Ahmedabad News: રાજ્યની જાહેર આરોગ્ય વ્યવસ્થા જ્યારે સંવેદનશીલતા અને અત્યાધુનિક તબીબી કૌશલ્ય સાથે જોડાય છે, ત્યારે કેવા ચમત્કારો સર્જાય છે તેનો જીવંત પુરાવો અમદાવાદ સિવિલ હોસ્પિટલે (Civil Hospital, Ahmedabad) પૂરો પાડ્યો છે.
સિવિલ હોસ્પિટલ (Civil Hospital) દ્વારા બે નિર્દોષ બાળકોને નવી જિંદગીની ભેટ
ફેબ્રુઆરી 2026 નો મહિનો બનાસકાંઠા અને અમદાવાદના બે અલગ-અલગ પરિવારો માટે કસોટીની એરણે હતો, પરંતુ સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબો (Doctors) ની ટીમે પોતાની પ્રતિબદ્ધતાથી બે નિર્દોષ બાળકો (Child Patients)ને નવી જિંદગીની ભેટ આપી છે.
સરકારી આરોગ્ય સેવાની સંવેદનશીલતા: બનાસકાંઠાની સુમનબા અને રામોલના તેમુર અલી માટે ‘દેવદૂત’ બની સિવિલ હોસ્પિટલ
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સા: એરગન, સિક્કા, બટન સેલ, સેફટી પીન કે કાંકરા-પથ્થરોથી નાના બાળકોને દૂર રાખો, અચાનક તકલીફ જણાય તો વિલંબ ન કરો
બંને જટિલ કિસ્સાઓમાં દર્દીઓની સંપૂર્ણ સારવાર મફતમાં કરવામાં આવી, ‘આ માત્ર એક સર્જરી નથી, પણ રાજ્યની જાહેર આરોગ્ય વ્યવસ્થાની સંવેદનશીલતાની જીત છે : ડો. રાકેશ જોશી

કેસ 1: રમત રમતમાં સર્જાયેલી હોનારત અને સુમનબાનો પુનર્જન્મ
બનાસકાંઠાના એક નાનકડા ગામના ખેડૂત અર્જુનભાઈ અને કિસ્નાબાના પરિવાર પર 23 ફેબ્રુઆરીની રાત્રે આભ તૂટી પડ્યું. પાંચ વર્ષના મોટાભાઈથી રમતા-રમતા ભૂલથી એરગન (Airgun)નું ટ્રિગર દબાઈ ગયું અને તેની ગોળી (પેલેટ) 1 વર્ષની માસૂમ સુમનબા (Sumanbaa, Banaskantha)ની છાતીમાં આરપાર ઉતરી ગઈ.
પાલનપુર સિવિલમાં પ્રાથમિક સારવાર બાદ ગંભીરતા જોતા બાળકીને અમદાવાદ સિવિલ રીફર કરાઈ. અહીં પડકાર એ હતો કે ગોળી છાતીમાં ઘૂસી તો હતી પણ બહાર નીકળી નહોતી. પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડો. રાકેશ જોશી (Dr. Rakesh Joshi, Department of Pediatric Surgery) અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલા ઝીણવટભર્યા તપાસમાં જાણવા મળ્યું કે પેલેટ કરોડરજ્જુની અત્યંત નજીક ફસાયેલી હતી. 26 ફેબ્રુઆરીના રોજ થોરાકોસ્કોપી દ્વારા જહેમતભર્યા ઓપરેશન (Thoracoscopy Operation) બાદ આ પેલેટ દૂર કરવામાં આવી. આજે સુમનબા સંપૂર્ણ સ્વસ્થ છે અને પોતાના માતા-પિતા સાથે ઘરે પરત ફરી છે.

બાળરોગ સર્જરી વિભાગના પ્રોફેસર અને વડા ડો. રાકેશ જોશી તથા ડૉ જયશ્રી રામજી, પ્રોફેસર અને તેમની ટીમ તેમજ એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસર ડો. સીમા ગાંધી તથા ડૉ મૃણાલિનીના માર્ગદર્શન હેઠળ ચોકસાઈપૂર્વક કરવામાં આવેલી થોરાકોસ્કોપી સર્જરીએ 1 વર્ષની દીકરીને નવજીવન પૂરું પડ્યું હતું.
સુમનબાના પિતાએ જણાવ્યું હતું કે, “અમારી દીકરી લોહીલુહાણ હતી, અમને એમ હતું કે હવે શું થશે? પણ સિવિલના ડોક્ટરોએ દીકરીને નવું જીવન આપ્યું છે. અહીં બધી સારવાર મફતમાં થઈ અને અમારી સુમનબા આજે ફરી હસતી થઈ ગઈ છે. સિવિલ હોસ્પિટલ અમારા માટે ભગવાન સાબિત થઈ છે.”

કેસ 2: શ્વાસ પર સંકટ: ફેફસામાં ફસાયેલા પથ્થરને તબીબોએ દૂર કર્યો
બીજી તરફ, અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતા દૈનિક શ્રમિક પરિવાર માટે તેમના દીકરા તેમુર અલી (Temur Ali, Ahmedabad)ની તબિયત એક વણઉકેલ્યું રહસ્ય બની ગઈ હતી. 19 ફેબ્રુઆરીએ માટી ખાતા-ખાતા અચાનક આવેલી ખાંસી બાદ બાળકની હાલત સતત બગડતી ગઈ હતી. પરિવાર તેને બે અલગ-અલગ ખાનગી હોસ્પિટલોમાં લઈ ગયો, જ્યાં તેને ‘ન્યુમોનિયા’ (Pneumonia) હોવાનું માનીને સારવાર કરવામાં આવી, પરંતુ તેની સ્થિતિમાં કોઈ સુધારો થયો નહીં.
સમય વીતતો ગયો તેમ તેમુરનો શ્વાસ રૂંધાવા લાગ્યો અને આખરે તેને સોલા સિવિલમાં વેન્ટિલેટર પર મૂકવાની નોબત આવી. સીટી સ્કેન બાદ જ્યારે ખબર પડી કે, શ્વાસનળીમાં પથ્થર (Stone in Trachea) ફસાયેલો છે, ત્યારે ઘણો સમય વીતી ચૂક્યો હતો અને બાળકના ફેફસાં (Lungs) પર ગંભીર અસર થઈ રહી હતી. 26 ફેબ્રુઆરીએ ગંભીર હાલતમાં બાળકને સિવિલ હોસ્પિટલ અમદાવાદ લાવવામાં આવ્યો. અમદાવાદ સિવિલના તબીબોએ વેન્ટિલેટર સપોર્ટ પર જ તાત્કાલિક ઓપરેશનનો નિર્ણય લીધો, કારણ કે પથ્થરનો એ ટુકડો ગમે ત્યારે શ્વાસ રોકી શકે તેમ હતો.
વેન્ટિલેટર સપોર્ટ (Ventilator Support) પર રહેલા તેમુર અલીનું ડો. રાકેશ જોશી, ડો. સીમા ગાંધી અને તેમની ટીમે સફળ ઓપરેશન કર્યું. શ્વાસનળીમાંથી પથ્થર નીકળતાની સાથે જ બાળકની સ્થિતિમાં સુધારો થયો અને તેને નવું જીવન મળ્યું.
તેમુર અલીના પિતા એ જણાવ્યું હતું કે “અમારો દીકરો શ્વાસ લેવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો અને તેની હાલત સતત બગડતી જતી હતી. કેસ એટલો જટિલ હતો કે તેને વેન્ટિલેટર પર મૂકવો પડ્યો હતો. પરંતુ અમદાવાદ સિવિલના ડોક્ટરોએ સાચું નિદાન કરી તેને હેમખેમ બચાવી લીધો.”
નિષ્ણાત તબીબોનો સંદેશ: સતર્કતા એ જ સુરક્ષા
સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડન્ટ અને પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડો. રાકેશ જોશીએ આ બંને કિસ્સાઓને ટાંકીને વાલીઓ માટે મહત્વનો સંદેશ આપ્યો છે:
•નાના બાળકોને રમતી વખતે ક્યારેય એકલા ન છોડવા.
•એરગન, નાના પથ્થર, સિક્કા કે રમકડાંના નાના ભાગો બાળકોની પહોંચથી દૂર રાખવા.
•જો બાળકને અચાનક ખાંસી કે શ્વાસમાં તકલીફ જણાય, તો વિલંબ કર્યા વગર નિષ્ણાત હોસ્પિટલનો સંપર્ક કરવો.
ડો. રાકેશ જોશી એ વધુમાં જણાવ્યું હતું કે આ બંને જટિલ કિસ્સાઓમાં દર્દીઓની સંપૂર્ણ સારવાર મફતમાં કરવામાં આવી છે. આ સફળતા એ માત્ર તબીબી વિજ્ઞાન (Medical Science)ની જ નહીં, પણ રાજ્યની જાહેર આરોગ્ય વ્યવસ્થાની સંવેદનશીલતાની પણ જીત છે.
આધુનિક ટેકનોલોજી અને નિષ્ણાત હાથોના સંગમથી સિવિલ હોસ્પિટલે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશાનું કિરણ છે.
