Sports News: 2026 ફિફા વર્લ્ડ કપ (FIFA WorldCup 2026) હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો છે. પ્રથમ સેમિફાઇનલમાં સ્પેને ફ્રાન્સને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. હવે સમગ્ર વિશ્વની નજર બીજી સેમિફાઇનલ પર છે, જ્યાં ઇંગ્લેન્ડ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના (EnglandVsArgentina) વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો રમાશે. ભારતીય સમય મુજબ આ મેચ 16 જુલાઈની મધરાતે 12:30 વાગ્યે એટલાન્ટામાં રમાશે.
24 વર્ષ બાદ વર્લ્ડ કપમાં ફરી સામસામે
વર્લ્ડ કપના ઇતિહાસમાં ઇંગ્લેન્ડ અને આર્જેન્ટિના (WorldCup SemiFinal) વચ્ચેની હરીફાઈ સૌથી ચર્ચિત માનવામાં આવે છે. બંને ટીમો છેલ્લે 2002ના વર્લ્ડ કપમાં સામસામે આવી હતી, જ્યાં ઇંગ્લેન્ડે 1-0થી જીત મેળવી હતી. હવે 24 વર્ષ બાદ બંને ટીમો ફરી વર્લ્ડ કપમાં આમને-સામને આવી રહી છે, જેના કારણે ફૂટબોલ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બંને ટીમોની ફાઇનલ સુધીની સફર
આર્જેન્ટિનાએ ગ્રુપ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કરીને તમામ મેચોમાં જીત મેળવી હતી. ત્યારબાદ નોકઆઉટ તબક્કામાં કેપ વર્ડે, ઇજિપ્ત અને ક્વાર્ટર ફાઇનલમાં સ્વિટ્ઝર્લેન્ડને હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો.બીજી તરફ ઇંગ્લેન્ડે ગ્રુપ સ્ટેજમાં ક્રોએશિયા, ઘાના અને પનામા સામે જીત મેળવી હતી. ત્યારબાદ ડીઆર કોંગો, મેક્સિકો અને ક્વાર્ટર ફાઇનલમાં નોર્વેને હરાવી અંતિમ ચાર ટીમોમાં સ્થાન બનાવ્યું.
વર્લ્ડ કપમાં હેડ-ટુ-હેડ
વર્લ્ડ કપમાં અત્યાર સુધી બંને ટીમો પાંચ વખત ટકરાઈ છે.
| વર્ષ | તબક્કો | પરિણામ |
|---|---|---|
| 1962 | ગ્રુપ સ્ટેજ | ઇંગ્લેન્ડ 3-1 |
| 1966 | ક્વાર્ટર ફાઇનલ | ઇંગ્લેન્ડ 1-0 |
| 1986 | ક્વાર્ટર ફાઇનલ | આર્જેન્ટિના 2-1 |
| 1998 | રાઉન્ડ ઓફ 16 | આર્જેન્ટિના (પેનલ્ટી) |
| 2002 | ગ્રુપ સ્ટેજ | ઇંગ્લેન્ડ 1-0 |
વર્લ્ડ કપમાં કુલ પાંચ મુકાબલામાં ઇંગ્લેન્ડે ત્રણ અને આર્જેન્ટિનાએ બે જીત નોંધાવી છે.
આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં આંકડા
બંને દેશો વચ્ચે અત્યાર સુધી કુલ 14 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. ઇંગ્લેન્ડે 6 વાર જીત મેળવી છે, આર્જેન્ટિનાએ 3 જીત વાર અને 5 વાર ડ્રો મેચ થયા છે
નજર રહેશે આ ખેલાડીઓ પર
આર્જેન્ટિના માટે લાયોનેલ મેસ્સી સૌથી મોટું હથિયાર સાબિત થઈ શકે છે. ટુર્નામેન્ટમાં તે અત્યાર સુધી 8 ગોલ કરીને ગોલ્ડન બૂટની રેસમાં આગળ છે. તેની સાથે લૌટારો માર્ટિનેઝ, જુલિયન આલ્વારેઝ, એન્ઝો ફર્નાન્ડીઝ અને લિસાન્ડ્રો માર્ટિનેઝ પર પણ ટીમની મોટી જવાબદારી રહેશે.ઇંગ્લેન્ડ તરફથી કેપ્ટન હેરી કેન અને જુડ બેલિંગહામે શાનદાર રમત દેખાડી છે. બંનેએ અત્યાર સુધી 6-6 ગોલ કર્યા છે. બુકાયો સાકા અને એન્થોની ગોર્ડન પણ ટીમના આક્રમણમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
મેસ્સી માટે ખાસ મેચ
લાયોનેલ મેસ્સીએ (Lionel Messi)પોતાના આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 200થી વધુ મેચ રમી છે, પરંતુ સિનિયર સ્તરે વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે રમવાની તક તેમને ક્યારેય મળી નથી. તેથી આ સેમિફાઇનલ તેમના માટે પણ ઐતિહાસિક બની શકે છે.
કોણ પહોંચશે ફાઇનલમાં?
એક તરફ ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના છે તો બીજી તરફ સંતુલિત અને મજબૂત ઇંગ્લેન્ડની ટીમ. બંને ટીમો શાનદાર ફોર્મમાં હોવાથી આ મુકાબલો રોમાંચથી ભરપૂર રહેવાની અપેક્ષા છે. જે ટીમ દબાણની ક્ષણોમાં વધુ સારું પ્રદર્શન કરશે, તે સ્પેન સામેની ફાઇનલમાં સ્થાન બનાવશે.
આ પણ વાંચો: ફિફા વર્લ્ડ કપમાં મોટો ઉલટફેર: ફ્રાન્સનું સપનું રોળાયું, સ્પેને 2-0થી ધૂળ ચટાડી ફાઇનલમાં મારી એન્ટ્રી
આ પણ વાંચો: ફિફા વર્લ્ડ કપ 2026: ઇજિપ્ત સામે આર્જેન્ટિનાની શ્વાસ અધ્ધર કરતી જીત; મેસીએ રચ્યો ઇતિહાસ
આ પણ વાંચો: પેરાગ્વે સામે જર્મનીની હાર! ફિફા વર્લ્ડ કપમાં ફૂટબોલ વિશ્વનો સૌથી મોટો ઉલટફેર
