Vadodara News : વડોદરા (Vadodara)જિલ્લાના સાવલી તાલુકામાં થયેલી 66 વર્ષીય વૃદ્ધની હત્યા (Murder)કેસમાં પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. માત્ર દમણ અને સાપુતારા ફરવા જવા તેમજ નવા કપડાં અને બૂટ ખરીદવા માટે પૈસાની જરૂરિયાત હોવાથી 17 વર્ષીય સગીરે આ જઘન્ય ગુનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ, 17 જુલાઈના રોજ કરચીયા ગામની સીમમાંથી ઠાસરાના રહેવાસી રમણ રાઠોડિયા (66)નો મૃતદેહ મળી આવ્યો હતો. તેમના માથાના ભાગે ભારે અને તીક્ષ્ણ હથિયારથી હુમલો કરાયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
લોહીવાળી લાકડી બની મહત્વનો પુરાવો
ઘટનાસ્થળે કરવામાં આવેલી તપાસ દરમિયાન ઝાડીઓમાંથી લોહીના ડાઘવાળી લાકડી મળી આવી હતી. ટેકનિકલ પુરાવા અને અન્ય કડીઓના આધારે પોલીસે એક 17 વર્ષીય સગીરને શંકાના આધારે ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે ગુનો કબૂલી લીધો હતો.
બકરાં ચોરીનો બનાવ્યો પ્લાન
તપાસમાં જાણવા મળ્યું કે સગીરને ફરવા જવા માટે પૈસાની જરૂર હતી. પરિવાર તરફથી પૈસા ન મળતાં તેણે બે બકરાં ચોરી (Goat Theft)કરવાનો પ્લાન બનાવ્યો હતો. બકરાં ચરાવવા દરમિયાન તેણે સીમમાં એકલા રહેલા રમણભાઈ પર જીવલેણ હુમલો કરી તેમની હત્યા (Murder)કરી અને ત્યારબાદ તેમના બે બકરાં લઈ ગયો હતો.
બકરાં વેચીને ખરીદ્યાં નવા કપડાં અને બૂટ
આરોપીએ ચોરાયેલા બે બકરાં એક ખાટકીને ₹9,300માં વેચી દીધા હતા. આ રકમમાંથી તેણે નવા કપડાં અને બૂટ ખરીદ્યા અને બાદમાં દમણની સફર (Daman Trip)પણ કરી આવ્યો હતો.
પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો
સાવલી પોલીસે આરોપી સગીરની અટકાયત કરી છે. પોલીસે ઘટનાસ્થળેથી મળેલી લોહીવાળી લાકડી, બનાવ સમયે પહેરેલા લોહીના ડાઘવાળા કપડાં તેમજ ચોરીના પૈસાથી ખરીદેલા નવા કપડાં અને બૂટ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી સગીર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને બાલ સંરક્ષણ ગૃહમાં મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
