World News: વૈશ્વિક અર્થવ્યવસ્થા આગામી વર્ષમાં પડકારજનક તબક્કામાં પ્રવેશી શકે છે. આંતરરાષ્ટ્રીય રેટિંગ અને સંશોધન સંસ્થા મૂડીઝ એનાલિટિક્સ (Moody’s Analytics)ના તાજેતરના અહેવાલ મુજબ 2026માં વૈશ્વિક આર્થિક વિકાસ દર (Global Growth) ઘટીને માત્ર 2.5 ટકા રહેવાની સંભાવના છે. ભૂ-રાજકીય સંઘર્ષ, વેપાર ક્ષેત્રમાં વધતી અનિશ્ચિતતા અને સતત ઊંચી મોંઘવારીના કારણે વિશ્વના મોટા ભાગના દેશોની અર્થવ્યવસ્થા પર દબાણ વધશે. ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાં સામેલ રહેશે, પરંતુ તેની વૃદ્ધિની ગતિમાં પણ થોડો ઘટાડો જોવા મળી શકે છે.
વૈશ્વિક અર્થવ્યવસ્થા (Global economy) ના વિકાસ દરમાં ઘટાડાની આગાહી
મૂડીઝ એનાલિટિક્સે (Moody’s Analytics)પોતાની તાજેતરની ‘Global Outlook: Running Hot, Running Cold’ રિપોર્ટમાં જણાવ્યું છે કે વિશ્વ અર્થવ્યવસ્થા ધીમે ધીમે મંદ ગતિના તબક્કામાં પ્રવેશી રહી છે. અહેવાલ અનુસાર 2026માં વૈશ્વિક વિકાસ દર 2.5 ટકા સુધી ઘટી શકે છે, જ્યારે 2027માં તેમાં થોડો સુધારો થઈ 2.8 ટકા સુધી પહોંચવાનો અંદાજ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે વેપાર અવરોધો, વિવિધ દેશો વચ્ચે વધતું આર્થિક તણાવ અને લાંબા સમયથી યથાવત રહેલી મોંઘવારી વૈશ્વિક આર્થિક પ્રવૃત્તિઓને અસર કરી રહી છે.
ભારતની અર્થવ્યવસ્થા પર કેવી અસર પડશે?
મૂડીઝના અહેવાલમાં જણાવાયું છે કે ભારત (India Economy)હજુ પણ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન જાળવી રાખશે. તેમ છતાં વૈશ્વિક માંગમાં ઘટાડો અને આંતરરાષ્ટ્રીય વેપારની અનિશ્ચિતતાને કારણે ભારતના વિકાસ દરમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે. ભારતના નિકાસ આધારિત ક્ષેત્રો, ઉત્પાદન ઉદ્યોગો અને વૈશ્વિક બજારો સાથે જોડાયેલા વ્યવસાયોને તેની અસર થઈ શકે છે. જોકે મજબૂત સ્થાનિક માંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ અને ડિજિટલ અર્થવ્યવસ્થાના કારણે ભારત અન્ય ઘણા દેશોની સરખામણીએ વધુ મજબૂત સ્થિતિમાં રહેવાની શક્યતા છે.
AI વૈશ્વિક અર્થવ્યવસ્થાને આપશે ટેકો
રિપોર્ટમાં સૌથી સકારાત્મક પાસું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં વધી રહેલા રોકાણને ગણાવવામાં આવ્યું છે. મૂડીઝના જણાવ્યા મુજબ AIમાં થઈ રહેલા મોટા રોકાણ (AI Investment)ને કારણે વૈશ્વિક મંદીની અસર નોંધપાત્ર રીતે ઓછી થઈ છે. AIના વધતા ઉપયોગને કારણે સેમિકન્ડક્ટર ઉત્પાદન, ડેટા સેન્ટર, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને હાઈ-પરફોર્મન્સ કમ્પ્યુટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ ઝડપથી વધી રહ્યું છે. ખાસ કરીને એશિયાની ટેક્નોલોજી આધારિત અર્થવ્યવસ્થાઓને તેનો સીધો લાભ મળી રહ્યો છે. જોકે મૂડીઝે એ પણ સ્પષ્ટ કર્યું છે કે AIનો લાભ દરેક દેશને સમાન રીતે મળતો નથી. ટેક્નોલોજી ક્ષેત્ર સાથે જોડાયેલા દેશો વધુ ઝડપથી આગળ વધી રહ્યા છે, જ્યારે ઊંચી ઊર્જા કિંમત અને ઓછી માંગનો સામનો કરતા દેશો પાછળ રહી રહ્યા છે.
મધ્ય પૂર્વનો સંઘર્ષ અને મોંઘવારી વધવાનો ખતરો
અહેવાલમાં મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે મહત્વનો જોખમ ગણાવવામાં આવ્યો છે. આ સંઘર્ષને કારણે કાચા તેલ, ઊર્જા અને ખાદ્યપદાર્થોની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે, જેના કારણે વિશ્વભરમાં મોંઘવારીનું દબાણ વધી રહ્યું છે. આ ઉપરાંત અમેરિકાની ટેરિફ નીતિ અંગેની અનિશ્ચિતતા અને ફરી વધતા વેપાર તણાવને કારણે વૈશ્વિક વેપાર પર પણ નકારાત્મક અસર પડી શકે છે. આ પરિસ્થિતિમાં વિશ્વભરના કેન્દ્રીય બેંકો માટે વ્યાજદર અને નાણાકીય નીતિ અંગે યોગ્ય નિર્ણય લેવો વધુ મુશ્કેલ બનશે.
અમેરિકા, ચીન, IMF અને વર્લ્ડ બેંકના અંદાજ
મૂડીઝ એનાલિટિક્સે અમેરિકાની અર્થવ્યવસ્થાનો વિકાસ દર 2026 અને 2027 દરમિયાન સરેરાશ 2 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. બીજી તરફ ચીનનો વિકાસ દર ચાલુ વર્ષે લગભગ 4.6 ટકા અને આગામી વર્ષે 4.2 ટકા સુધી ઘટી શકે છે. અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થા મધ્યમ ગાળામાં 3 ટકાથી વધુ વૃદ્ધિ નોંધાવવાની ક્ષમતાથી નીચે જ રહેશે.
તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)એ પણ 2026 માટે વૈશ્વિક વિકાસ દરનો અંદાજ 3.1 ટકાથી ઘટાડીને 3 ટકા કર્યો હતો. જ્યારે વર્લ્ડ બેંકએ 2026 માટેનો વિકાસ દર 2.5 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. બંને સંસ્થાઓએ વધતી ઊર્જા કિંમતો, ભૂ-રાજકીય સંઘર્ષ અને વૈશ્વિક વેપારની અનિશ્ચિતતાને મુખ્ય કારણ ગણાવ્યાં છે.
આ પણ વાંચો: એપ્રિલમાં GST કલેક્શને તોડ્યા તમામ રેકોર્ડ, ₹2.43 લાખ કરોડ સાથે ભારતની અર્થવ્યવસ્થામાં જોરદાર તેજી
આ પણ વાંચો: ભારતમાં વધી શકે મોંઘવારી: પશ્ચિમ એશિયા સંકટથી અર્થવ્યવસ્થાને મોટો ઝટકો
આ પણ વાંચો: નાણાકીય વર્ષ 2026માં ભારતની અર્થવ્યવસ્થા 7.4%ની મજબૂત વૃદ્ધિ તરફ
