Gandhinagar News/ ‘SD Pay’ અને ‘Apna Pay’માં તગડા વળતરની લાલચ, ગાંધીનગરના યુવક સાથે ₹2.50 લાખની ઠગાઈ

SD Pay Fraud: ગાંધીનગરમાં ‘SD Pay’ અને ‘Apna Pay’ એપમાં ઊંચા વળતરની લાલચમાં યુવકે ₹2.50 લાખનું રોકાણ કર્યું. રકમ પરત ન મળતાં સેક્ટર-7 પોલીસમાં ફરિયાદ નોંધાઈ.

Top Stories Gandhinagar Gujarat Breaking News
SD Pay Fraud:પહેલા નફો આપ્યો, પછી પૈસા ફસાયા! ગાંધીનગરમાં રોકાણના નામે યુવક સાથે છેતરપિંડી

Gandhinagar News: ગુજરાતમાં ચર્ચામાં રહેલા આશરે ₹635 કરોડના કથિત ફ્રોડ નેટવર્કનો મામલો હવે ગાંધીનગર સુધી પહોંચ્યો છે. રોકાણ પર આકર્ષક વળતર આપવાની લાલચ આપી એક યુવક પાસેથી ₹2.50 લાખની છેતરપિંડી (SD Pay Fraud) થઈ હોવાની ફરિયાદ સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ સમગ્ર પ્રકરણમાં અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ થઈ હોવાનું સામે આવ્યું છે, જ્યારે કથિત મુખ્ય સૂત્રધાર મહેસાણાનો ધવલ પટેલ હાલ ફરાર હોવાનું જણાવાયું છે. ગાંધીનગરમાં પણ આ નેટવર્ક દ્વારા રોકાણકારોને નિશાન બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપો વચ્ચે પોલીસ દ્વારા તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

SD Pay Fraud: કુડાસણમાં ઓફિસ ખોલી રોકાણકારોને નિશાન બનાવ્યા હોવાનો આક્ષેપ

પોલીસ ફરિયાદ મુજબ, આ ટોળકીએ ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલા VTC કોમ્પ્લેક્સના પાંચમા માળે ઓફિસ શરૂ કરી હતી. અહીંથી રોકાણકારોને આકર્ષક વળતરની ઓફર કરવામાં આવતી હોવાનો આક્ષેપ છે. સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, સેક્ટર-13 વિસ્તારમાં રહેતા અને કુડાસણના પ્રમુખ આર્કેડમાં લોન અપાવવાનું કામ કરતા સ્મિતકુમાર ગિરીશભાઈ શ્રીમાળી પણ આ કથિત રોકાણ યોજનાનો ભોગ બન્યા હતા.

SD Pay Fraud:મિત્રની વાતમાં આવી શરૂઆતમાં ₹2 હજારનું રોકાણ

ફરિયાદ મુજબ, સ્મિતકુમારના પિતાએ તેમના મિત્ર કમલેશ વાઘેલાની વાતથી આ યોજનામાં રોકાણ શરૂ કર્યું હતું. શરૂઆતમાં રોકાણ સામે દરરોજ આશરે 0.30થી 0.40 પૈસા સુધીનું વળતર મળતું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં રોકાણ પર વળતર મળતાં સ્મિતકુમારને પણ આ યોજનામાં વિશ્વાસ બેઠો હતો. ત્યારબાદ તેમણે 10 જુલાઈ 2025ના રોજ પોતાના મોબાઈલમાં ‘SD Pay’ અને ‘Apna Pay’ એપ્લિકેશનનો ઉપયોગ શરૂ કરી શરૂઆતમાં ₹2,000નું રોકાણ કર્યું હતું.

શરૂઆતમાં રકમ પરત મળતાં વિશ્વાસ વધ્યો

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, શરૂઆતના રોકાણ બાદ નફો પરત મળ્યો હતો. ત્યારબાદ 8 ઓક્ટોબરના રોજ ક્રેડિટ કાર્ડ મારફતે અલગ-અલગ હપ્તામાં કુલ ₹50,000નું વધુ રોકાણ કરવામાં આવ્યું હતું. આ રકમ પણ સમયસર પરત મળતાં ફરિયાદીનો યોજનામાં વિશ્વાસ વધુ મજબૂત થયો હતો. ત્યારબાદ તેણે વધુ મોટી રકમ રોકાણ કરવાનો નિર્ણય લીધો હતો.

SD Pay Fraud:₹2.50 લાખનું રોકાણ કર્યા બાદ મુશ્કેલી શરૂ થઈ

ફરિયાદ મુજબ, 7 એપ્રિલ 2026ના રોજ સ્મિતકુમારે ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકના ખાતામાંથી નેટ બેન્કિંગ મારફતે ₹2.50 લાખનું વધુ રોકાણ કર્યું હતું. જોકે, રોકાણ કર્યાના આશરે એક મહિના બાદ જ્યારે તેણે પોતાની રકમ પરત ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે એપ્લિકેશનમાં પૈસા ઉપાડવામાં મુશ્કેલી આવી હતી. ગ્રુપમાં પણ ‘Error’ દર્શાવાતો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ પછી ફરિયાદીએ પોતાની રકમ પરત મેળવવા માટે કંપની સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.

SD Pay Fraud:Zoom મીટિંગમાં રકમ પરત આપવાના વાયદા

ફરિયાદ મુજબ, રોકાણકારોને શાંત રાખવા માટે ઠગ ટોળકી દ્વારા Zoom એપ્લિકેશન મારફતે ઓનલાઈન મીટિંગ યોજવામાં આવતી હતી. આ મીટિંગમાં રોકાણકારોના પૈસા પરત આપી દેવાના વાયદા કરવામાં આવતા હોવાનો આક્ષેપ છે. જોકે, સમય પસાર થવા છતાં રકમ પરત ન મળતાં ફરિયાદીની ચિંતા વધી હતી. બાદમાં આશરે 15 દિવસથી આ ઓનલાઈન મીટિંગ પણ બંધ થઈ ગઈ હતી અને કંપની તરફથી કોઈ સંતોષકારક જવાબ મળતો ન હતો.

SD Pay Fraud:અંતે સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ

વારંવાર સંપર્ક કરવા છતાં જવાબ ન મળતાં સ્મિતકુમારે અંતે સાયબર ક્રાઇમ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ સમગ્ર મામલો સેક્ટર-7 પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ હવે રોકાણની લેવડદેવડ, એપ્લિકેશન સાથે જોડાયેલા વ્યવહારો, બેંક એકાઉન્ટ્સ અને કથિત નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકો અંગે માહિતી એકત્ર કરી રહી છે.

SD Pay Fraud: ગાંધીનગરમાં વધુ ફરિયાદો નોંધાવાની શક્યતા

આ કેસ સામે આવ્યા બાદ આગામી દિવસોમાં ગાંધીનગરમાં આવા જ પ્રકારની વધુ ફરિયાદો નોંધાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ માટે હવે એ તપાસ મહત્વની છે કે ગાંધીનગરમાં કેટલા લોકો પાસેથી રોકાણના નામે રકમ લેવામાં આવી હતી અને આ નાણાકીય વ્યવહારોનું નેટવર્ક કેટલા વિસ્તારો સુધી ફેલાયેલું છે. રોકાણકારોને ઊંચા અને ઝડપી વળતરની લાલચ આપતી કોઈપણ ડિજિટલ રોકાણ યોજનામાં પૈસા મૂકતા પહેલાં તેની વિશ્વસનીયતા અને કાયદેસરતા ચકાસવી જરૂરી છે.


આ પણ વાંચો:GPay જેવી SD Pay એપથી કરોડોનો કથિત ખેલ, રોજના 0.30% કેશબેકની લાલચ આપી 6 ઝડપાયા

આ પણ વાંચો:ઇનપુટ ટેક્સ ક્રેડિટ માટે ISD ફરજિયાત! શરતોનું પાલન નહીં કરો તો ભરવો પડશે મસમોટો દંડ

આ પણ વાંચો:સેમસંગ આપશે 50,000 યુવાનોને તાલીમ અને રોજગારી, NSDC સાથે MOU સાઇન કર્યા