Gujarat Rain News: ગુજરાતમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે માર્ગ અને મકાન વિભાગે રાજ્યભરમાં અભૂતપૂર્વ કામગીરી હાથ ધરી છે. 23થી 27 જુલાઈ દરમિયાન અનેક જિલ્લાઓમાં રસ્તાઓ પર પાણી ફરી વળતા અને નુકસાન થતાં કુલ 1,540 રસ્તાઓ સુરક્ષાના કારણોસર બંધ કરવામાં આવ્યા હતા. જોકે વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી કરીને હાલ સુધીમાં 1,451 રસ્તાઓનું સમારકામ પૂર્ણ કરી રાજ્યના આશરે 94 ટકા રસ્તાઓ ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લા (Road Restoration) કરી દીધા છે.
Road Restoration: દક્ષિણ ગુજરાતમાં માત્ર 24થી 48 કલાકમાં 1,187 રસ્તા શરૂ

સૌથી વધુ અસર (Gujarat Flood) દક્ષિણ ગુજરાતમાં જોવા મળી હતી, જ્યાં સુરત, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં કુલ 1,251 રસ્તાઓ બંધ થયા હતા. વિભાગની(Roads and Buildings Department) ઝડપી કામગીરીના કારણે માત્ર 24થી 48 કલાકમાં જ 1,187 રસ્તાઓ ફરી શરૂ કરવામાં આવ્યા હતા. હાલ દક્ષિણ ગુજરાતના 1,236 એટલે કે 98 ટકાથી વધુ રસ્તાઓ પર વાહન વ્યવહાર પૂર્વવત્ થઈ ગયો છે.
1,400થી વધુ કર્મચારીઓ અને 300થી વધુ મશીનરી મેદાનમાં ઉતારાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગે 24×7 કામગીરી હાથ ધરી હતી. વિભાગે 145 તકનીકી અધિકારીઓ અને 1,316 ગ્રાઉન્ડ સ્ટાફ સહિત 1,400થી વધુ અધિકારી-કર્મચારીઓને મેદાનમાં ઉતાર્યા હતા. ઉપરાંત 195 JCB, 86 ટ્રેક્ટર અને 59 ડમ્પર સહિત 300થી વધુ ભારે મશીનરીનો ઉપયોગ કરીને રસ્તાઓ પરથી કાટમાળ અને માટી ઝડપથી દૂર કરવામાં આવી હતી.

ગાંધીનગરથી સતત મોનિટરિંગ અને સંકલન
સ્ટેટ ફ્લડ કંટ્રોલ સેલ, ગાંધીનગરથી દર બે કલાકે સમગ્ર સ્થિતિનું રિયલ-ટાઈમ મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. વલસાડ કમાન્ડ બેઝથી મુખ્ય ઈજનેર અને ખાસ ફરજ પરના અધિકારીઓએ સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં રાહત અને મરામત કામગીરીનું સીધું સંકલન કર્યું હતું.
પુલો અને સરકારી ઈમારતોનું તકનીકી મૂલ્યાંકન
ભારે વરસાદ બાદ સુરક્ષા સુનિશ્ચિત કરવા ગાંધીનગરથી 6 વિશેષ ડિઝાઇન ટીમોને અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી હતી. આ ટીમોએ પુલો અને સરકારી ઈમારતોની સ્ટ્રક્ચરલ ઈન્ટિગ્રિટી (Gujarat Flood Recovery) તેમજ સલામતીનું વિગતવાર તકનીકી મૂલ્યાંકન કર્યું હતું.
મીડિયા અહેવાલોના આધારે પણ તાત્કાલિક કાર્યવાહી
માર્ગ અને મકાન વિભાગે મીડિયા દ્વારા પ્રકાશિત થયેલા ક્ષતિગ્રસ્ત અથવા બંધ રસ્તાઓના અહેવાલોને પણ ગંભીરતાથી લીધા હતા. વિવિધ સમાચાર અહેવાલોના આધારે લગભગ 120 જેટલા રસ્તાઓની તાત્કાલિક મરામત કરીને વાહન વ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો હતો.
આપત્તિ વચ્ચે ઝડપી પ્રતિસાદનું ઉદાહરણ
અતિભારે વરસાદ વચ્ચે માર્ગ અને મકાન વિભાગે ઝડપી આયોજન, માનવબળ, આધુનિક મશીનરી અને સતત મોનિટરિંગના આધારે રાજ્યના મોટાભાગના માર્ગોને ટૂંકા સમયમાં કાર્યરત કરીને આપત્તિ વ્યવસ્થાપનનું અસરકારક ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં રેડ એલર્ટનો પ્રભાવ: 31 જુલાઈએ અનેક જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ, જાણો સંપૂર્ણ યાદી
આ પણ વાંચો: ગુજરાતમાં મેઘતાંડવની ચેતવણી! 31 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી હાઈ એલર્ટ, સરકાર એલર્ટ મોડમાં
આ પણ વાંચો: ભારે વરસાદ બાદ જીતુ વાઘાણી મેદાને, નવસારીના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે અને સહાયની સમીક્ષા
