્ર ત્રણ રિલેશનશિપ રહ્યા છે. વર્ષ ૨૦૧૭માં મારો પહેલો સંબંધ એક જાણીતી વ્યક્તિ સાથે હતો, જેના કારણે લોકોએ વાતો વહેતી કરી છે. ઇન્ટરનેટ પર મારી છબી બગાડવા અને નફરત ફેલાવવા માટે ખોટી અફવાઓ ઉડાડવામાં આવી રહી છે, જ્યારે છેલ્લા છ વર્ષમાં મારા માત્ર બે જ બોયફ્રેન્ડ રહ્યા છે.” એશ્લિનનો આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ચાહકો તેના સમર્થનમાં આવ્યા છે અને ખોટી રીતે અંગત જીવન પર પ્રહારો કરતા ટ્રોલ્સની આકરી ટીકા કરી રહ્યા છે.
