India News: દેશની અગ્રણી સરકારી બેંકોમાંની એક બેંક ઓફ બરોડા (BoB Data Leak) સાથે સંકળાયેલા મોટા સાયબર હુમલાનો દાવો સામે આવ્યો છે. એક હેકરે બેંકના સિસ્ટમમાં ઘૂસણખોરી કરીને આશરે 1TB સંવેદનશીલ ડેટા ડાર્ક વેબ પર મફતમાં જાહેર કરી દીધો હોવાનો દાવો કર્યો છે. જોકે, આ સમગ્ર ઘટનાને લઈને બેંક ઓફ બરોડા, CERT-In અથવા RBI તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
BoB Data Leak: 1TB સંવેદનશીલ ડેટા લીક કરવાનો દાવો
રિપોર્ટ મુજબ, હેકરે બેંકના લાખો ગ્રાહકોના પર્સનલ અને કોર્પોરેટ બેન્કિંગ રેકોર્ડ્સ ડાર્ક વેબ (Dark Web) પર અપલોડ (BoB Data Breach) કર્યા હોવાનો દાવો કર્યો છે. લીક થયેલા ડેટામાં ગ્રાહકોના નામ, આધાર નંબર, સેવિંગ્સ અને કરન્ટ એકાઉન્ટની વિગતો, લોન સંબંધિત દસ્તાવેજો, નેટ બેન્કિંગ યુઝર્સની માહિતી, NRI અને કોર્પોરેટ બેન્કિંગ રેકોર્ડ્સ તેમજ કસ્ટમર સપોર્ટ અને બ્રાન્ચ સંબંધિત માહિતી સામેલ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

દાવાને સમર્થન આપવા સેમ્પલ દસ્તાવેજો શેર કરાયા
સાયબર સુરક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલા સોફ્ટવેર એન્જિનિયર અને CashlessConsumerના સ્થાપક શ્રીકાંત લક્ષ્મણનએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કેટલાક સેમ્પલ દસ્તાવેજો શેર કરીને જણાવ્યું હતું કે ડાર્ક વેબ પર ઉપલબ્ધ લિંક સક્રિય હતી. તેમના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં બેંકના આંતરિક દસ્તાવેજો, બ્રાન્ચ ઓડિટ, લોન એપ્રેઝલ ફાઇલો, આંતરિક સંચાર, વિજિલન્સ તપાસના દસ્તાવેજો અને વિવિધ શાખાઓના ગ્રાહકોની વિગતો જોવા મળી હતી.
TripleX હેકિંગ ગ્રુપ પર શંકા
શ્રીકાંત લક્ષ્મણનના જણાવ્યા અનુસાર, આ હુમલા પાછળ (TripleX Hacker Group) નામનું નવું હેકિંગ ગ્રુપ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દાવો છે કે આ ગ્રુપે સમગ્ર ડેટાસેટ Tor આધારિત ડાર્ક વેબ સાઇટ પર જાહેર કર્યો છે. આ જ ગ્રુપ અગાઉ ઇન્ડોનેશિયાની એક બેંક પર થયેલા સાયબર હુમલા સાથે પણ સંકળાયેલું હોવાનું કહેવાય છે.
બેંક કે સરકારી એજન્સીની સત્તાવાર પુષ્ટિ નથી
આ દાવાઓ વચ્ચે મહત્વની બાબત એ છે કે બેંક ઓફ બરોડા, ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) અથવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) તરફથી હજુ સુધી આ ડેટા લીક અંગે કોઈ સત્તાવાર નિવેદન કે પુષ્ટિ કરવામાં આવી નથી. તેથી હાલ આ ઘટનાને દાવા તરીકે જ જોવામાં આવી રહી છે.
સાયબર સુરક્ષા અંગે ફરી ચિંતા વધી
આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે દેશના બેન્કિંગ અને નાણાકીય ક્ષેત્રમાં સાયબર હુમલાના જોખમો સતત વધી રહ્યા છે. અગાઉ પણ કેટલાક થર્ડ-પાર્ટી ક્લાઉડ ડેટાબેસમાં બેન્કિંગ સંબંધિત રેકોર્ડ્સ ખુલ્લા પડ્યાના બનાવો સામે આવ્યા હતા. જો હાલનો દાવો સાચો સાબિત થાય, તો તે દેશના બેન્કિંગ ક્ષેત્ર માટે સૌથી મોટા ડેટા લીકમાંથી એક બની શકે છે.
આ પણ વાંચો: અમેરિકા-ઈરાન તણાવમાં રાહત બાદ શેરબજારમાં જોરદાર તેજી
આ પણ વાંચો: NEET પેપર લીક કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની પ્રથમ સુનાવણી અટકી, CBIના વકીલ હાજર ન રહેતા કાર્યવાહી ટળી
