બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને શર્વરી વાઘની હાઈ-વોલ્ટેજ એક્શનથી ભરપૂર ફિલ્મ ‘આલ્ફા’ (Alpha) સિનેમાઘરોમાં દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ રહી છે. રિલીઝના ત્રીજા સપ્તાહમાં પ્રવેશતાની સાથે જ ફિલ્મની કમાણીના ગ્રાફમાં મોટો કડાકો જોવા મળ્યો છે. શિવ રવૈલના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ત્રીજા શુક્રવારે બોક્સ ઓફિસ પર ફેંકાઈ ગઈ હતી અને ગુરુવારની સરખામણીએ શુક્રવારના કલેક્શનમાં 55 ટકા જેટલો જંગી ઘટાડો નોંધાયો હતો, જેના કારણે આ દિવસે ફિલ્મ માત્ર 25 લાખ રૂપિયા જ મેળવી શકી હતી.
કુલ કમાણી અને અંદાજિત આંકડા
અત્યાર સુધીમાં આ ફિલ્મે ભારતીય બજારમાંથી આશરે 53.70 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. સિનેમાઘરોમાં હવે આ ફિલ્મનો શો છેલ્લો શ્વાસ લઈ રહ્યો છે, જેને જોતા ટ્રેડ એનાલિસ્ટ્સનું માનવું છે કે આ ફિલ્મ ભારતમાં વધુમાં વધુ 56 કરોડ રૂપિયા સુધી જ પહોંચી શકશે. મોટા બજેટ સાથે બનેલી આ ફિલ્મને કારણે મેકર્સને આશરે 25 કરોડ રૂપિયાનું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.
શરૂઆતના દિવસો સિવાય સતત ઘટાડો
ફિલ્મે તેની રજૂઆતના પ્રથમ સપ્તાહમાં 45.25 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી, જે તેના કુલ કલેક્શનનો સૌથી મોટો હિસ્સો છે. ત્યારપછી બીજા શુક્રવારે ફિલ્મ 1.30 કરોડ પર આવી ગઈ અને ત્રીજા શુક્રવારે તો આ આંકડો સાવ તળિયે બેસી ગયો હતો. જો ફિલ્મે રિલીઝના પહેલા જ દિવસે 9 કરોડ રૂપિયાની સારી શરૂઆત ન કરી હોત, તો નિર્માતાઓની હાલત આનાથી પણ વધુ કફોડી થઈ ગઈ હોત. હિન્દી સિનેમા જગતમાં મહિલા કેન્દ્રિત એક્શન ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ નથી થતી, તે જૂની ધારણા આ ફિલ્મના ફ્લોપ થવાથી ફરી એકવાર સાચી સાબિત થઈ છે.
આ પણ વાંચે:પ્રભાસ અને અજય દેવગણ વચ્ચે ડિસેમ્બરમાં મહામુકાબલો; ‘ફૌજી’ અને ‘રેન્જર’ બોક્સ ઓફિસ પર ટકરાશે
