Ahmedabad News: શહેરના સૌથી વ્યસ્ત માર્ગોમાં સામેલ એસજી હાઈવે પર દરરોજ (SG Highway Traffic) લાખો વાહનો પસાર થાય છે. ખાસ કરીને ઓફિસના સમય દરમિયાન પેલેડિયમ મોલ, કારગિલ ચાર રસ્તા અને આસપાસના વિસ્તારોમાં લાંબા ટ્રાફિક જામની સમસ્યા સામાન્ય બની ગઈ હતી. હવે આ સમસ્યાને કાયમી રીતે (Signal Free Junction Ahmedabad) હળવી બનાવવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. પેલેડિયમ જંક્શન પર સફળ સાબિત થયેલી ‘કેપ્સ્યૂલ ફોર્મ્યુલા’ (Capsule Formula) હવે કારગિલ ચાર રસ્તા પર પણ અમલમાં મૂકવામાં આવી રહી છે.
પેલેડિયમ જંક્શન પર મળેલી સફળતા બાદ લેવાયો નિર્ણય

આશરે 15 દિવસ પહેલાં એસજી હાઈવે પર આવેલા પેલેડિયમ મોલ ચાર રસ્તા પરથી ટ્રાફિક સિગ્નલ દૂર કરીને નવી ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મુકાઈ હતી. શરૂઆતમાં આ પ્રયોગ અંગે કેટલાક સવાલો ઊભા થયા હતા, પરંતુ થોડા જ દિવસોમાં તેના સકારાત્મક પરિણામો સામે આવ્યા. ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ પેલેડિયમ જંક્શન પરથી દરરોજ એક લાખથી વધુ વાહનો પસાર થાય છે. અગાઉ વાહનચાલકોને સરેરાશ બે મિનિટ સુધી સિગ્નલ પર ઊભા રહેવું પડતું હતું, જ્યારે નવી વ્યવસ્થા બાદ આ સમય ઘટીને અંદાજે એક મિનિટ થયો છે. તેના કારણે ટ્રાફિકનો પ્રવાહ સતત ચાલુ રહ્યો છે અને ઈંધણનો પણ નોંધપાત્ર બચાવ થયો છે.
હવે કારગિલ ચાર રસ્તા પણ બનશે સિગ્નલ ફ્રી

પેલેડિયમ જંક્શનની સફળતા બાદ હવે રોજના લગભગ 50 હજારથી વધુ વાહનો પસાર થતા કારગિલ ચાર રસ્તા પર પણ આ જ મોડલ અમલમાં મૂકવામાં આવી રહ્યું છે.AMC દ્વારા બ્રિજની નીચે નવા ડામર રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે તેમજ બેરિકેડિંગ સહિતની જરૂરી વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે. મંગળવારથી આ સ્થળે પ્રાયોગિક ધોરણે કેપ્સ્યૂલ ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે. જો પરિણામ સંતોષકારક રહેશે તો તેને કાયમી ધોરણે અમલમાં મૂકવામાં આવશે.
શું છે ‘કેપ્સ્યૂલ ફોર્મ્યુલા’?
આ ટ્રાફિક મોડલનો મુખ્ય હેતુ વાહનોને સિગ્નલ પર રોક્યા વગર સતત ગતિમાં રાખવાનો છે.નવી વ્યવસ્થા હેઠળ વાહનોને એકબીજાના રસ્તામાં આવવું પડતું નથી, જેના કારણે ટ્રાફિકનો પ્રવાહ અટકતો નથી અને અકસ્માતની શક્યતા પણ ઘટે છે.
સીધા જતા વાહનો માટે શું રહેશે વ્યવસ્થા?
જે વાહનચાલકોને સીધા આગળ જવું છે તેઓને કોઈપણ સિગ્નલ કે રોકાણ વગર સીધો માર્ગ મળશે. કેપ્સ્યૂલ ડિવાઇડરની બાજુથી વાહનો સરળતાથી પસાર થઈ શકશે, જેના કારણે ચાર રસ્તા પર ટ્રાફિક જામ સર્જાશે નહીં.
જમણી બાજુ વળનારા વાહનચાલકો માટે શું બદલાશે?
નવી વ્યવસ્થા મુજબ વાહનચાલકો સીધા જમણી તરફ વળી શકશે નહીં.તેમણે પહેલાં થોડું આગળ જઈને કેપ્સ્યૂલના અંતે બનાવેલા યુ-ટર્નનો ઉપયોગ કરવો પડશે અને ત્યારબાદ પોતાના માર્ગ પર પાછા જોડાવાનું રહેશે.આ પદ્ધતિના કારણે ચાર રસ્તા પર ક્રોસ ટ્રાફિક સંપૂર્ણપણે દૂર થઈ જશે.
ડાબી બાજુ વળતા વાહનોને મળશે સરળતા
ડાબી બાજુ જતાં વાહનો માટે કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી. ડાબી તરફ વળનારા વાહનો પહેલાની જેમ સતત આગળ વધી શકશે અને તેમને કોઈ વધારાના રોકાણનો સામનો કરવો પડશે નહીં.ટ્રાફિક વિભાગનું (Traffic Police) માનવું છે કે સિગ્નલ પર વાહનો ઊભા રહેવાના બદલે સતત ચાલતા રહે તો માત્ર સમય જ નહીં પરંતુ પેટ્રોલ અને ડીઝલની પણ મોટી બચત થાય છે. એન્જિન લાંબા સમય સુધી ચાલુ રાખવું પડતું નથી, જેના કારણે પ્રદૂષણમાં પણ ઘટાડો થાય છે. સાથે જ ટ્રાફિક પોલીસ પરનું દબાણ પણ ઓછું થાય છે.
દેશના અન્ય શહેરોમાં પણ સફળ રહ્યું છે આ મોડલ
- અમદાવાદ પહેલાં આ પ્રકારની સિગ્નલ ફ્રી ટ્રાફિક સિસ્ટમ દેશના અનેક શહેરોમાં સફળ રહી છે.
- કોટા: ઝાલાવાડ રોડ પર મુસાફરીનો સમય આશરે 20 ટકા ઘટ્યો.
- નોઈડા: એક્સપ્રેસ-વે પર પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામમાં નોંધપાત્ર ઘટાડો થયો.
- પુણે: અહમદનગર રોડ પર ફિનિક્સ મોલ નજીક ટ્રાફિકની સમસ્યા હળવી બની.
- હૈદરાબાદ: હાઈટેક સિટી વિસ્તારમાં રોજના 5થી 7 મિનિટનો સમય બચવા લાગ્યો.
- નાગપુર: મુખ્ય માર્ગો પર સિગ્નલ ઘટાડવાથી ટ્રાફિક વધુ સુવ્યવસ્થિત બન્યો.
અમદાવાદમાં ટ્રાફિક મેનેજમેન્ટ માટે નવી દિશા
શહેરમાં વાહનોની સંખ્યા સતત વધી રહી છે ત્યારે માત્ર નવા ફ્લાયઓવર અથવા રસ્તા બનાવવાથી જ સમસ્યાનો ઉકેલ શક્ય નથી. ટ્રાફિકના વૈજ્ઞાનિક સંચાલન માટે નવી ટેકનિક અને આયોજન જરૂરી બન્યું છે. પેલેડિયમ બાદ હવે કારગિલ ચાર રસ્તા પર શરૂ થતો આ પ્રયોગ સફળ રહેશે તો ભવિષ્યમાં એસજી હાઈવે ઉપરાંત શહેરના અન્ય વ્યસ્ત જંક્શન પર પણ આવી જ સિસ્ટમ અમલમાં મૂકવાની શક્યતા છે. જો આવું થાય તો અમદાવાદના લાખો વાહનચાલકોને રોજિંદા ટ્રાફિક જામમાંથી મોટી રાહત મળી શકે છે.
આ પણ વાંચો: અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનું વિભાજન, હવે પૂર્વ, પશ્ચિમ અને ગ્રામ્ય DEO અલગથી કામગીરી કરશે
આ પણ વાંચો: અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ : 2223 પાનાનો વિગતવાર ચુકાદો જાહેર
