Ahmedabad News : અમદાવાદ જિલ્લાના ધોલેરા (Dholera)તાલુકાના વણિતળાવ ગામમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ (Bhogavo River Flood,)સતત વધી રહ્યો છે. નદીમાં આવેલા પૂર (Flood)થી ગામનો આસપાસના વિસ્તારો સાથેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે, જેના કારણે વણિતળાવ ગામ ટાપુ જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયું છે.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ગ્રામ્ય પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક પોલીસ અધિકારીઓ અને જવાનોને સ્થળ પર તહેનાત કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ, જિલ્લા પ્રશાસન અને NDRFની ટીમો સાથે સંકલન કરીને ગામમાં ફસાયેલા નાગરિકોને સલામત સ્થળે ખસેડવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કામગીરી ચલાવવામાં આવી રહી છે.

પ્રશાસન દ્વારા સમગ્ર બચાવ કામગીરી પર સતત નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈપણ પ્રકારની કટોકટી સર્જાય તો ત્વરિત પ્રતિસાદ આપી શકાય. બચાવ ટીમો દ્વારા ગામમાં જરૂરી સહાય અને સુરક્ષા વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.
આ તરફ ભોગાવો નદીનું પાણી આનંદપુર અને બુરાનપુર ગામ તરફ જતાં એપ્રોચ રોડ પર ફરી વળતાં પોલીસે આ માર્ગને સંપૂર્ણપણે બંધ કરી દીધો છે. માર્ગ પર જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવી સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈપણ વ્યક્તિ જોખમ લઈને પાણીમાંથી પસાર ન થાય.

અમદાવાદ ગ્રામ્ય પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે બંધ કરાયેલા રસ્તાઓનો ઉપયોગ ન કરે, નદી અથવા પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનો પ્રયાસ ન કરે અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખીને પોલીસ તથા જિલ્લા પ્રશાસનની સૂચનાઓનું પાલન કરે.
