Surat News : સોશિયલ મીડિયામાં સતત વિવાદોમાં રહેતી સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર(Social Media Influencer) કીર્તિ પટેલ (Kirti Patel)સામે મોટી કાર્યવાહી થઈ હોવાનું સામે આવ્યું છે. 1.3 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતા તેમના Instagram એકાઉન્ટ સહિત અન્ય કેટલાક એકાઉન્ટ્સ ભારતમાં પ્રતિબંધિત (બેન) કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જોકે, Meta તરફથી આ કાર્યવાહી અંગે સત્તાવાર જાહેર નિવેદન સામે આવ્યું નથી.
કીર્તિ પટેલ (Kirti Patel)સામે અગાઉથી હત્યાના પ્રયાસ, ખંડણી, ધાકધમકી, સોશિયલ મીડિયા મારફતે બદનામી સહિતના 10થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેઓ અનેક વખત કાયદાકીય વિવાદોમાં સપડાયા છે અને અગાઉ તેમની સામે પાસા (PASA) હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે.
પોલીસ ફરિયાદો બાદ કાર્યવાહી થયાની ચર્ચા

પોલીસ અને વહીવટી તંત્રના સૂત્રો મુજબ, સોશિયલ મીડિયા મારફતે સતત વિવાદાસ્પદ અને બદનામીજનક સામગ્રી પોસ્ટ કરવામાં આવતી હોવાના અનેક કેસોને આધારે Metaને સત્તાવાર રીતે રિપોર્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કંપનીએ ભારતમાં એકાઉન્ટ પ્રતિબંધિત કરવાનો નિર્ણય લીધો હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે, આ અંગે Meta દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
પુણા પોલીસ સ્ટેશનના વિવાદ બાદ ફરી ચર્ચામાં
તાજેતરમાં સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ કીર્તિ પટેલ (Kirti Patel)ફરી ચર્ચામાં આવ્યા હતા. ભાવનગરના બોરડા ગામના સરપંચના પતિ અને વેપારીએ સોશિયલ મીડિયા પર બદનામી અને ધમકી આપવાનો આરોપ લગાવી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ કીર્તિ પટેલે પોલીસ સ્ટેશન બહાર વિરોધ વ્યક્ત કર્યો હતો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
નવી ID બનાવી આપ્યો જવાબ

મુખ્ય Instagram એકાઉન્ટ બંધ થયા બાદ કીર્તિ પટેલે નવી ID બનાવી પોતાના વિરોધીઓ પર કટાક્ષ કર્યો હતો. તેમણે દાવો કર્યો કે તેઓ વિદેશી લોકેશન પરથી સોશિયલ મીડિયા ઉપયોગ કરી રહ્યા છે અને આ કાર્યવાહીથી તેઓ વધુ સક્રિય બનશે. તેમણે સોશિયલ મીડિયા પર સતત લાઈવ આવવાની અને વધુ સક્રિય રહેવાની પણ જાહેરાત કરી હતી.
અગાઉ PASA હેઠળ પણ કાર્યવાહી
સુરત પોલીસ અગાઉ પણ કીર્તિ પટેલ સામે કડક કાર્યવાહી કરી ચૂકી છે. પોલીસના જણાવ્યા મુજબ, ગુનાહિત ધમકી, ખંડણી અને સોશિયલ મીડિયાના દુરુપયોગ જેવા કેસોમાં વારંવાર સંડોવણીને કારણે તેમની સામે પાસા હેઠળ અટકાયતી કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસનું માનવું હતું કે તેઓ સમાજની શાંતિ અને કાયદો-વ્યવસ્થા માટે જોખમરૂપ બની રહ્યા હતા.
