Rajkot News: રાજકોટની PDU સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital)ના ઇમરજન્સી વોર્ડમાં મહિલા રેસિડન્ટ ડોક્ટર સાથે કથિત ગેરવર્તન, ગાળાગાળી અને મારામારીના કેસમાં પોલીસ કાર્યવાહી શરૂ થઈ છે. પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપી સિનિયર ડોક્ટર ડો. અશ્વિન વિઠ્ઠલભાઈ રામાણી (Dr Ashwin Ramani)ની 21 ઓગસ્ટે અટકાયત કરી છે.
20 ઓગસ્ટે બનેલી આ ઘટનાને પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital)ના રેસિડન્ટ અને જુનિયર તબીબોમાં ભારે રોષ ફેલાયો હતો. ઘટનાના વિરોધમાં તબીબો રાત્રે વિરોધ પ્રદર્શન પર ઉતરી આવ્યા હતા. જોકે, ફરિયાદ નોંધાતા અને પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરાતા જુનિયર તબીબોએ હડતાળ સમેટીને ફરી ફરજ પર પરત ફરવાનો નિર્ણય કર્યો છે.
ડીન સહિતના ઉચ્ચ અધિકારીઓની બેઠક
ઘટના બાદ હોસ્પિટલ (Rajkot Civil Hospital)માં તબીબોની સુરક્ષા અને સમગ્ર વ્યવસ્થા અંગે ચર્ચા શરૂ થઈ છે. સિવિલ હોસ્પિટલના RMO, મેડિકલ કોલેજના ડીન સહિતના ઉચ્ચ અધિકારીઓ જુનિયર તબીબો સાથે બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં હોસ્પિટલ (Rajkot Civil Hospital)માં ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા અને વહીવટી સ્તરે કયા પગલાં લેવા તે અંગે ચર્ચા થઈ રહી છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલના અધીક્ષક ડો. મોનાલી માંકડિયા (Dr. Monali Mankadia)એ જણાવ્યું હતું કે આ ગંભીર બનાવ છે અને તેને લઈને બેઠક બોલાવવામાં આવી છે. કોલેજ કાઉન્સિલનો નિર્ણય લેવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી માટે મોકલવામાં આવશે. ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે.
Rajkot Civil Hospital: અગાઉ પણ ફરિયાદ કરી હોવાનો દાવો
પીડિત મહિલા રેસિડન્ટ ડોક્ટર ડો. ક્રિશા શીંગાળા (Dr. Krisha Shingala)એ અગાઉ પણ ડો. અશ્વિન રામાણી સામે ફરિયાદ કરી હોવાનો દાવો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, અગાઉની ફરિયાદ બાદ યોગ્ય કાર્યવાહી ન થતાં ફરી આ પ્રકારની ઘટના બની છે. આ ઉપરાંત દવાઓની હેરાફેરી સહિતના અન્ય મુદ્દાઓને લઈને પણ કાર્યવાહી અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે.
ડો. ક્રિશાએ શું કહ્યું?
પીડિત ડો. ક્રિશા શીંગાળાના જણાવ્યા મુજબ, દર્દીની સારવારને લઈને તેમની અને મેડિકલ ઓફિસર ડો. અશ્વિન રામાણી વચ્ચે ગેરસમજ અને બોલાચાલી થઈ હતી. તેમના આક્ષેપ મુજબ, વાતચીત દરમિયાન ડો. રામાણી ઉશ્કેરાઈ ગયા હતા અને અશોભનીય શબ્દોનો ઉપયોગ કર્યા બાદ તેમના પર હાથ ઉપાડ્યો હતો. ડો. ક્રિશાએ હોસ્પિટલમાં આવા વર્તન કરનારા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
માતાએ પણ કડક કાર્યવાહીની માંગ કરી
ડો. ક્રિશાની માતા ભારતીબેને જણાવ્યું હતું કે તેમની દીકરી PDU હોસ્પિટલમાં R1 રેસિડન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. તેમના જણાવ્યા મુજબ, ડો. અશ્વિન રામાણીએ તેમની દીકરી સાથે ગાળાગાળી કરી અને હાથ ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે સમગ્ર મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.
દર્દીની સારવાર મુદ્દે શરૂ થયો હતો વિવાદ
ફરિયાદમાં જણાવ્યા મુજબ, 26 વર્ષીય ડો. ક્રિશા નિલેશકુમાર સિંગાળા રાજકોટના કાલાવડ રોડ વિસ્તારમાં રહે છે અને છેલ્લા છ મહિનાથી સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital)ના મેડિસિન વિભાગમાં રેસિડન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. 20 ઓગસ્ટે તેમની 24 કલાકની ઇમરજન્સી ડ્યુટી હતી. સાંજે આશરે 7:30થી 7:45 દરમિયાન ગંભીર હાલતમાં એક વૃદ્ધ મહિલા સારવાર માટે આવ્યા હતા.
દર્દીની સ્થિતિ નાજુક હોવાથી અને વેન્ટિલેટરની જરૂરિયાત જણાતી હોવાથી ડો. ક્રિશાએ ઇમરજન્સી વોર્ડમાં ફરજ પર રહેલા ડો. અશ્વિન રામાણી સમક્ષ દર્દીને ઇમરજન્સીમાં રાખવા અંગે રજૂઆત કરી હતી. ફરિયાદ મુજબ, દર્દીને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવા જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ડો. ક્રિશાએ ફરી રજૂઆત કરતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
લાફો માર્યાનો અને ધમકી આપ્યાનો આક્ષેપ
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે બોલાચાલી દરમિયાન ડો. અશ્વિન રામાણી ઉશ્કેરાઈ ગયા હતા અને ડો. ક્રિશા સાથે ઝઘડો કરીને તેમને લાફો માર્યો હતો. સાથે જ ગાળાગાળી અને ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, સમગ્ર ઘટના ઇમરજન્સી રૂમમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. ત્યારબાદ હોસ્પિટલ (Rajkot Civil Hospital)ના અન્ય સ્ટાફ અને સિક્યુરિટી કર્મચારીઓએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો.
હાલ પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે અને ડો. અશ્વિન રામાણીની અટકાયત કરી છે. બીજી તરફ, હોસ્પિટલ તંત્ર દ્વારા પણ સમગ્ર ઘટનાને લઈને બેઠક યોજાઈ રહી છે. હવે પોલીસ તપાસ અને કોલેજ કાઉન્સિલના નિર્ણય બાદ આગળની કાર્યવાહી શું થાય છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો:ડોક્ટર પર ડોક્ટરનો હુમલો! રાજકોટ સિવિલમાં હડતાળથી ઈમરજન્સી સેવા ઠપ
આ પણ વાંચો:તું અહીથી જવાદે મારા સામેથી, રાજકોટ સિવિલ સ્ટાફની લૂખી દાદાગીરી, મીરા આહિરને થયો કડવો અનુભવ
આ પણ વાંચો:ગંભીર અકસ્માત કે જન્મજાત ખોડખાંપણયુક્ત અંગોને પ્લાસ્ટિક સર્જરી કરી પુનઃ કાર્યરત કરતી રાજકોટ સિવિલ
