New Delhi: યૌન ગુનાઓના કેસોમાં પીડિતાઓ પ્રત્યે વધુ સંવેદનશીલ અને કાયદા આધારિત અભિગમ અપનાવવામાં આવે તે માટે સુપ્રીમ કોર્ટે (Supreme Court) મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે નેશનલ જ્યુડિશિયલ એકેડમી (NJA) દ્વારા તૈયાર કરાયેલી વિશેષ માર્ગદર્શિકાઓને મંજૂરી આપી છે અને દેશની તમામ હાઈકોર્ટ, જિલ્લા અદાલતો, કાયદા વિભાગો તેમજ પોલીસ તંત્ર સુધી તેને પહોંચાડવાનો આદેશ કર્યો છે. આ નિર્ણય ચીફ જસ્ટિસ સૂર્ય કાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનની ખંડપીઠ દ્વારા આપવામાં આવ્યો છે.
અલ્લાહાબાદ અને પટણા હાઈકોર્ટના ચુકાદા કેમ ચર્ચામાં આવ્યા?
આ સમગ્ર મામલો બે અલગ-અલગ હાઈકોર્ટના ચુકાદાઓ બાદ ચર્ચામાં આવ્યો હતો. અલ્લાહાબાદ હાઈકોર્ટે (Allahabad High Court) એક કેસમાં અવલોકન કર્યું હતું કે સગીરાની સલવારનું નાડું ખોલવાનો પ્રયાસ કરવો અથવા શરીરના ખાનગી અંગો સાથે અયોગ્ય સ્પર્શ કરવો માત્ર દુષ્કર્મની “તૈયારી” ગણાય, “દુષ્કર્મનો પ્રયાસ” નહીં.
તે જ રીતે, પટણા હાઈકોર્ટે (Patna High Court) પણ એક કેસમાં દુષ્કર્મના પ્રયાસ સંબંધિત આરોપ હેઠળની સજા રદ કરી હતી. આ બંને ચુકાદાઓ સામે કાયદાકીય વર્તુળોમાં વ્યાપક ચર્ચા શરૂ થઈ હતી, ત્યારબાદ સુપ્રીમ કોર્ટે મામલે સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.
Supreme Courtએ શું સ્પષ્ટ કર્યું?
સુપ્રીમ કોર્ટે (Supreme Court) જણાવ્યું કે દુષ્કર્મની “તૈયારી” અને “પ્રયાસ” વચ્ચેનો તફાવત ખૂબ જ સીમિત છે. જો કોઈ વ્યક્તિ યૌન હુમલો કરવાની દિશામાં સ્પષ્ટ અને સીધાં પગલાં ભરે, તો તે માત્ર તૈયારી નહીં પરંતુ દુષ્કર્મનો પ્રયાસ ગણાય.અદાલતે બંને હાઈકોર્ટના અભિપ્રાયને કાયદાકીય રીતે ખોટો ગણાવી સંબંધિત આરોપો અને કાર્યવાહી પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય કર્યો.
ચુકાદાની ભાષા અંગે પણ ચિંતા
સુપ્રીમ કોર્ટે (Supreme Court) જણાવ્યું કે યૌન ગુનાના કેસોમાં ચુકાદા લખતી વખતે ન્યાયાધીશોએ અત્યંત સંવેદનશીલ અને સન્માનજનક ભાષાનો ઉપયોગ કરવો જોઈએ.આ માટે નેશનલ જ્યુડિશિયલ એકેડમીને વિશેષ માર્ગદર્શિકાઓ તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી, જેને હવે અદાલતે મંજૂરી આપી છે.
પોલીસ અને પ્રોસિક્યુશન માટે પણ માર્ગદર્શિકા
સુપ્રીમ કોર્ટે રાજ્યના ડિરેક્ટોરેટ ઓફ પ્રોસિક્યુશન તેમજ પોલીસ વિભાગોને પણ આ માર્ગદર્શિકાઓ અમલમાં મૂકવા જણાવ્યું છે.સાથે જ પોલીસ કર્મચારીઓને વિશેષ તાલીમ આપવાની ભલામણ કરવામાં આવી છે, જેથી યૌન ગુનાઓના કેસોમાં ફરિયાદ નોંધવાથી લઈને તપાસ અને ચાર્જશીટ સુધી પીડિતાના અધિકારો અને ગૌરવનું સંપૂર્ણ રક્ષણ થઈ શકે.
નિર્ણયને મળ્યો આવકાર
બાળ અધિકારો માટે કાર્યરત સંસ્થાઓ, કાનૂની નિષ્ણાતો અને અનેક વકીલોએ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમના મતે, આ ચુકાદાથી યૌન ગુનાઓના કેસોમાં કાયદાનું વધુ સ્પષ્ટ અર્થઘટન થશે અને પીડિતોને વધુ સંવેદનશીલ ન્યાયિક પ્રક્રિયા મળશે.
આ પણ વાંચો:બિસ્કિટની લાલચ આપી 7 વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ, ઈંટથી માથુ ફોડીને હત્યા કરી
આ પણ વાંચો:મેડિકલ રિપોર્ટ બતાવવા ગયેલી યુવતીને ડોકટરે પુછ્યા ગંદા સવાલ,દુષ્કર્મનો પ્રયાસ કર્યો, 2 વર્ષની સજા
આ પણ વાંચો:આણંદમાં સગીરા પર સામુહિક દુષ્કર્મનો પ્રયાસ
