દેશમાં કાગળની નોટોના સ્થાને ટકાઉ પ્લાસ્ટિક (પોલિમર) કરન્સી નોટો દાખલ કરવા માટે ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ સત્તાવાર પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ચલણી નોટોના પ્રિન્ટિંગનું સંચાલન કરતા આરબીઆઈના સંબધિત વિભાગે મજબૂત સુરક્ષા ફીચર્સ ધરાવતી પોલિમર સબસ્ટ્રેટ શીટ્સ મેળવવા માટે વૈશ્વિક સ્તરે રસપ્રદ પત્રો અને બિડ (ટેન્ડર) મંત્રાવ્યા છે. આ માટે દેશ-વિદેશના એવા ઉત્પાદકો પાસેથી દરખાસ્તો મંગાવાઈ છે જેઓ બેન્કનોટ છાપવા માટેની ખાસ અપારદર્શક પોલિમર શીટ્સ બનાવી શકે.
એટીએમમાંથી નીકળશે પ્લાસ્ટિક નોટો, ટકાઉપણું વધશે
છેલ્લા દસકાથી ભારતમાં ચલણી નોટો ખાસ પ્રકારના પેપર પર છાપવામાં આવે છે. જોકે, કાગળની નોટો જલ્દી ખરાબ થઈ જતી હોવાથી આરબીઆઈ હવે લાંબો સમય ચાલે તેવી પ્લાસ્ટિક નોટો સર્ક્યુલેશનમાં લાવવા માંગે છે. આ નવી નોટો એટીએમ મશીનમાંથી પણ સરળતાથી ઉપાડી શકાશે. ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવા માટે શરત રાખવામાં આવી છે કે જે-તે કંપનીએ ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી દુનિયાની કોઈપણ સેન્ટ્રલ બેન્ક કે સત્તાવાર પ્રિન્ટિંગ પ્રેસને આવી પોલિમર શીટ્સ સપ્લાય કરેલી હોવી જોઈએ.
કાગળની નોટો પાછળ થતો હજારો કરોડનો ખર્ચ બચશે
ચલણની સતત વધતી માંગ અને પેપર કરન્સી પાછળ થતો જંગી ખર્ચ રોકવા માટે આ આયોજન કરાયું છે. નાણાકીય વર્ષ 2024-25માં નોટોના છાપકામ પાછળ 6,372.80 કરોડ રૂપિયાનો મોટો ખર્ચ થયો હતો. આ ઉપરાંત વર્ષ 2025માં 23.80 અબજ જેટલી ફાટેલી-તૂટેલી નોટોનો નિકાલ કરવો પડ્યો હતો, જેમાં સૌથી વધુ સંખ્યા 500 અને 100 રૂપિયાની નોટોની હતી. ઉલ્લેખનીય છે કે 31 માર્ચ 2026ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં દેશમાં કુલ ચલણ (કરન્સી ઇન સર્ક્યુલેશન) વધીને 41.47 ટ્રિલિયન રૂપિયા પર પહોંચી ગયું છે, જે ગયા વર્ષે 32.24 ટ્રિલિયન રૂપિયા હતું. ઓસ્ટ્રેલિયાએ 1988માં સૌપ્રથમ વાર આ પ્રયોગ કર્યો હતો અને આજે વિશ્વના આશરે 60 દેશો પ્લાસ્ટિક કરન્સીનો ઉપયોગ કરે છે.
આ પણ વાંચો:ચાલુ નાણાકીય વર્ષમાં LPG સબસિડી બિલ 1 લાખ કરોડને પાર થવાની આશંકા
આ પણ વાંચો:ભારતમાં મહિલા બેરોજગારી ચિંતાજનક સ્તરે, જૂનમાં આંકડો 15 મહિનાની ટોચે
આ પણ વાંચો:સતત 4 મહિનાની મજબૂતી બાદ મે માસમાં નેટ FDI નેગેટિવ ઝોનમાં; રોકાણકારોએ પાછા ખેંચ્યા નાણાં
