Ahmedabad News: શહેરના બોપલ વિસ્તારમાં મોડી રાત્રે એક i10 કારચાલકે કથિત રીતે બેદરકારીપૂર્વક વાહન હંકારીને એક પછી એક 6 વાહનોને ટક્કર માર્યાની ઘટના સામે આવી છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ખાસ વાત એ છે કે અકસ્માત (Ahmedabad Bopal Accident) કરનાર કારના આગળના ભાગે ‘પોલીસ’ લખેલી પ્લેટ જોવા મળી હતી. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કારચાલકની હાલત એવી હતી કે તે યોગ્ય રીતે ઊભો પણ રહી શકતો ન હતો. લોકો દ્વારા કારચાલક નશામાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસ કંટ્રોલ રૂમ 112 પર કરવામાં આવ્યા બાદ બોપલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
Ahmedabad Bopal Accident: બે કાર અને ચાર ટુ-વ્હીલરને ટક્કર
ફરિયાદી નિશિથ શાહના જણાવ્યા પ્રમાણે, તેઓ બોપલના અક્ષરધામ બંગલોઝ ખાતે હતા. રાત્રે આશરે 8:30 વાગ્યાના સમયે ઘરની બહારથી જોરદાર અવાજ સંભળાતા તેઓ બહાર આવ્યા હતા. ત્યારે ગ્રે કલરની i10 કારનો ચાલક બેદરકારીપૂર્વક કાર ચલાવતો જોવા મળ્યો હતો અને તેણે તેમની ડસ્ટર કારને ટક્કર મારી હતી. આ કાર થોડે આગળ જઈને ઊભી રહી હતી. તપાસમાં સામે આવ્યું કે i10 કારચાલકે માત્ર એક વાહનને નહીં પરંતુ કુલ બે ફોર-વ્હીલર અને ચાર ટુ-વ્હીલર સહિત છ વાહનોને અડફેટે લીધા હતા.
સ્થાનિકોએ વીડિયો બનાવી પોલીસને જાણ કરી
અકસ્માત (Ahmedabad Bopal Accident)ની ઘટના બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા. સ્થાનિકોએ કારચાલકને રોકી તેની કારની ચાવી પોતાના કબજામાં લીધી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. વીડિયોમાં કારચાલકની સ્થિતિ જોઈને લોકો તેના નશામાં હોવા અંગે ચર્ચા કરતા જોવા મળે છે. સ્થાનિકો દ્વારા કારની ડિકી તેમજ અંદરના ભાગમાં દારૂની બોટલ અથવા અન્ય કોઈ સામગ્રી છે કે કેમ તેની તપાસ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.
પ્રદ્યુમનસિંહ વાઘેલા સામે ગુનો
બોપલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. અકસ્માત (Ahmedabad Bopal Accident) મામલે પ્રદ્યુમનસિંહ વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધી તેમની અટકાયત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કારચાલક ખરેખર પોલીસ કર્મચારી છે કે નહીં અને કાર પર ‘પોલીસ’ લખેલી પ્લેટ શા માટે લગાવવામાં આવી હતી તે અંગે પણ તપાસનો મુદ્દો ઊભો થયો છે.
ફરિયાદમાં ‘પોલીસ’ લખેલી પ્લેટનો ઉલ્લેખ કેમ નહીં?
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ વધુ એક સવાલ ચર્ચામાં આવ્યો છે. અકસ્માત (Ahmedabad Bopal Accident) કરનાર i10 કારના આગળના ભાગે ‘પોલીસ’ લખેલી પ્લેટ સ્પષ્ટ રીતે જોવા મળે છે. જોકે, ઉપલબ્ધ ફરિયાદની વિગતોમાં આ પ્લેટ અંગે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત અકસ્માત (Ahmedabad Bopal Accident) કરનાર વ્યક્તિ પોલીસ વિભાગ સાથે સંકળાયેલો છે કે કેમ તે અંગે પણ સ્પષ્ટતા જરૂરી બની છે. તેથી હવે પોલીસ તપાસમાં કાર પર ‘પોલીસ’ લખેલી પ્લેટ અંગે શું હકીકત સામે આવે છે અને કારચાલકની ઓળખ તથા નશાની સ્થિતિ અંગે શું વિગતો બહાર આવે છે તેના પર નજર રહેશે.
આ પણ વાંચો:અમદાવાદમાં અકસ્માત પાછળ ઓનર કિલિંગનો ખુલાસો, પિતા-ભાઈએ યુવતીની હત્યા કરી
