Gujarat News/ રાજ્યમાં સાયબર આરોપીનો સામે સરકારની લાલ આંખ હવે e-Zero FIR નોંધાવી શકાશે, પોલીસ કરશે તાત્કાલિક કાર્યવાહી 

રાજ્ય સરકારે સાયબર ફ્રોડના નિવારણ માટે e-Zero FIR સેવા શરૂ કરી. હવે 1930 પર ફરિયાદ કરતાં જ ઘરબેઠાં FIR પ્રક્રિયા શરૂ થશે અને પોલીસ ઝડપથી કાર્યવાહી કરશે.

Gujarat Gandhinagar Breaking News
e-Zero FIR

Gujarat News: સાયબર ગુનાઓના સતત વધી રહેલા બનાવો વચ્ચે ગુજરાત સરકારે નાગરિકોની સુરક્ષા માટે વધુ એક મહત્વપૂર્ણ ડિજિટલ પહેલ શરૂ કરી છે. હવે સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડનો ભોગ બનેલા લોકોને પોલીસ સ્ટેશન સુધી ધક્કા ખાવાની જરૂર નહીં રહે. માત્ર 1930 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવતાં જ સિસ્ટમ આપોઆપ e-Zero FIR તૈયાર કરીને સંબંધિત પોલીસ સ્ટેશન સુધી પહોંચાડશે. આ નવી વ્યવસ્થાથી ફરિયાદની પ્રક્રિયા ઝડપી બનશે અને છેતરાયેલી રકમ સમયસર ફ્રીઝ કરાવીને પરત મેળવવાની શક્યતા પણ નોંધપાત્ર રીતે વધશે.

હવે ઘરે બેઠા સાયબર ક્રાઈમ માટે નોંધાવો 1930 હેલ્પલાઇનથી e-Zero FIR

સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ (Cyber Fraud) સામે અસરકારક કાર્યવાહી કરવા માટે ગુજરાત સરકારે રાજ્યવ્યાપી નવી e-Zero FIR સેવા શરૂ કરી છે. ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ સેવાનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને FIR નોંધાવવા માટે પોલીસ સ્ટેશન જવું પડતું હતું, જેના કારણે કિંમતી સમય વેડફાતો હતો. હવે માત્ર 1930 હેલ્પલાઇન (1930 Cyber Helpline)પર ફરિયાદ નોંધાવતાં જ સિસ્ટમ દ્વારા Zero FIR તૈયાર થશે અને તે સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવશે.

પોલીસ તાત્કાલીક કરશે કાર્યવાહી

નવી વ્યવસ્થા હેઠળ જ્યારે કોઈ નાગરિક સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ અંગે 1930 પર ફરિયાદ કરશે ત્યારે ફરિયાદની વિગતો સીધી જ કેન્દ્રીય સિસ્ટમમાં નોંધાશે. ત્યારબાદ સિસ્ટમ દ્વારા આપોઆપ e-Zero FIR જનરેટ થશે અને સંબંધિત પોલીસ સ્ટેશન સુધી પહોંચાડવામાં આવશે. આ પછી પોલીસ (Police)અધિકારીઓ ફરિયાદીનો સંપર્ક કરીને જરૂરી માહિતી મેળવશે, નિયમ મુજબ FIR નોંધશે અને તાત્કાલિક તપાસ શરૂ કરશે. ઝડપી કાર્યવાહી થવાથી છેતરાયેલી રકમ અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થાય તે પહેલાં જ તેને રોકી શકાય તેવી શક્યતા વધી જશે.

પ્રથમ કેસમાં જ પોલીસને મળી મોટી સફળતા

આ નવી વ્યવસ્થાની અસરકારકતાનું પ્રથમ ઉદાહરણ અમદાવાદના એક રહેવાસીના કેસમાં જોવા મળ્યું. ડિજિટલ અરેસ્ટના નામે તેઓ સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડનો ભોગ બન્યા હતા.  તેમણે રાજ્યની પ્રથમ e-Zero FIR નોંધાવી હતી. ફરિયાદ મળતા જ સાયબર ક્રાઇમ વિભાગે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી અને વિવિધ બેંકો તથા સંબંધિત એજન્સીઓ સાથે સંકલન કરીને રૂ. 15.76 લાખથી વધુની રકમ બચાવવામાં સફળતા મેળવી હતી. આ ઘટના દર્શાવે છે કે સમયસર ફરિયાદ નોંધાવવાથી આર્થિક નુકસાનને ઘણું ઓછું કરી શકાય છે.

I4C સાથે સંકલનથી વધુ મજબૂત બનશે સાયબર સુરક્ષા

સાયબર સેન્ટર ઓફ એક્સિલેન્સના આઈજીપી બિપિન આહીરે જણાવ્યું કે આ સમગ્ર વ્યવસ્થા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના Indian Cyber Crime Coordination Centre (I4C) સાથે સંકલન કરીને વિકસાવવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ટેક્નોલોજીના ઉપયોગથી નાગરિકોને ઝડપી અને પારદર્શક પોલીસ સેવા આપવાના સંકલ્પ સાથે આગળ વધી રહી છે. રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકે તમામ પોલીસ અધિકારીઓને આ નવી વ્યવસ્થાનો ગંભીરતા અને સંવેદનશીલતા સાથે અમલ કરવા તથા દરેક ફરિયાદીને સમયસર ન્યાય મળે તેની ખાતરી કરવા સૂચના આપી છે.

લોન્ચિંગ કાર્યક્રમમાં ગૃહ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર, રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિક, સાયબર ક્રાઇમ સેલના વરિષ્ઠ અધિકારીઓ તેમજ I4Cના CEO રાજેશ કુમાર સહિત રાજ્યભરના પોલીસ કમિશનરો, પોલીસ અધિક્ષકો અને અન્ય અધિકારીઓ GSWAN મારફતે વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા.

નવી સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ (Cyber Financial Fraud e-Zero FIR) વ્યવસ્થા રાજ્યમાં સાયબર ગુનાઓ સામેની લડતને વધુ મજબૂત બનાવશે. ખાસ કરીને ઓનલાઈન બેન્કિંગ, UPI, ડિજિટલ અરેસ્ટ, ફિશિંગ અને રોકાણના નામે થતી છેતરપિંડીના કેસોમાં ઝડપી કાર્યવાહી શક્ય બનશે. સરકારનો વિશ્વાસ છે કે આ ડિજિટલ પહેલથી નાગરિકોને વધુ સુરક્ષા મળશે અને સાયબર ગુનાઓ પર અસરકારક નિયંત્રણ લાવી શકાશે.


આ પણ વાંચો: માત્ર એક ઇ-મેઇલથી અમરેલી પોલીસે ફરિયાદ નોંધી કરી કાર્યવાહી, NRIને સાયબર ફ્રોડમાં ગુમાવેલી 11 લાખની રકમ પરત અપાવી

આ પણ વાંચો: સાયબર ક્રાઇમ સામે ગુજરાત સરકારનો માસ્ટર સ્ટ્રોક: હર્ષ સંઘવીએ બેંકો-પોલીસ સાથે યોજી હાઇ લેવલ બેઠક

આ પણ વાંચો: પાટણના ચાણસ્મામાં રૂ.7.16 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 33 સામે ગુનો; 20 આરોપીઓ ઝડપાયા