National News/ 10 અને 20 રૂપિયાની નોટો હવે પ્લાસ્ટિકની બનશે? RBIની મોટી તૈયારી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ફરી એકવાર પોલિમર એટલે કે પ્લાસ્ટિક નોટો (Plastic Notes)ના પ્રોજેક્ટને આગળ વધારવાની તૈયારીમાં હોવાનું સામે આવ્યું છે

Top Stories India
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ફરી એકવાર પોલિમર એટલે કે પ્લાસ્ટિક નોટો (Plastic Notes)ના પ્રોજેક્ટને આગળ વધારવાની તૈયારીમાં હોવાનું સામે આવ્યું છે

National News : ભારતમાં ડિજિટલ પેમેન્ટનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે, છતાં રોકડ વ્યવહારોનું મહત્વ હજુ પણ યથાવત્ છે. દરરોજ લાખો લોકો નાના વ્યવહારો માટે 10 અને 20 રૂપિયાની નોટોનો ઉપયોગ કરે છે. આવી નોટો ઝડપથી ફાટી જવી, ગંદી થઈ જવી અથવા ખરાબ થઈ જવી સામાન્ય બાબત છે. હવે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ફરી એકવાર પોલિમર એટલે કે પ્લાસ્ટિક નોટો (Plastic Notes)ના પ્રોજેક્ટને આગળ વધારવાની તૈયારીમાં હોવાનું સામે આવ્યું છે.

પ્લાસ્ટિક નોટો (Plastic Notes)ના પ્રોજેક્ટને આગળ વધારવાની તૈયારી

RBIની નોટ પ્રિન્ટિંગ કંપની ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડ (BRBNMPL) દ્વારા પોલિમર શીટ્સના ઉત્પાદન અને સપ્લાય માટે વૈશ્વિક સ્તરે રસ દર્શાવવા (EOI) આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પગલું દર્શાવે છે કે પોલિમર નોટોના પ્રોજેક્ટ પર ફરી ગંભીરતાથી કામ શરૂ થયું છે.

શું છે પોલિમર નોટ?

પોલિમર નોટ (Polymer Notes)સામાન્ય પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવતી નથી. તે ખાસ પ્રકારની મજબૂત પોલિમર ફિલ્મ પર છાપવામાં આવે છે. આ ફિલ્મ પર ખાસ કોટિંગ કરવામાં આવે છે જેથી પ્રિન્ટિંગ સરળ બને.

આ નોટોની સૌથી મહત્વની ઓળખ તેની પારદર્શક વિન્ડો અને અદ્યતન સુરક્ષા સુવિધાઓ છે, જેના કારણે નકલી નોટ બનાવવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે.

સૌથી પહેલા 10 અને 20 રૂપિયાની નોટો બદલાઈ શકે

નાણાકીય નિષ્ણાતોના મતે જો પાયલોટ પ્રોજેક્ટને મંજૂરી મળે તો સૌથી પહેલા 10 અને 20 રૂપિયાની નોટો પોલિમર સામગ્રીમાં છાપવામાં આવી શકે છે.

તેનું મુખ્ય કારણ એ છે કે આ બંને મૂલ્યની નોટો દેશમાં સૌથી વધુ ચલણમાં રહે છે અને સૌથી ઝડપથી ખરાબ પણ થઈ જાય છે.

RBI હજુ અંતિમ નિર્ણય પર પહોંચી નથી

RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ 5 જૂન, 2026ના રોજ સ્પષ્ટ કર્યું હતું કે પોલિમર નોટ (Polymer Notes)અંગેનો પ્રસ્તાવ હજુ વિચારાધીન છે. કેન્દ્રીય બેંક હાલમાં તેના તમામ ફાયદા અને ગેરફાયદાનું મૂલ્યાંકન કરી રહી છે. એટલે કે હાલ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

14 વર્ષ જૂનો છે પોલિમર નોટનો પ્રોજેક્ટ

ભારતમાં પોલિમર નોટનો વિચાર નવો નથી.

  • 2009માં પ્રથમ વખત ચર્ચા શરૂ થઈ.
  • 2012માં 10 રૂપિયાની પોલિમર નોટોના ટ્રાયલને મંજૂરી મળી.
  • 2014માં વિવિધ શહેરોમાં ફિલ્ડ ટેસ્ટ કરવાની યોજના તૈયાર થઈ.
  • 2016માં સામગ્રી ખરીદવાની પ્રક્રિયા શરૂ થઈ હતી, પરંતુ ટેક્નિકલ અને કામગીરી સંબંધિત કારણોસર સમગ્ર યોજના અટકી ગઈ.

હવે લગભગ 14 વર્ષ બાદ ફરી એકવાર આ પ્રોજેક્ટને નવી ગતિ મળતી જોવા મળી રહી છે.

ફરી કેમ વધી રહી છે પોલિમર નોટોની જરૂરિયાત?

દેશમાં ડિજિટલ પેમેન્ટ વધી રહ્યું હોવા છતાં રોકડની માંગ સતત વધી રહી છે મે 2026 સુધીમાં દેશમાં ચલણમાં રહેલી રોકડનો આંકડો લગભગ ₹42.86 લાખ કરોડ સુધી પહોંચી ગયો હતો દર વર્ષે કરોડો ફાટેલી અને ખરાબ થયેલી નોટો ચલણમાંથી બહાર કાઢવી પડે છે. માત્ર 2024-25 દરમિયાન જ અંદાજે 23.8 અબજ નોટો નષ્ટ કરવામાં આવી હતી. નવી નોટો છાપવા પાછળ પણ હજારો કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.

આવા સંજોગોમાં લાંબા સમય સુધી ટકી રહેતી પોલિમર નોટો ખર્ચ ઘટાડવામાં મદદરૂપ બની શકે છે.

પોલિમર નોટોના મોટા ફાયદા

પોલિમર નોટો સામાન્ય કાગળની નોટોની સરખામણીએ અનેક રીતે વધુ અસરકારક માનવામાં આવે છે.

  • કાગળની નોટ કરતાં અઢીથી ચાર ગણી વધુ ટકાઉ
  • પાણીથી સહેલાઈથી ખરાબ થતી નથી
  • સરળતાથી ફાટતી નથી
  • ગંદકી ઓછી લાગે છે
  • બેક્ટેરિયા ટકી રહેવાની શક્યતા ઓછી
  • અદ્યતન સુરક્ષા સુવિધાના કારણે નકલી બનાવવી મુશ્કેલ

પરંતુ કેટલાક પડકારો પણ છે

પોલિમર નોટો (Polymer Notes)નું ઉત્પાદન શરૂઆતમાં ખર્ચાળ સાબિત થઈ શકે છે કારણ કે ખાસ પોલિમર સામગ્રી આયાત કરવી પડી શકે છે.

આ ઉપરાંત સમગ્ર દેશમાં ATM, કેશ સોર્ટિંગ મશીન અને નોટ ગણતરી મશીનમાં જરૂરી ફેરફાર કરવો પડશે.

ભારત જેવા ગરમ હવામાન ધરાવતા દેશમાં વધુ તાપમાનની અસર પણ એક મહત્વનો મુદ્દો બની શકે છે. કેટલાક દેશોમાં પોલિમર નોટો એકબીજા સાથે ચોંટી જવાની અને વાળી દેતાં કાયમી કરચલીઓ પડવાની ફરિયાદો પણ નોંધાઈ છે.

વિશ્વના અનેક દેશોમાં સફળ છે પોલિમર નોટો

ઓસ્ટ્રેલિયાએ વર્ષ 1988માં સૌપ્રથમ પોલિમર નોટો (Polymer Notes)રજૂ કરી હતી. ત્યારબાદ કેનેડા, બ્રિટન, ન્યૂઝીલેન્ડ, સિંગાપોર, મલેશિયા, વિયેતનામ, બ્રુનેઈ સહિત 40થી વધુ દેશોએ આ પ્રકારની નોટોને અપનાવી છે. આ દેશોના અનુભવ મુજબ શરૂઆતમાં ખર્ચ વધુ હોવા છતાં લાંબા ગાળે પોલિમર નોટો વધુ ટકાઉ અને આર્થિક રીતે ફાયદાકારક સાબિત થઈ છે.

હવે આગળ શું?

હાલમાં જાહેર કરાયેલ EOI માત્ર પ્રાથમિક પ્રક્રિયા છે. આગામી તબક્કામાં ટેન્ડર પ્રક્રિયા, ટેક્નિકલ ચકાસણી, સુરક્ષા પરીક્ષણ, નમૂના પરીક્ષણ અને પાયલોટ પ્રિન્ટિંગ જેવી પ્રક્રિયાઓ પૂર્ણ થશે.

જો તમામ તબક્કા સફળ રહેશે તો સૌથી પહેલા નાના મૂલ્યની પોલિમર નોટો બજારમાં આવી શકે છે. શરૂઆતના સમયગાળામાં કાગળ અને પોલિમર બંને પ્રકારની નોટો સાથે ચલણમાં રહેશે.

અત્યાર સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ લગભગ 14 વર્ષથી અટકેલો પોલિમર નોટ પ્રોજેક્ટ હવે ફરી ગંભીરતાથી આગળ વધી રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.


આ પણ વાંચો : માત્ર 500 રૂપિયામાં મળશે હજારોની કરન્સી, આ આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળો તમારા ખિસ્સાને બિલકુલ નહીં નડે

આ પણ વાંચો : અમેરિકી કરન્સીના 165 વર્ષના ઇતિહાસમાં મોટું પરિવર્તન: ડોલર પર જોવા મળશે ટ્રમ્પના હસ્તાક્ષર

આ પણ વાંચો : અમદાવાદમાં RBI કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડની ચોરી: બેંક ઓફ બરોડાનો કર્મચારી ઝડપાયો