Amreli News: ગુજરાતમાં ઓનલાઈન રોકાણ અને ડિજિટલ પેમેન્ટના નામે ચાલતા એક મોટા કથિત સાયબર ફ્રોડ (SD Pay Scam) નેટવર્કનો અમરેલી પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસ તપાસ મુજબ, SD Pay અને અપના પે જેવી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી લોકોને ઊંચા દૈનિક વળતરની લાલચ આપી રોકાણ કરાવવામાં આવતું હતું. આ સમગ્ર નેટવર્કમાં આશરે રૂ.635 કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સામે આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે. આ કેસમાં પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી છે. સમગ્ર મામલાની તપાસ માટે IPS જયવીર ગઢવીના નેતૃત્વ હેઠળ SIT બનાવવામાં આવી છે. તપાસમાં ગુજરાતના અનેક શહેરો સુધી આ નેટવર્કના તાર જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.
SD Pay Scam: 7 બોગસ કંપનીઓ બનાવી નેટવર્ક ચલાવ્યાનો આરોપ
પોલીસની પ્રાથમિક તપાસ પ્રમાણે આરોપીઓએ કથિત કૌભાંડ ચલાવવા માટે SD Hub, શિવ ધરતી કોમ્યુનિકેશન અને ઉપાય ડીજી પેમેન્ટ ઈન્ડિયા સહિત કુલ સાત બોગસ કંપનીઓ ઊભી કરી હતી. આ કંપનીઓ સાથે જોડાયેલા અલગ-અલગ 15 બેંક ખાતાઓમાં રૂ.635 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન અને જમા રકમ મળી આવી હોવાનું પોલીસનું કહેવું છે. આટલી મોટી રકમની લેવડદેવડ કેવી રીતે થઈ અને નાણાંનો વાસ્તવિક સ્ત્રોત શું હતો તેની તપાસ હાલમાં ચાલી રહી છે.
SD Pay એપના 10 લાખથી વધુ ડાઉનલોડનો દાવો
આરોપીઓએ SD Pay નામની એપ્લિકેશન તૈયાર કરીને તેને પ્લે સ્ટોર પર ઉપલબ્ધ કરાવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસ મુજબ, આ એપના 10 લાખથી વધુ ડાઉનલોડ અને યુઝર્સ હોવાની માહિતી મળી છે. એપની મદદથી લોકોને ડિજિટલ પેમેન્ટ, બિલ પેમેન્ટ અને મોબાઈલ રિચાર્જ જેવી સુવિધાઓ આપવામાં આવતી હતી. આ સામાન્ય ડિજિટલ પેમેન્ટ સુવિધાઓની સાથે રોકાણ અને રેફરલ આધારિત કમાણીની સ્કીમ પણ ચલાવવામાં આવતી હોવાનો પોલીસનો દાવો છે.
SD Pay Scam: ₹1,000ના રોકાણથી શરૂ થતી કથિત સ્કીમ
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ SD Pay એપમાં અલગ-અલગ રકમના રોકાણ માટે દૈનિક કેશબેકની લાલચ આપવામાં આવતી હતી.
₹1,000થી ₹25,000: દરરોજ 0.15 ટકા
₹25,000થી ₹1 લાખ: દરરોજ 0.20 ટકા
₹1 લાખથી ₹5 લાખ: દરરોજ 0.25 ટકા
₹5 લાખથી વધુ: દરરોજ 0.30 ટકા
આ પ્રકારના ઊંચા દૈનિક વળતરના વચનથી લોકોને વધુ રકમ રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતા હોવાનો પોલીસનો આરોપ છે.
SD Pay Scam: રેફરલ બોનસથી નવા લોકોને જોડાતા
આ કથિત નેટવર્કમાં માત્ર રોકાણ જ નહીં પરંતુ રેફરલ સિસ્ટમ પણ મહત્વનો ભાગ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસ મુજબ, લોકોને નવા સભ્યો જોડવા માટે અલગ-અલગ લેયરમાં બોનસ આપવાની લાલચ આપવામાં આવતી હતી. પકડાયેલા આરોપીઓએ પોતાના રેફરન્સ અને નેટવર્ક મારફતે આશરે પોણા બે લાખ લોકોને આ સિસ્ટમ સાથે જોડ્યા હોવાની માહિતી સામે આવી છે.
SD Pay Scam: 3.5 લાખ લોકોનો ડેટા મળ્યો
તપાસ દરમિયાન પોલીસને એપ્લિકેશનમાં રજિસ્ટર થયેલા આશરે 3.5 લાખ લોકોનો ડેટા મળ્યો હોવાનું જણાવાયું છે. આ ડેટામાં લોકોના નામ અને મોબાઈલ નંબર સહિતની વિગતો હોવાનું પોલીસનું કહેવું છે. પોલીસ હવે આ ડેટાનું ભૌગોલિક વિશ્લેષણ કરીને રોકાણકારો કયા વિસ્તારોમાં રહે છે તેની માહિતી એકત્ર કરી રહી છે. પોલીસના અંદાજ મુજબ, જો આ લોકોમાંથી માત્ર 20થી 50 ટકા લોકોએ પણ ઓછામાં ઓછા ₹1,000નું રોકાણ કર્યું હોય તો પણ કુલ રોકાણનો આંકડો મોટો બની શકે છે. પ્રાથમિક તપાસમાં જિલ્લા પોલીસ સમક્ષ આશરે ₹65 કરોડના રોકાણની વિગતો સામે આવી હોવાનું જણાવાયું છે.
SD Pay Scam: દોઢ વર્ષમાં 635 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન
પોલીસે આરોપીઓના બેંક ખાતાઓની તપાસ કરતાં વધુ એક મહત્વની વિગતો સામે આવી હોવાનું જણાવ્યું છે. આ ખાતાઓ છેલ્લા આશરે એકથી દોઢ વર્ષ દરમિયાન ખોલવામાં આવ્યા હતા, છતાં તેમાં રૂ.635 કરોડ જેટલી વિશાળ રકમના વ્યવહારો થયેલા જોવા મળ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ પાસે અન્ય કોઈ સ્પષ્ટ કાયદેસર વ્યવસાય ન હોવા છતાં આટલા મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન થયા છે. હવે આ નાણાં ક્યાંથી આવ્યા, ક્યાં ગયા અને તેનો ઉપયોગ કઈ રીતે થયો તેની તપાસ ચાલી રહી છે. સાથે જ આ રકમ અંગે આરોપીઓએ IT, GST અથવા અન્ય લાગુ પડતા કર ભર્યા છે કે નહીં, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
SD Pay Scam: 83 સાયબર ફ્રોડ ફરિયાદો પણ સામે આવી
પોલીસે રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ ફરિયાદ પોર્ટલના ડેટાની તપાસ કરતાં સંબંધિત બેંક ખાતાઓ વિરુદ્ધ દેશના અલગ-અલગ વિસ્તારોમાંથી આશરે 83 સાયબર ફ્રોડ (SD Pay Scam) ફરિયાદો નોંધાયેલી હોવાનું જણાવ્યું છે. આથી પોલીસને શંકા છે કે આ નેટવર્કનો વ્યાપ માત્ર ગુજરાત પૂરતો મર્યાદિત ન હોઈ શકે.
SD Pay Scam: અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં સેમિનાર
તપાસમાં આરોપીઓ દ્વારા કથિત રોકાણ યોજનાનો પ્રચાર કરવા માટે વિવિધ શહેરોમાં સેમિનાર યોજવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના શહેરોમાં આવેલી હોટલોના બેન્ક્વેટ હોલ ભાડે રાખીને લોકોની બેઠકો યોજાતી હતી. આ સેમિનારમાં લોકોને આકર્ષક વળતરના વચનો આપીને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતા હોવાનો પોલીસનો દાવો છે. ઓનલાઈન એપ્લિકેશન હોવાથી ગુજરાતના અનેક વિસ્તારોમાંથી લોકો આ નેટવર્ક સાથે જોડાયા હોવાની આશંકા છે.
SD Pay Scam: છ આરોપીઓની ધરપકડ
આ કેસમાં પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં આશિષભાઈ છગનભાઈ ગેડીયા – સુરત,ભાવેશભાઈ ધીરુભાઈ ચૌહાણ – સુરત,નિશિ સત્યનારાયણ પ્રસાદ – મહેસાણા,સોહિલભાઈ જીતેન્દ્રકુમાર મકવાણા – મહેસાણા,નિવરકુમાર અરવિંદભાઈ પટેલ – મહેસાણા સૂર્યસિંહ જગતસિંહ રાઠોડનો સમાવેશ થાય છે. પોલીસે આ ઉપરાંત ધવલ પટેલ, હિરેન શાહ અને નરેન્દ્રસિંહ સોલંકી સહિત આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે પણ તપાસ તેજ કરી છે.
SD Pay Scam: એપ અને નાણાકીય વ્યવહારો બંધ કરાવવા કાર્યવાહી
પોલીસે કથિત ફ્રોડ (SD Pay Scam)માં ઉપયોગમાં લેવાતી એપ્લિકેશનો તથા સંબંધિત નાણાકીય વ્યવહારો પર રોક લગાવવા માટે સંબંધિત કંપનીઓને રિપોર્ટ મોકલ્યો હોવાનું જણાવ્યું છે. તપાસનો હેતુ એપ મારફતે થયેલા વ્યવહારો, બેંક ખાતાઓ અને રોકાણકારો વચ્ચેના નાણાકીય પ્રવાહને શોધવાનો છે.
SD Pay Scam: રોકાણકારોને પોલીસની અપીલ
અમરેલી જિલ્લા પોલીસે Up Pay, HDP અથવા અન્ય સમાન માધ્યમથી રોકાણ કરનારા લોકોને આગળ આવી ફરિયાદ નોંધાવવા અપીલ કરી છે. કોઈ વ્યક્તિ કે એજન્ટે આવી સ્કીમમાં રોકાણ કરાવ્યું હોય તો સંબંધિત રોકાણકારોએ પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે. પોલીસના મતે, વધુ ફરિયાદો અને માહિતી મળવાથી કથિત નેટવર્ક સાથે સંકળાયેલા લોકો સામેની તપાસને વધુ મજબૂતી મળી શકે છે.
SD Pay Scam: અમરેલી એસપીની લોકોને ચેતવણી
અમરેલી એસપી સંજય ખરાતે લોકોને ઓનલાઈન રોકાણની લોભામણી અને શંકાસ્પદ યોજનાઓથી સાવચેત રહેવાની અપીલ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, આવા કૌભાંડોમાં ઠગો ઘણીવાર સગાં-સંબંધીઓ, મિત્રો અથવા ઓળખીતા લોકોને જ એજન્ટ તરીકે આગળ કરે છે. શરૂઆતના કેટલાક મહિનાઓમાં રોકાણકારોને વળતર આપીને વિશ્વાસ જીતવામાં આવે છે અને ત્યારબાદ તેમને વધુ રકમ રોકાણ કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે.
પોલીસે ખાસ ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા પર જોવા મળતી ઊંચા વળતરની જાહેરાતો અથવા રોકાણ યોજનાઓની સત્યતા ચકાસ્યા વગર પૈસા રોકવા નહીં. નાની રકમ ગુમાવ્યા બાદ પણ ફરિયાદ ન કરવી એ યોગ્ય નથી. જો કોઈ વ્યક્તિ સાયબર અથવા નાણાકીય છેતરપિંડીનો ભોગ બને તો તેણે તાત્કાલિક પોલીસ અથવા સાયબર ક્રાઈમ તંત્રનો સંપર્ક કરવો જોઈએ.
હાલમાં સમગ્ર કેસમાં SIT અને જિલ્લા પોલીસ દ્વારા નાણાકીય વ્યવહારો, એપ્લિકેશન, રોકાણકારોના ડેટા અને અન્ય સંભવિત આરોપીઓની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવી રહી છે. તપાસ આગળ વધ્યા બાદ કથિત રૂ.635 કરોડના નેટવર્કનું સંપૂર્ણ ચિત્ર વધુ સ્પષ્ટ થવાની શક્યતા છે.
આ પણ વાંચો:FASTag રિચાર્જ પર ડિસ્કાઉન્ટની લાલચ આપીને લોકોને લૂંટતી નવી ગેંગ સક્રિય! સાવધાન રહેજો, નહીંતર…
આ પણ વાંચો:એક APK અને આખો ફોન જોખમમાં! MHAની ચેતવણી, પોર્ન એપના નામે સાયબર ફ્રોડથી બચો
આ પણ વાંચો:ચાંગોદરમાં સાયબર ફ્રોડ: બોસ બની એકાઉન્ટન્ટ પાસે ₹3 કરોડ ટ્રાન્સફર કરાવ્યા, 1 મિનિટમાં ભાંડો ફૂટ્યો
