World News: અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈએ અમેરિકાને આકરા શબ્દોમાં નિશાન બનાવ્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે અમેરિકાએ તાજેતરમાં થયેલા શાંતિ કરારનું ઉલ્લંઘન કરીને ફરી એકવાર પોતાની અવિશ્વસનીયતા સાબિત કરી છે. ખામેનેઈએ કહ્યું કે હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષરની કોઈ કિંમત રહી નથી. સાથે જ તેમણે ચેતવણી આપી કે જો અમેરિકી હુમલા ચાલુ રહેશે તો ઈરાન તેનો એવો જવાબ આપશે જે અમેરિકા ક્યારેય ભૂલી શકશે નહીં.
શાંતિ કરાર તૂટતા મોજતબા ખામેનેઈ (Mojtaba Khamenei)ના અમેરિકા સામે આકરો પ્રહાર
મોજતબા ખામેનેઈએ દેશને સંબોધતા સંદેશમાં કહ્યું કે અમેરિકા દ્વારા શાંતિ કરારનો ભંગ કરવામાં આવ્યો છે, જેના કારણે વિશ્વ સમક્ષ ફરી એકવાર અમેરિકા (US)નો વાસ્તવિક ચહેરો બહાર આવ્યો છે. તેમના જણાવ્યા મુજબ અમેરિકા વારંવાર પોતાના વચનો તોડે છે અને તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. તેમણે કહ્યું કે આ ઘટના એ વાતનો પુરાવો છે કે ટ્રમ્પ (Donald Trump)ના હસ્તાક્ષર હવે કોઈ વિશ્વસનીયતા ધરાવતા નથી. ઈરાનના મતે, કરારનું પાલન ન કરવું આંતરરાષ્ટ્રીય વિશ્વાસને ગંભીર રીતે અસર કરે છે.
‘હુમલા ચાલુ રહેશે તો કડક જવાબ મળશે’-ખામેનેઈ
ખામેનેઈએ અમેરિકાને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે જો યુદ્ધને વધુ ઉશ્કેરવાના પ્રયાસો કરવામાં આવશે અથવા અમેરિકી હુમલા ચાલુ રહેશે તો ઈરાન અને તેનો ‘રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ તેનો જોરદાર જવાબ આપશે. તેમણે કહ્યું કે અમેરિકાને એવો પાઠ ભણાવવામાં આવશે જેને તે લાંબા સમય સુધી યાદ રાખશે. તેમના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ઈરાન હાલમાં કોઈપણ પ્રકારના દબાણ સામે ઝૂકવાના મૂડમાં નથી.
18 જૂનના કરાર બાદ કેમ વધ્યો તણાવ?
અમેરિકા અને ઈરાન (Iran)વચ્ચે 18 જૂને થયેલા સમજૂતી કરાર હેઠળ બંને દેશોએ આગામી 60 દિવસમાં અંતિમ કરાર માટે ચર્ચા આગળ વધારવાની સંમતિ દર્શાવી હતી. આ કરાર પર ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હસ્તાક્ષર કર્યા હતા. પરંતુ તાજેતરના હુમલાઓ અને પરસ્પર આરોપો બાદ બંને દેશો વચ્ચે વિશ્વાસનું વાતાવરણ બગડ્યું છે. ઈરાનનું કહેવું છે કે અમેરિકા પોતે જ કરારની શરતોનું પાલન કરવામાં નિષ્ફળ ગયું છે.
