Gujarat News : ગુજરાત (Gujarat)માં વિકાસની ગતિ સાથે બાંધકામ ક્ષેત્ર પણ ઝડપથી વિસ્તરી રહ્યું છે. અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના મહાનગરોમાં દરરોજ નવા મકાનો અને બિલ્ડિંગોનું બાંધકામ થઈ રહ્યું છે. જોકે બાંધકામ સ્થળે શ્રમિકોની સુરક્ષા અંગે વારંવાર સવાલો ઊભા થાય છે. દિવાલ ધરાશાયી થવી, નિર્માણાધીન સ્લેબ તૂટી પડવો કે અન્ય કારણોસર સર્જાતી દુર્ઘટનાઓમાં અનેક લોકો જીવ ગુમાવે છે. છેલ્લા પાંચ વર્ષના આંકડા પણ ચિંતા વધારનારા છે. NCRBના જણાવ્યા મુજબ વર્ષ 2020થી 2024 દરમિયાન ગુજરાતમાં સ્ટ્રક્ચર તૂટી પડવાની વિવિધ ઘટનાઓમાં કુલ 555 લોકોનાં મોત નોંધાયાં હતાં.
પાંચ વર્ષમાં 555 લોકોનાં મોત
NCRBના આંકડા મુજબ વર્ષ 2020થી 2024 દરમિયાન સમગ્ર દેશમાં સ્ટ્રક્ચર તૂટી પડવાની ઘટનાઓમાં કુલ 7,979 લોકોનાં મોત નોંધાયાં હતાં. તેમાં ગુજરાતમાં 555 લોકોનાં મોત થયાં છે. એટલે કે ગુજરાતમાં આ પાંચ વર્ષ દરમિયાન દર વર્ષે સરેરાશ 100થી વધુ લોકોનાં મોત નોંધાયાં. ગુજરાતમાં વર્ષવાર આંકડા જોઈએ તો 2020માં 104, 2021માં 103 અને 2022માં પણ 103 લોકોનાં મોત થયાં હતાં. 2023માં આ મૃત્યુઆંક વધીને 127 થયો હતો, જ્યારે 2024માં 118 લોકોનાં મોત નોંધાયાં હતાં. આ આંકડા બાંધકામની ગુણવત્તા (Construction Quality), સ્ટ્રક્ચરલ સેફ્ટી (Structural Safety) અને તંત્રની દેખરેખ સામે ગંભીર સવાલો ઊભા કરે છે.
2024માં ગુજરાત છઠ્ઠા ક્રમે
વર્ષ 2024ના આંકડા પ્રમાણે સ્ટ્રક્ચર તૂટી પડવાથી થયેલા મૃત્યુના મામલે ગુજરાત દેશના રાજ્યોમાં છઠ્ઠા ક્રમે રહ્યું હતું. ઉત્તર પ્રદેશમાં 224, મહારાષ્ટ્રમાં 223, મધ્ય પ્રદેશમાં 179, રાજસ્થાનમાં 131 અને ઝારખંડમાં 123 લોકોનાં મોત નોંધાયાં હતાં. ગુજરાતમાં 118 લોકોનાં મોત થયાં હતાં.
અહીં સવાલ એ છે કે ઈમારત ધરાશાયી થયા બાદ રાહત અને વળતર આપવું પૂરતું છે કે પછી આવી દુર્ઘટના સર્જાય જ નહીં તે માટે અગાઉથી સુરક્ષાની વ્યવસ્થા કરવી વધુ જરૂરી છે?
સરકારી ઈમારતોની સુરક્ષા સામે પણ સવાલ
NCRBના આંકડા પ્રમાણે 2024માં સમગ્ર દેશમાં સરકારી અને વ્યાપારી ઈમારતો તૂટી પડવાની ઘટનાઓમાં 59 લોકોનાં મોત થયાં હતાં. ગુજરાતમાં આ કેટેગરીમાં 3 મોત નોંધાયાં હતાં. જોકે તમામ પ્રકારના સ્ટ્રક્ચર તૂટી પડવાની ઘટનાઓને ગણવામાં આવે તો ગુજરાતનો મૃત્યુઆંક 118 સુધી પહોંચે છે.
આ સ્થિતિ વચ્ચે જૂની અને જોખમી ઈમારતોનું નિયમિત સ્ટ્રક્ચરલ ઓડિટ (Structural Audit) થાય છે કે નહીં, બાંધકામમાં વપરાતા સિમેન્ટ, સ્ટીલ અને અન્ય સામગ્રીનું યોગ્ય પરીક્ષણ થાય છે કે નહીં અને બાંધકામમાં ખામી કે બેદરકારી સામે આવે તો જવાબદાર કોન્ટ્રાક્ટર તથા અધિકારીઓ સામે શું કાર્યવાહી થાય છે તેવા સવાલો ઊભા થયા છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ પણ આ મુદ્દે સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસે રાજ્યની સરકારી શાળાઓ, કોલેજો, હોસ્પિટલો, કચેરીઓ અને સરકારી આવાસોના સ્ટ્રક્ચરલ સેફ્ટી ઓડિટ અંગે સવાલ કર્યો છે. સાથે જ બાંધકામની ગુણવત્તા અંગે શંકા હોય ત્યાં થર્ડ પાર્ટી ટેસ્ટિંગ (Third Party Testing) થાય છે કે નહીં અને બેદરકારી સાબિત થાય તો જવાબદાર કોન્ટ્રાક્ટર તથા અધિકારીઓ સામે કેટલી કાર્યવાહી થઈ તે અંગે પણ સવાલો ઉઠાવ્યા છે.
અકસમાત બાદ વળતર આપવું જરૂરી છે, પરંતુ તેનાથી પણ વધુ જરૂરી છે અકસ્માત પહેલાં સુરક્ષા સુનિશ્ચિત કરવી. પાંચ વર્ષમાં 555 લોકોનાં મોતનો આંકડો માત્ર આંકડો નથી, પરંતુ બાંધકામની ગુણવત્તા, શ્રમિકોની સુરક્ષા (Worker Safety), સ્ટ્રક્ચરલ સેફ્ટી (Structural Safety) અને તંત્રની દેખરેખ સામે મોટો સવાલ છે. વિકાસની દોડમાં માનવજીવનની સુરક્ષા પાછળ ન રહી જાય તે જોવાની જવાબદારી તંત્ર અને બાંધકામ સાથે જોડાયેલા તમામ લોકોની છે.
આ પણ વાંચો:ગાંધીનગર કુડાસણમાં ક્રેન ધરાશાયી, 10થી 15 શ્રમિકો દબાયાની આશંકા
આ પણ વાંચો:નેપાળ પૂર હોનારત વચ્ચે મોટો ચમત્કાર; ટનલમાં ફસાયેલા 2 શ્રમિકો 9 દિવસ બાદ જીવિત મળ્યા
આ પણ વાંચો: અમદાવાદના મણીનગર રોડ પર 15 ફૂટ ઊંડો ભૂવો, સમારકામ દરમિયાન શ્રમિકોની સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ
