Morbi Ceramic Export Loss Iran Israel War: પશ્ચિમ એશિયામાં છેડાયેલા ઈરાન-ઇઝરાયેલ જંગની માઠી અસર હવે મોરબીના સિરામિક હબ પર જોવા મળી રહી છે. નિકાસ માટે મોકલેલા અંદાજે 1500 જેટલા કન્ટેનરો અધવચ્ચેથી પરત આવતા ઉદ્યોગકારોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ કટોકટીમાં કેન્દ્ર સરકારે એક્સપોર્ટર્સને મોટી રાહત આપતા ₹50 લાખ સુધીના વળતરની જાહેરાત કરી છે.

1,500 કન્ટેનરો પરત ફર્યા
મધ્ય-પૂર્વમાં વધતા તણાવને કારણે મુંદ્રા અને કંડલા પોર્ટ પરથી રવાના થયેલા મોરબીના અંદાજે 1500 કન્ટેનરો પરત આવ્યા છે. આ કન્ટેનરો પર શિપિંગ કંપનીઓએ 500 થી 3500 ડોલર સુધીનો વધારાનો સરચાર્જ અને લાખો રૂપિયાનો ડેમરેજ (દંડ) વસૂલ્યો છે. સ્થાનિક ઉદ્યોગકારોના મતે, આ તોતિંગ ખર્ચના પરિણામે દરેક કારખાનેદારને ₹૫ લાખથી લઈને ₹2 કરોડ સુધીનું સીધું આર્થિક નુકસાન થયું છે અને ઉદ્યોગને મોટો આર્થિક ફટકો પડ્યો છે.

કેન્દ્ર સરકારની ₹50 લાખની ‘સંજીવની’
આ ગંભીર સ્થિતિ અંગે કેપેકસીએલ (CAPEXIL) ના સિરામિક ડિવિઝનના ચેરમેન નિલેશ જેતપરિયાએ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને રજૂઆત કરી હતી. જેના પગલે ભારત સરકારે એક નોટિફિકેશન બહાર પાડીને અસરગ્રસ્ત એક્સપોર્ટરોને વધુમાં વધુ ₹50 લાખ સુધીનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી આર્થિક નુકસાન વેઠી રહેલા એકમોને મોટી આશા જાગી છે.
USA સહિતના દેશોનું એક્સપોર્ટ માર્કેટ જોખમમાં
યુદ્ધના કારણે માત્ર મિડલ ઈસ્ટ જ નહીં, પણ યુએસ (USA) અને અન્ય પશ્ચિમી દેશોમાં થતી નિકાસ પર પણ બ્રેક વાગી છે. મોરબી સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ કે.જી. કુંડારિયાના જણાવ્યા અનુસાર, શિપિંગ ભાડામાં અનેકગણો વધારો થયો છે. માર્કેટ ગુમાવવાનો ભય વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું કે, જો આ સ્થિતિ લાંબી ચાલશે તો મોરબીએ વૈશ્વિક માર્કેટ ગુમાવવાનો વારો આવી શકે છે, કારણ કે ઊંચા સરચાર્જને કારણે મોરબીની ટાઇલ્સ હવે મોંઘી થઈ રહી છે.

મોરબી ઉદ્યોગની વર્તમાન સ્થિતિ
ગેસના ઊંચા ભાવ અને નિકાસમાં અવરોધને કારણે હાલ અંદાજે ૪૫૦ જેટલા કારખાનાઓ બંધ છે. આ ઉપરાંત, કન્ટેનર દીઠ 500 થી 3500 ડોલરનો સરચાર્જ ઉદ્યોગ માટે વધારાનો બોજ બનીને તેની કમર તોડી રહ્યો છે. આવી કપરી સ્થિતિમાં, જો ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ લાંબુ ખેંચાશે, તો મોરબીના સિરામિક ઉદ્યોગ માટે વૈશ્વિક સ્તરે ચીન અને અન્ય દેશોની હરીફાઈ સામે ટકી રહેવું એક મોટો પડકાર બની રહેશે.
