Ahmedabad Rathyatra 2026: અમદાવાદમાં અષાઢી બીજના પવિત્ર પર્વે યોજાનારી 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને શહેર પોલીસ દ્વારા અભૂતપૂર્વ (Ahmedabad Rath Yatra 2026) સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે (CP Anupam Singh Gehlot) પ્રેસ કોન્ફરન્સમાં રથયાત્રાના મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ, સુરક્ષા આયોજન અને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ અંગે વિગતવાર માહિતી આપી હતી. આ વર્ષે સમગ્ર આયોજન “ઝીરો રિસ્ક પોલિસી”ને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે મંગળા આરતી
પોલીસ કમિશનરે જણાવ્યું કે અષાઢી બીજની (Ahmedabad Rath Yatra 2026) વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah Mangla Aarti) ભગવાન જગન્નાથજીની મંગળા આરતીમાં હાજરી આપશે. આરતી દરમિયાન ભક્તોને સરળતાથી દર્શન મળી રહે તે માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. રથયાત્રા સવારે લગભગ 7 વાગ્યે પ્રસ્થાન કરશે અને રાત્રે અંદાજે 8:30 વાગ્યા સુધીમાં નિર્ધારિત રૂટ પૂર્ણ કરશે.
30 હજારથી વધુ પોલીસ જવાનો રહેશે તૈનાત: CP અનુપમસિંહ ગેહલોત

રથયાત્રા દરમિયાન શહેરભરમાં અંદાજે 30 હજાર પોલીસ (Ahmedabad Police) કર્મચારીઓ (Ahmedabad Rath Yatra 2026) અને અધિકારીઓ સુરક્ષા બંદોબસ્તમાં જોડાશે. વિવિધ પોલીસ દળો ઉપરાંત ATS, ક્રાઈમ બ્રાન્ચ, SOG અને સ્થાનિક પોલીસ વચ્ચે સતત સંકલન રહેશે. કોઈપણ અનિચ્છનીય ઘટના સામે તાત્કાલિક કાર્યવાહી માટે વિશેષ ટીમો પણ તૈયાર રાખવામાં આવી છે.
“AI ટેક્નોલોજી, 3600 CCTV અને 100 ડ્રોનથી દેખરેખ”

આ વર્ષે સુરક્ષા વ્યવસ્થામાં આધુનિક ટેક્નોલોજીનો વિશાળ ઉપયોગ કરવામાં આવશે.સમગ્ર રૂટ પર 3600થી વધુ CCTV કેમેરાથી સતત લાઈવ મોનિટરિંગ થશે.આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત સિસ્ટમ દ્વારા શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે.આશરે 100 ડ્રોન કેમેરા હવાઈ દેખરેખ રાખશે. કોઈ અનધિકૃત ડ્રોન(AI Surveillance) ઉડાડવામાં આવે તો તેને રોકવા માટે એન્ટી-ડ્રોન સિસ્ટમ પણ કાર્યરત રહેશે.
“65 હજાર ગુનેગારોનો ડેટાબેઝ તૈયાર”
પોકેટમારી, ચોરી અથવા અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસે આશરે 65 હજાર જેટલા ગુનેગારોનો ડેટાબેઝ તૈયાર કર્યો છે. સાયબર ક્રાઈમ સેલ સોશિયલ મીડિયા પર સતત નજર રાખશે અને અફવા ફેલાવનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
ગજરાજોની સુરક્ષા માટે ખાસ આયોજન

આ વર્ષે રથયાત્રામાં જોડાનારા 18 ગજરાજો માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.દરેક હાથી પર જાયરોસ્કોપ સિસ્ટમ લગાવવામાં આવી છે, જેથી તેમની હિલચાલ પર સતત નજર રાખી શકાય. ગજરાજોની આગળ વિશેષ સુરક્ષા સ્ક્વોડ, ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને પશુચિકિત્સકોની પેનલ સાથે રહેશે.
GPSથી દરેક રથનું લાઈવ મોનિટરિંગ, રૂટ પર 250થી વધુ સુરક્ષા પોઈન્ટ

રથયાત્રામાં જોડાનારા મુખ્ય રથો અને મહત્વના વાહનોમાં GPS ટ્રેકિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. કંટ્રોલ રૂમમાંથી દરેક વાહનની સ્થિતિ અને ગતિ પર સતત નજર રાખવામાં આવશે.રથયાત્રાના સમગ્ર માર્ગ પર 250થી વધુ ડીપ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. સંવેદનશીલ વિસ્તારો, ઊંચી ઇમારતો અને ધાબાઓ પર પોલીસ જવાનો તૈનાત રહેશે. મૂવિંગ બંદોબસ્તની જવાબદારી ક્રાઈમ બ્રાન્ચ સંભાળશે.
5000 લોકો સામે અટકાયતી પગલાં
રથયાત્રા પહેલાં પોલીસે વિવિધ વિસ્તારોમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી તેજ કરી છે.આશરે 90 જેટલા અસામાજિક તત્વો સામે PASA સહિતની કાર્યવાહી કરવામાં આવી છે. 5000થી વધુ લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. કોઈ નકારાત્મક ઇનપુટ ન હોવા છતાં 1000 જેટલા કમાન્ડો અને રિઝર્વ ફોર્સ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.
નાગરિકોને પોલીસની અપીલ
પોલીસ કમિશનરે નાગરિકોને અપીલ કરી છે કે રથયાત્રા દરમિયાન ધક્કામુક્કી ન કરે, નાના બાળકોનું ખાસ ધ્યાન રાખે, ટ્રાફિક નિયમોનું પાલન કરે અને સોશિયલ મીડિયા પર કોઈપણ અફવા ફેલાવે નહીં. કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ નજરે પડે તો તરત જ પોલીસને જાણ કરવાની પણ અપીલ કરવામાં આવી છે.149મી ભગવાન જગન્નાથ રથયાત્રાને શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા માટે અમદાવાદ પોલીસ, વિવિધ સુરક્ષા એજન્સીઓ અને વહીવટી તંત્ર દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. આધુનિક ટેક્નોલોજી અને કડક સુરક્ષા વ્યવસ્થાના કારણે આ વર્ષની રથયાત્રા વધુ સુરક્ષિત રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં રથયાત્રા પૂર્વે મુસ્લિમ સમાજે અર્પણ કર્યો એકતા રથ, ભાઈચારાનો આપ્યો સંદેશ
આ પણ વાંચો: અમદાવાદ રથયાત્રા 2026: CM ભૂપેન્દ્ર પટેલે સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરી
