Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના સૈડીવાસણ ગામમાં આવેલી ઘટોલ ફળિયા પ્રાથમિક શાળા (Saidivasan Primary School)ની સ્થિતિ શિક્ષણ વ્યવસ્થાની ગંભીર વાસ્તવિકતા સામે લાવે છે. અહીં બાલવાટિકાથી ધોરણ-5 સુધીના આશરે 55 વિદ્યાર્થીઓ છેલ્લા ચાર વર્ષથી પાકા વર્ગખંડ વિના પતરાના શેડ નીચે અભ્યાસ કરી રહ્યા છે. શાળાના જૂના ઓરડા જર્જરિત હાલતમાં હોવાથી ચાર વર્ષ પહેલાં તોડી પાડવામાં આવ્યા હતા. ત્યારથી આજદિન સુધી નવા ઓરડાનું નિર્માણ થયું નથી, જેના કારણે બાળકોને કામચલાઉ વ્યવસ્થામાં ભણવું પડી રહ્યું છે.
ગ્રામજનોએ પોતાના ખર્ચે બનાવ્યો પતરાનો શેડ
શરૂઆતમાં વિદ્યાર્થીઓ વાંસ, લાકડા અને તાડપત્રીના આશ્રય હેઠળ અભ્યાસ કરતા હતા. બાદમાં ગામલોકોએ પોતાના ખર્ચે ભંડોળ એકત્ર કરીને પતરાનો શેડ તૈયાર કર્યો, જેથી બાળકોને ઓછામાં ઓછી છાંયડો મળી રહે.છતાં પણ શાળા (Saidivasan Primary School)માં એકપણ પાકો વર્ગખંડ ઉપલબ્ધ નથી અને સમગ્ર શિક્ષણ વ્યવસ્થા અસ્થાયી શેડમાં ચાલી રહી છે.

Saidivasan Primary School: ચોમાસામાં વધે છે મુશ્કેલી
વરસાદી મોસમ દરમિયાન શેડમાંથી પાણી ટપકતું હોવાથી વિદ્યાર્થીઓને એકમાત્ર બચેલી દીવાલનો આશરો લેવો પડે છે. ખુલ્લા શેડમાં અભ્યાસ કરવાને કારણે બાળકોને સાપ, અન્ય સરિસૃપો અને રખડતા કૂતરાઓનો પણ સતત ભય સતાવે છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, ઘણી વખત કૂતરાઓ ઝઘડતા-ઝઘડતા શાળા સુધી આવી પહોંચે છે, જેના કારણે બાળકોની સુરક્ષા અંગે પણ ચિંતા વધી રહી છે.
ચાર વર્ષથી રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી નહીં
ગ્રામજનોએ અનેક વખત સંબંધિત તંત્ર સમક્ષ નવા વર્ગખંડ બનાવવા માટે રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ હકારાત્મક પરિણામ મળ્યું નથી.સ્થાનિક આગેવાન ખુશાલ ભીલે જણાવ્યું કે, શાળા (Saidivasan Primary School)ના બે જૂના ઓરડા તોડી પાડવામાં આવ્યા બાદ નવા ઓરડા બનાવવામાં આવ્યા નથી.

વરસાદ દરમિયાન શેડમાં ચારે બાજુથી પાણી ટપકતું હોવાથી બાળકોને એક જગ્યાએ ઊભા રહેવાની ફરજ પડે છે.સ્થાનિક યુવક યોગેશ નાયકે જણાવ્યું કે છેલ્લા ચાર વર્ષથી તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે. ગ્રામજનોએ પોતે જ તાડપત્રીના બદલે પતરાનો શેડ તૈયાર કર્યો, છતાં શાળા (Saidivasan Primary School)ના કાયમી મકાન અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.
આચાર્યએ ભૌતિક સુવિધાની કરી માંગ
શાળાના આચાર્ય નિમિષાબેન ભાવસારે જણાવ્યું કે, હાલ શાળામાં બાલવાટિકાથી ધોરણ-5 સુધીના 55 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. નવા શૈક્ષણિક વર્ષમાં અન્ય શાળાઓની જેમ અહીંના વિદ્યાર્થીઓને પણ યોગ્ય વર્ગખંડ અને ભૌતિક સુવિધાઓ મળે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો:મહેમદાવાદમાં વરસાદી પાણીથી ખેડૂતોને મોટું નુકસાન, 1,000 વીઘા ડાંગરનો પાક પાણીમાં ગરકાવ
