Sports News : ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકા સામેની આગામી બે મેચની ટેસ્ટ શ્રેણી માટે પોતાની ટીમ જાહેર કરી છે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27ના મહત્વપૂર્ણ તબક્કામાં રમાનારી આ શ્રેણી માટે શુભમન ગિલને ટીમની કમાન સોંપવામાં આવી છે, જ્યારે કેએલ રાહુલને ઉપ-કપ્તાન બનાવવામાં આવ્યા છે.આ ટીમની સૌથી મોટી ચર્ચા 33 વર્ષીય ઓલરાઉન્ડર સરાંશ જૈન (Saransh Jain)ની પ્રથમ ટેસ્ટ પસંદગીને લઈને થઈ રહી છે. ઘરેલુ ક્રિકેટમાં વર્ષો સુધી સતત સારું પ્રદર્શન કર્યા બાદ આખરે તેમને ટીમ ઈન્ડિયાની સફેદ જર્સી પહેરવાની તક મળી છે.
વોશિંગ્ટન સુંદરના સ્થાને તક
સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર હેમસ્ટ્રિંગ ઈજાના કારણે પ્રથમ ટેસ્ટમાંથી બહાર રહેવાના હોવાથી પસંદગી સમિતિએ સરાંશ જૈન (Saransh Jain)ને ટીમમાં સામેલ કર્યા છે. લાંબા સમયથી ઘરેલુ ક્રિકેટમાં સતત પ્રદર્શન કરનાર સરાંશ માટે આ પસંદગી તેમની મહેનતનું ફળ માનવામાં આવી રહી છે.
કોણ છે સરાંશ જૈન?

સરાંશ જૈન મધ્યપ્રદેશના ઈન્દોરના રહેવાસી છે. તેમનો જન્મ 31 માર્ચ, 1993ના રોજ થયો હતો. તેઓ ડાબા હાથથી બેટિંગ કરે છે અને જમણા હાથથી ઓફ-સ્પિન બોલિંગ કરે છે. તેઓ મધ્યપ્રદેશ ઉપરાંત સેન્ટ્રલ ઝોન, ઇન્ડિયા-A, ઇન્ડિયા-D અને રેસ્ટ ઓફ ઇન્ડિયા જેવી ટીમોનું પણ પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.
ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન
સરાંશ જૈન (Saransh Jain)નો ફર્સ્ટ ક્લાસ રેકોર્ડ તેમને એક વિશ્વસનીય ઓલરાઉન્ડર તરીકે ઓળખ આપે છે.
- ફર્સ્ટ ક્લાસ: 54 મેચ, 2,223 રન, 188 વિકેટ, સરેરાશ 31.75, 2 સદી અને 14 અડધી સદી
- લિસ્ટ-A: 47 મેચ, 553 રન અને 38 વિકેટ
- ટી-20: 20 મેચમાં 18 વિકેટ
બેટ અને બોલ બંનેથી ટીમને ફાયદો પહોંચાડવાની તેમની ક્ષમતા તેમને ટેસ્ટ ક્રિકેટ માટે યોગ્ય વિકલ્પ બનાવે છે.
બુમરાહ અને સાઈ સુદર્શન પર ફિટનેસ અપડેટ
ભારતીય ટીમમાં જસપ્રિત બુમરાહ અને બી. સાઈ સુદર્શનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે બંનેની અંતિમ ઉપલબ્ધતા BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) તરફથી મળનારી ફિટનેસ ક્લિયરન્સ પર નિર્ભર રહેશે.
જાડેજાની વાપસીથી સ્પિન આક્રમણ મજબૂત
અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ટેનિસ એલ્બોની ઈજામાંથી સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ ટીમમાં પરત ફર્યા છે. તેમની વાપસીથી શ્રીલંકાની સ્પિન અનુકૂળ પીચો પર ભારતીય ટીમનું બોલિંગ વધુ મજબૂત બનશે.
WTCમાં ભારત માટે મહત્વની શ્રેણી
ભારત હાલમાં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27ના પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. ટીમે અત્યાર સુધી 9 ટેસ્ટમાંથી 4 જીત, 4 હાર અને 1 ડ્રો નોંધાવ્યો છે. ભારતના 52 પોઈન્ટ અને 48.15 PCT સાથે શ્રીલંકા સામેની શ્રેણી ટીમ માટે અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે.
શ્રીલંકા સામે ભારતની ટેસ્ટ ટીમ
શુભમન ગિલ (કેપ્ટન) (Shubman Gill Captain), કેએલ રાહુલ (ઉપ-કપ્તાન), યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત, ધ્રુવ જુરેલ, સાઈ સુદર્શન*, સરાંશ જૈન, રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja), કુલદીપ યાદવ, માનવ સુથાર, જસપ્રિત બુમરાહ*, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બ્રાર અને દેવદત્ત પડિકલ.
આ પણ વાંચો :ગ્લાસગોમાં ભારતના મેડલનું ખાતું ખુલ્યું; પાવરલિફ્ટર ઝંડુ કુમારે બ્રોન્ઝ જીતીને રચ્યો ઈતિહાસ
આ પણ વાંચો :પાકિસ્તાનને 7-3થી ધૂળ ચાટતી ભારતીય ટીમ; હવે ફાઇનલમાં ફરી ટાઇટલ માટે મહાજંગ!
આ પણ વાંચો :ભારત વિ. અફઘાનિસ્તાન T20 સીરિઝનું શિડ્યુલ જાહેર: દિલ્હીમાં રમાશે જંગ, જાણો ક્યારથી શરૂ થશે મેચો
